Gold Silver Price Today: છેલ્લા થોડા દિવસોથી સોના-ચાંદીના બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી હતી, તેમાં આજે રોકાણકારો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે બજારમાં જે મોટો કડાકો બોલી ગયો હતો, તેની કળ વળે તે પહેલાં જ આજે સવારે બજાર ખુલતાં જ બંને કિંમતી ધાતુઓએ શાનદાર ‘કમબેક' કર્યું છે. ખરીદી નીકળતા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ચાંદીમાં 4,000 થી વધુનો તોતિંગ ઉછાળો
આજે સૌથી વધુ ચમક ચાંદીમાં જોવા મળી છે. ગઈકાલે ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું, પણ આજે સવારે ચિત્ર આખું બદલાઈ ગયું હતું.
ગઈકાલનો બંધ ભાવ: 2,28,783.00
આજનું ઓપનિંગ: 2,32,929.00
બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં સીધો 4,146.00નો વધારો જોવા મળ્યો હતો. હાલની વાત કરીએ તો, ચાંદી તેના ગઈકાલના બંધ ભાવથી લગભગ 1.79% ના વધારા સાથે 2,32,875.00 ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. એટલે કે, એક જ દિવસમાં ચાંદીના રોકાણકારોને મોટો ફાયદો થયો છે.
સોનાના ભાવમાં પણ શાનદાર રિકવરી
ચાંદીની પાછળ પાછળ સોનામાં પણ આજે તેજીનો પવન ફૂંકાયો છે. સોનાના ભાવમાં પણ સવારથી જ મજબૂતી જોવા મળી રહી છે.
ગઈકાલનો બંધ ભાવ: 1,51,418.00
આજનું ઓપનિંગ: 1,53,303.00
આમ, સોનામાં પણ બજાર ખુલતાની સાથે જ 1,885.00 જેવો મોટો ઉછાળો આવ્યો હતો. હાલમાં સોનું તેના પાછલા બંધ ભાવ કરતા આશરે 1,405.00 વધીને 1,52,823.00 પર કારોબાર કરી રહ્યું છે. ટૂંકમાં, સોનામાં 0.93% જેટલો સુધારો નોંધાયો છે.
રાત ગઈ ને વાત ગઈ: કડાકા બાદ તેજી
માર્કેટની ચાલ સમજવી મુશ્કેલ છે, તે વાત ગઈકાલ અને આજની સ્થિતિ પરથી સાબિત થાય છે. ગઈકાલે રાત્રે સોના-ચાંદીમાં ભારે વેચવાલી આવતા ભાવ તળિયે બેસી ગયા હતા. એક સમયે સોનું 1,50,964 ના નીચા લેવલે પહોંચી ગયું હતું અને ચાંદીમાં પણ 3% થી વધુનો ઘટાડો હતો.
જોકે, આજે સવાર પડતા જ નીચા ભાવે ફરી ખરીદી (Value Buying) નીકળતા બજારે જોરદાર યુ-ટર્ન લીધો છે અને બંને ધાતુઓ ફરી ગ્રીન ઝોનમાં આવી ગઈ છે. રોકાણકારો માટે આજના દિવસની શરૂઆત પોઝિટિવ રહી છે.