અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સમગ્ર મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર | Moneycontrol Gujarati
Get App

અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સમગ્ર મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર

મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ધમકીભર્યા ઈમેલથી ખળભળાટ મચી ગયો છે. અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', BSE અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

અપડેટેડ 03:57:24 PM Nov 06, 2026 પર
Story continues below Advertisement
આ ધમકીભર્યો ઈમેલ બોમ્બે હાઈકોર્ટને મોકલવામાં આવ્યો હતો, જેમાં શહેરના આ તમામ મહત્વપૂર્ણ સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

માયાનગરી મુંબઈમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે. બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ધમકીભર્યા ઈમેલ દ્વારા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને વર્લી રેસકોર્સ સહિતના અતિ-સંવેદનશીલ તેમજ હાઈ-પ્રોફાઈલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે.

ધમકી મળતા જ મુંબઈ પોલીસ એક્શનમાં, હાઈ એલર્ટ જાહેર

આ ધમકીભર્યો ઈમેલ બોમ્બે હાઈકોર્ટને મોકલવામાં આવ્યો હતો, જેમાં શહેરના આ તમામ મહત્વપૂર્ણ સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગંભીર ઈમેલ સામે આવતાની સાથે જ મુંબઈ પોલીસે તાત્કાલિક અસરથી સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા આદેશ આપ્યો છે. હાલમાં સાયબર સેલ અને પોલીસની ટીમો આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સનું લોકેશન અને IP એડ્રેસ ટ્રેસ કરવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.


અમિતાભ બચ્ચનને ટૂંકા સમયમાં બીજી વખત નિશાન બનાવાયા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ધમકી મળવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ ગત 22 ઓક્ટોબરના રોજ પણ મુંબઈની એક શાળાને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં અમિતાભ બચ્ચનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અભિનેતાને કોઈ સીધી ધમકી મળી ન હતી.

પરંતુ તે ઘટના બાદ તરત જ અમિતાભ બચ્ચનની દર રવિવારે પોતાના ઘરની બહાર નીકળીને ચાહકોને મળવાની વર્ષો જૂની પરંપરામાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. બિગ બી પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે એક પ્રોટેક્ટિવ (બુલેટપ્રૂફ) ગ્લાસ શિલ્ડની પાછળ ઊભા રહીને ચાહકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો સામે આવ્યા બાદ ‘ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી અને બોલિવૂડના કલાકારો તથા તેમના પરિવારોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી.

બોલિવૂડમાં ભયનો માહોલ: બિશ્નોઈ ગેંગના નામે સતત મળતી ધમકીઓ

છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડના સિતારાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત 18 ઓક્ટોબરના રોજ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ જ અઠવાડિયામાં અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ મળી હતી. પોલીસ હજુ પણ તે ધમકીભરી ઓડિયો ટેપની ખરાઈ તપાસી રહી છે.

આ પણ વાંચો-Ahmedabad Airport Advisory: અમદાવાદ એરપોર્ટ તંત્રએ જાહેર કરી ખાસ એડવાઈઝરી, ઘરેથી નીકળતા પહેલા ખાસ વાંચી લો

આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે બેંગલુરુમાં રહેતા એક 30 વર્ષીય આઈટી એન્જિનિયરની ધરપકડ કરી હતી, જેણે તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને ધમકીઓ મોકલી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આ યુવકનો બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સત્તાવાર સંબંધ હોવાના પુરાવા મળ્યા નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2026 3:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.