ભારત-ફ્રાન્સ મિત્રતાનો નવો અધ્યાય: PM મોદી અને મેક્રોને H125 હેલિકોપ્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, સંબંધો બન્યા વધુ મજબૂત | Moneycontrol Gujarati
Get App

ભારત-ફ્રાન્સ મિત્રતાનો નવો અધ્યાય: PM મોદી અને મેક્રોને H125 હેલિકોપ્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, સંબંધો બન્યા વધુ મજબૂત

PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કર્ણાટકમાં ટાટા-એરબસ હેલિકોપ્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. બંને દેશો વચ્ચેની મિત્રતા હવે 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' બની ગઈ છે.

અપડેટેડ 07:07:15 PM Feb 17, 2026 પર
Story continues below Advertisement
બંને નેતાઓ વચ્ચે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એક મોટી જાહેરાત કરવામાં આવી. ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારીને હવે 'સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો હવે એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. મંગળવારે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ રક્ષા, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના નિર્ણયો લીધા હતા અને કર્ણાટકમાં હેલિકોપ્ટર એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

ટાટા-એરબસ H125 હેલિકોપ્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન

આ બેઠકની સૌથી મોટી હાઈલાઈટ ટાટા એરબસ પ્રોજેક્ટ રહી હતી. PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્ણાટકના વેમગલ  ખાતે 'ટાટા એરબસ H125 લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર ફાઈનલ એસેમ્બલી લાઈન'નું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે અને 'મેક ઈન ઈન્ડિયા'ને વેગ આપશે.

સંબંધોને મળ્યો 'સ્પેશિયલ' દરજ્જો

બંને નેતાઓ વચ્ચે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એક મોટી જાહેરાત કરવામાં આવી. ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારીને હવે સ્પેશિયલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો છે.


આ પ્રસંગે રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, "ભારતની મારી આ ચોથી સત્તાવાર મુલાકાત છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો ખરેખર અનોખા છે, જે વિશ્વાસ અને મહત્વાકાંક્ષા પર આધારિત છે. છેલ્લા 8 વર્ષોમાં આપણે સાથે મળીને ઈન્ડો-પેસિફિક રીજન હોય કે ટેકનોલોજી, દરેક ક્ષેત્રમાં ઉત્તમ કામ કર્યું છે."

PM મોદીએ માર્સેઈ અને સાવરકરને યાદ કર્યા

પોતાના સંબોધનમાં PM મોદીએ ફ્રાન્સના શહેર માર્સેઈ સાથેના ભારતના ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, "ગયા વર્ષે હું માર્સેઈ ગયો હતો. આ એ જ શહેર છે જ્યાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો ઉતર્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરે અંગ્રેજોની પકડમાંથી છૂટવા માટે આ જ શહેરના દરિયામાં છલાંગ લગાવી હતી, જે ભારતની આઝાદી માટેના તેમના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે."

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે હવે આ ભાગીદારી 'જનતાની ભાગીદારી' બની રહી છે. હવે માત્ર સરકારો જ નહીં, પરંતુ બંને દેશના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, MSME અને સંશોધકો પણ એકબીજા સાથે જોડાઈને નવા ઈનોવેશન પર કામ કરશે.

મહત્વનું છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન 3 દિવસના ભારત પ્રવાસે છે. મુંબઈ બાદ તેઓ ગુરુવારે નવી દિલ્હી જશે, જ્યાં તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શિખર સંમેલનમાં ભાગ લેશે.

આ પણ વાંચો-India-France Defence Deal : ભારતને મળશે 'સુપર રાફેલ': ફ્રાન્સ સાથે 3.25 લાખ કરોડની ઐતિહાસિક ડીલ, હવે દેશમાં જ બનશે ઘાતક મિસાઈલ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2026 7:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.