સુપ્રીમ કોર્ટે સોમનાથ મંદિરની આસપાસ 500 મીટરના વિસ્તારમાં માંસાહાર પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કર્યો છે. જાણો રેસ્ટોરન્ટ માલિકોની અરજી પર કોર્ટે શું કહ્યું.
જિલ્લા મેજિસ્ટ્રેટના આ આદેશ સામે સ્થાનિક રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી.
Somnath Non Veg Ban: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં માંસાહારી ખાણીપીણી પર લાગેલા પ્રતિબંધને હટાવવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરની આસપાસ માંસાહાર પકવવા, વેચવા અને તેનો સંગ્રહ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે સુપ્રીમ કોર્ટના આ વલણ બાદ હાલ પૂરતો યથાવત રહેશે.
'શાકાહાર-માંસાહાર બાજુ પર મૂકો અને મિઠાઈ ખાઈને દિવાળી ઉજવો'
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રેસ્ટોરન્ટ માલિકોએ દલીલ કરી હતી કે દેશમાં 80 ટકા લોકો માંસાહાર કરે છે અને આ પ્રતિબંધને કારણે તેમનો વેપાર-ધંધો સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ દલીલ પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, દરેક બાબતમાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી હોય છે.
આ સાથે જ જજની બેંચ દ્વારા હળવાશના અંદાજમાં ટિપ્પણી કરવામાં આવી હતી કે, "હાલમાં શાકાહાર અને માંસાહારને બાજુ પર મૂકી દો અને મિઠાઈ ખાઈને રોશનીના પર્વ (દિવાળી) ની ઉજવણી કરો!" સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ મામલે ઝડપી સુનાવણી હાથ ધરીને વહેલી તકે અંતિમ નિર્ણય લેવા માટે પણ તાકીદ અને અનુરોધ કર્યો છે.
10 ઓગસ્ટના રોજ 500 મીટર વિસ્તારમાં લગાવાયો હતો પ્રતિબંધ
આ સમગ્ર મામલો ગત 10 ઓગસ્ટના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા સાથે જોડાયેલો છે. આ જાહેરનામામાં આદેશ આપવામાં આવ્યો હતો કે સોમનાથ મંદિરની આસપાસના 500 મીટરના વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં આવેલી દુકાનો, રેસ્ટોરન્ટ અને રસ્તાના કિનારે માંસાહાર પકવવા, વેચવા તેમજ તેનો સંગ્રહ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધીની કાયદાકીય લડત
જિલ્લા મેજિસ્ટ્રેટના આ આદેશ સામે સ્થાનિક રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી.
સૌપ્રથમ આ વિસ્તારના રેસ્ટોરન્ટ માલિકોએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું હતું. હાઈકોર્ટની સિંગલ બેંચે 30 ઓક્ટોબરના રોજ આ અરજીનો સ્વીકાર કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તહેવારના સમયે કેટલાક વિશેષ ધાર્મિક વિસ્તારોમાં માંસાહારી ભોજનના કારણે ત્યાં આવતા શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે અને તેમને અસુવિધા થાય છે.
સુનાવણી બાદ હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા માંસાહારના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટની ડિવિઝન બેંચે આ અંતિમ નિર્ણય પર સ્ટે (મનાઈહુકમ) લગાવી દીધો હતો. ડિવિઝન બેંચના આ નિર્ણય બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં સુપ્રીમ કોર્ટે પણ હાલ પૂરતો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરી દીધો છે.