India-France Defence Deal : ભારતને મળશે 'સુપર રાફેલ': ફ્રાન્સ સાથે 3.25 લાખ કરોડની ઐતિહાસિક ડીલ, હવે દેશમાં જ બનશે ઘાતક મિસાઈલ
માત્ર વિમાનો જ નહીં, પરંતુ મિસાઈલ ક્ષેત્રે પણ મોટો કરાર થઈ રહ્યો છે. ભારતની BEL અને ફ્રાન્સની કંપની 'સેફ્રોન' વચ્ચે જોઈન્ટ વેન્ચર (JV) બનશે, જેમાં બંનેની 50-50 ટકા ભાગીદારી હશે.
આ મેગા ડીલ હેઠળ ભારતને કુલ 114 રાફેલ ફાઈટર જેટ મળશે. ભારતીય વાયુસેના પાસે હાલમાં રાફેલનું F-3 વેરિઅન્ટ છે, પરંતુ હવે મળનારા મોટાભાગના જેટ્સ અપગ્રેડેડ F-4 વર્ઝનના હશે.
India-France Defence Deal : ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા હવે એક નવા અને મજબૂત તબક્કામાં પ્રવેશી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હાલમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે છે અને મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વની બેઠક યોજી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની જંગી ડિફેન્સ ડીલ થવાની શક્યતા છે. કિંમતની દ્રષ્ટિએ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય ખરીદી માનવામાં આવે છે.
આ ડીલ ભારતીય વાયુસેનાને તો મજબૂત કરશે જ, પણ સાથે 'મેક ઇન ઇન્ડિયા'ને પણ મોટું પ્રોત્સાહન આપશે. આવો જાણીએ આ ડીલની ખાસ વાતો.
ભારતને મળશે 114 રાફેલ, આવશે 'સુપર રાફેલ'
આ મેગા ડીલ હેઠળ ભારતને કુલ 114 રાફેલ ફાઈટર જેટ મળશે. ભારતીય વાયુસેના પાસે હાલમાં રાફેલનું F-3 વેરિઅન્ટ છે, પરંતુ હવે મળનારા મોટાભાગના જેટ્સ અપગ્રેડેડ F-4 વર્ઝનના હશે.
સુપર રાફેલ: આ ડીલમાં 24 જેટ 'સુપર રાફેલ' (F-5 વર્ઝન) હશે, જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે.
ડિલિવરી ક્યારે?: પ્લાન મુજબ, F-4 જેટ્સની ડિલિવરી 2028-29 થી શરૂ થશે, જ્યારે 2030 પછી ભારતને સુપર રાફેલ (F-5) મળવાનું શરૂ થશે.
હવે રાફેલ પણ ભારતમાં જ બનશે
આ ડીલની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે રાફેલ વિમાનોનું ઉત્પાદન ભારતમાં જ થશે.
કુલ 114 વિમાનોમાંથી 96 રાફેલ જેટ ભારતમાં બનાવવામાં આવશે.
માત્ર 18 જેટ્સ ફ્રાન્સથી ઉડાન ભરવા માટે તૈયાર હાલતમાં આવશે. ભારતમાં બનનારા આ વિમાનોમાં 60% સ્વદેશી પાર્ટ્સનો ઉપયોગ થશે. આ માટે ફ્રાન્સની દસોલ્ટ એવિએશન ભારતીય કંપનીઓ સાથે મળીને ઉત્પાદન કરશે.
ઘાતક 'હેમર મિસાઈલ' પણ અહીં જ બનશે
માત્ર વિમાનો જ નહીં, પરંતુ મિસાઈલ ક્ષેત્રે પણ મોટો કરાર થઈ રહ્યો છે. ભારતની BEL અને ફ્રાન્સની કંપની 'સેફ્રોન' વચ્ચે જોઈન્ટ વેન્ચર (JV) બનશે, જેમાં બંનેની 50-50 ટકા ભાગીદારી હશે.
આ કરાર હેઠળ હવામાંથી જમીન પર માર કરતી હેમર મિસાઈલનું ઉત્પાદન કરવામાં આવશે.
આ મિસાઈલો રાફેલ જેટ્સમાં ફીટ કરવામાં આવશે. નેવી માટે જે 26 રાફેલ લેવામાં આવશે, તેમાં પણ આ જ મિસાઈલ લગાવાશે.
ટાટા-એરબસનો હેલિકોપ્ટર પ્લાન્ટ
આ ઉપરાંત, ટાટા અને એરબસ મળીને H125 લાઈટ યુટિલિટી હેલિકોપ્ટરની ફાઈનલ એસેમ્બલી લાઈન શરૂ કરશે. PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વર્ચ્યુઅલી તેનું ઉદ્ઘાટન કરશે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનરશિપ વધારવા માટે આ મુલાકાત અત્યંત નિર્ણાયક સાબિત થશે.