સુપ્રીમ કોર્ટનો નિર્ણય: NEET વિરોધ પ્રદર્શનમાં પકડાયેલા નિર્દોષ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો કડક આદેશ | Moneycontrol Gujarati
Get App

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: NEET વિરોધ પ્રદર્શનમાં પકડાયેલા નિર્દોષ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો કડક આદેશ

NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરાશે. જાણો સમગ્ર મામલો.

અપડેટેડ 02:09:31 PM Jul 28, 2026 પર
Story continues below Advertisement
આ ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળ સરકારને નોટિસ ફટકારીને વિસ્તૃત જવાબ માંગ્યો છે.

NEET પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર સહિત દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને પોલીસની કડક કાર્યવાહી મામલે સર્વોચ્ચ અદાલતે નિર્દોષ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.

કોર્ટે પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રદર્શન દરમિયાન અટકાયત કે ધરપકડ કરાયેલા એવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, જેમની સામે અગાઉથી કોઈ જ ગુનાહિત કેસ નોંધાયેલો નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, ભૂતકાળમાં જેમના પર કોઈ કેસ નથી, પરંતુ માત્ર પ્રદર્શન દરમિયાન તેમની સામે કેસ દાખલ થયો છે, તો તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

7 રાજ્યોને નોટિસ અને CCTV સાચવવાનો આદેશ

આ ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કેરળ સરકારને નોટિસ ફટકારીને વિસ્તૃત જવાબ માંગ્યો છે. સાથોસાથ, કોર્ટે તમામ રાજ્યોને હિંસા અને પ્રદર્શન સમયના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રીતે સાચવી રાખવાનો પણ કડક આદેશ આપ્યો છે.

પોલીસની બર્બરતા પર CJI ની ગંભીર ટિપ્પણી


સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પોલીસ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અરજીઓમાં લગાવવામાં આવેલા આરોપોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે:

પેલેટ ગનના ઉપયોગથી એક 19 વર્ષના યુવકે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. ડંડા નો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે એક યુવતીને ICU માં દાખલ કરવી પડી. ખીલીઓ લગાવેલી લાકડીઓના ઉપયોગથી જીવલેણ ઈજાઓ પહોંચાડવાના આક્ષેપો છે. મીડિયાકર્મીઓ પર પણ હુમલા અને ઢોર માર માર્યાના બનાવો સામે આવ્યા છે. સાદા કપડામાં રહેલા પોલીસકર્મીઓએ હિંસા આચરી હોવાનો અને એક યુવતીને કારણ વગર લાફો માર્યો હોવાનો પણ આરોપ છે.

"નિર્દોષો પર અત્યાચાર ગુજારનાર સામે કડક કાર્યવાહી થશે"

CJI એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જેણે પણ પોતાની મર્યાદાઓ ઓળંગીને નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજાર્યો છે, કાયદો તેમની સાથે કડકાઈથી કામ લેશે. જોકે, આ માટે એક સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી અત્યંત જરૂરી છે. જો કોઈની જવાબદારી જ નક્કી ન થાય, તો તપાસનો કોઈ અર્થ રહેતો નથી. કોર્ટ ટૂંક સમયમાં તપાસ સમિતિની રૂપરેખા જાહેર કરશે.

સરકારનો પક્ષ: "હિંસા કરનાર વિદ્યાર્થીઓ ન હોઈ શકે"

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રાખતા જણાવ્યું કે, આ પ્રદર્શનોમાં 250 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકને ટાંકા પણ આવ્યા છે. તેમણે દાવો કર્યો કે સાચા વિદ્યાર્થીઓ આવી હિંસા કરી શકે નહીં. ભીડમાં ચોક્કસથી કેટલાક અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા.

સોલિસિટર જનરલે કોર્ટને ડેટા રજૂ કરવાની ખાતરી આપતા કહ્યું કે, પ્રદર્શનમાં મર્ડર, રેપ અને NDPS જેવા ગંભીર ચાર્જ ધરાવતા ગુનેગારો સામેલ હતા. તેથી આ મામલે સ્વતંત્ર તપાસ થવી જ જોઈએ.

વકીલોની દલીલો અને મૌલિક અધિકારોનું હનન

એડવોકેટ મેથ્યુઝ નેદુમપરાએ સુપ્રીમ કોર્ટના વલણને સંતુલિત અને વ્યવહારુ ગણાવ્યું હતું, પરંતુ કલમ 32 ની મર્યાદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિનિયર એડવોકેટ એન. હરિહરને અપીલ કરી કે પુરાવાઓ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા ભવિષ્યમાં પણ ચાલુ રહેવી જોઈએ. જ્યારે અરજદારોએ કોર્ટમાં પુરાવાઓ રજૂ કરતા સીધો આરોપ લગાવ્યો હતો કે પોલીસે વિદ્યાર્થીઓ પર વધુ પડતું બળપ્રયોગ કરીને સંવિધાનની કલમ 19 અને 21 હેઠળ મળેલા તેમના મૌલિક અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો-PM મોદીનો NEET પેપર લીક પરનો વીડિયો Facebook પરથી હટાવતા મચ્યો મોટો હોબાળો, વિવાદ વધતા Meta એ માંગી માફી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 28, 2026 2:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.