Gujarat Budget 2026-27: કનુ દેસાઈ આજે રચશે ઈતિહાસ! શું બજેટનું કદ 4 લાખ કરોડને પાર કરશે? જાણો તમારા માટે શું છે ખાસ? | Moneycontrol Gujarati
Get App

Gujarat Budget 2026-27: કનુ દેસાઈ આજે રચશે ઈતિહાસ! શું બજેટનું કદ 4 લાખ કરોડને પાર કરશે? જાણો તમારા માટે શું છે ખાસ?

Gujarat Budget 2026-27: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરશે. શું બજેટ 4 લાખ કરોડનો ઐતિહાસિક આંકડો વટાવશે? કોમનવેલ્થ ગેમ્સ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતોની શક્યતા. વાંચો બજેટનું સંપૂર્ણ ગણિત.

અપડેટેડ 10:22:24 AM Feb 18, 2026 પર
Story continues below Advertisement
Gujarat Budget 2026-27: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરશે.

Gujarat Budget 2026-27: આજે ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. ગાંધીનગર ખાતે ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવાના છે. કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કરશે.

આ વખતનું બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ અને 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો સરકારનો 'માસ્ટરસ્ટ્રોક' હોઈ શકે છે.

શું બજેટ 4 લાખ કરોડને પાર કરશે?

ગાંધીનગરના રાજકીય ગલિયારાઓમાં અને આર્થિક નિષ્ણાતોમાં અત્યારે એક જ ચર્ચા છે શું ગુજરાતનું બજેટ આ વખતે 4,00,000 કરોડની ઐતિહાસિક સપાટી વટાવશે? રાજ્યમાં ચાલી રહેલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સામાજિક કલ્યાણની યોજનાઓને જોતા આ શક્યતા નકારી શકાય તેમ નથી. નિષ્ણાતો માને છે કે ‘વિકસિત ગુજરાત @ 2047'ના વિઝનને સાકાર કરવા માટે આ બજેટ પાયાનું કામ કરશે.

બજેટના કેન્દ્રમાં શું રહેશે?


આ વખતના બજેટમાં સરકાર પાંચ મુખ્ય મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મૂકી શકે છે:

મિશન ઓલિમ્પિક અને કોમનવેલ્થ (2030/2036): ગુજરાત સરકાર 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક ગેમ્સના યજમાન બનવા માટે તૈયારી કરી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદના મોટેરા અને નારણપુરા વિસ્તારને 'વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ડિસ્ટ્રિક્ટ' બનાવવા માટે 2,000 થી 5,000 કરોડની જંગી ફાળવણી થઈ શકે છે. ખેલાડીઓ માટે 'શક્તિદૂત' યોજનાનું બજેટ પણ વધારવામાં આવે તેવી વકી છે.

ગ્રીન ગ્રોથ અને ક્લીન એનર્જી: ‘નેટ ઝીરો' લક્ષ્યાંકને પહોંચી વળવા કચ્છ અને બનાસકાંઠામાં રિન્યુએબલ એનર્જી પાર્ક માટે સરકાર તિજોરી ખોલી શકે છે. જાહેર પરિવહન એટલે કે ST અને સિટી બસોમાં 100% ઇલેક્ટ્રિક બસો લાવવા માટે મોટી જાહેરાત થવાની શક્યતા છે.

શહેરી વિકાસ અને મેટ્રો: મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ફ્લાયઓવર માટે ભેટ મળી શકે છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો બાદ હવે સુરત અને અન્ય શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂકવામાં આવશે.

ટેકનોલોજી અને ગિફ્ટ સિટી: સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સને જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ માટે મોટો ખર્ચ કરાશે. જ્યારે GIFT Cityના ફેઝ-2ના વિસ્તરણ અને ત્યાં વિદેશી યુનિવર્સિટીઓ સ્થાપવા માટે જમીન અને સબસિડીની જાહેરાત થઈ શકે છે.

ખેડૂતો અને આરોગ્ય: ખેડૂતો માટે ડ્રોન ટેકનોલોજી અને નેનો યુરિયાના વપરાશ માટે સહકારી મંડળીઓને ગ્રાન્ટ મળી શકે છે. બીજી તરફ, આરોગ્ય ક્ષેત્રે 'PM-JAY' (આયુષ્માન કાર્ડ) યોજનામાં ગંભીર બીમારીઓનો ઉમેરો કરી કવરેજ વધારવાની તૈયારી છે. આદિવાસી વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજો પણ સ્થપાઈ શકે છે.

રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?

સરકારની આવક અને જાવકનું ગણિત સમજવું પણ રસપ્રદ છે.

આવક: રાજ્યની તિજોરીમાં સૌથી મોટો હિસ્સો (43.22%) GST અને અન્ય વેરાઓનો છે. જ્યારે ચિંતાજનક બાબત એ છે કે આવકનો બીજો મોટો સ્ત્રોત (30.47%) જાહેર દેવું અને લોન છે.

ખર્ચ: સરકારનો સૌથી વધુ ખર્ચ (65.57%) વિકાસલક્ષી કાર્યો જેવા કે શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગો પાછળ થાય છે. જ્યારે વહીવટી ખર્ચ 23.45% જેટલો છે.

ચિંતાનો વિષય: માથે દેવાનો ડુંગર

એક તરફ વિકાસની હરણફાળ છે તો બીજી તરફ દેવાનો બોજ પણ વધી રહ્યો છે. વર્ષ 2025-26ના અંતે રાજ્યનું જાહેર દેવું આશરે 3.99 લાખ કરોડ હતું. જો બજેટનું કદ 4 લાખ કરોડને પાર કરશે, તો આ દેવું 4.50 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

સરળ ભાષામાં કહીએ તો, અત્યારે દરેક ગુજરાતીના માથે આશરે 57,000 નું દેવું છે. રાજ્ય સરકાર પોતાની કુલ આવકનો લગભગ 15% થી 18% હિસ્સો તો માત્ર જૂના દેવાનું વ્યાજ ચૂકવવામાં જ વાપરી નાખે છે. આ આર્થિક સંતુલન જાળવવું એ નાણામંત્રી કનુ દેસાઈ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે.

કર્મચારીઓના પગાર પાછળ 52,847 કરોડ અને પેન્શન પાછળ 28,833 કરોડનો ખર્ચ થાય છે, જે રાજ્યની તિજોરી પર મોટો બોજ છે.

હવે જોવાનું એ રહે છે કે, નાણામંત્રી કનુ દેસાઈ પોતાની આ પાંચમી "બજેટ ઈનિંગ"માં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને ઉદ્યોગકારોને ખુશ કરી શકે છે કે કેમ? આખા ગુજરાતની નજર અત્યારે વિધાનસભા પર મંડાયેલી છે.

આ પણ વાંચો- ભારત-ફ્રાન્સ મિત્રતાનો નવો અધ્યાય: PM મોદી અને મેક્રોને H125 હેલિકોપ્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, સંબંધો બન્યા વધુ મજબૂત

MoneyControl News

MoneyControl News

First Published: Feb 18, 2026 10:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.