ફ્રિજ ફાટતાં ઘરમાં લાગી ભયાનક આગ: ગણેશ ચતુર્થીની તૈયારીઓ વચ્ચે એક જ પરિવારની 4 મહિલાઓ જીવતી ભૂંજાઈ | Moneycontrol Gujarati
Get App

ફ્રિજ ફાટતાં ઘરમાં લાગી ભયાનક આગ: ગણેશ ચતુર્થીની તૈયારીઓ વચ્ચે એક જ પરિવારની 4 મહિલાઓ જીવતી ભૂંજાઈ

Fridge Blast: કર્ણાટકના બેલગાવીમાં મોડી રાત્રે ફ્રિજ ફાટવાની કરુણ દુર્ઘટના બની. આ ભયાનક આગમાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જાણો વિગતવાર સમાચાર.

અપડેટેડ 04:19:32 PM Sep 15, 2026 પર
Story continues below Advertisement
આ કરુણ ઘટના બેલગાવીના માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ચાવટ ગલ્લીમાં બની હતી. સોમવારે મોડી રાત્રે આશરે 2:15 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક એક જોરદાર ધડાકો થયો.

Fridge explosion: કર્ણાટકના બેલગાવીમાંથી એક અત્યંત હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરમાં અચાનક ફ્રિજ બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે પરિવારના સભ્યોને બચવાનો કોઈ મોકો જ ન મળ્યો. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે.

ક્યાં અને ક્યારે બની આ ઘટના?

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના બેલગાવીના માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ચાવટ ગલ્લીમાં બની હતી. સોમવારે મોડી રાત્રે આશરે 2:15 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક એક જોરદાર ધડાકો થયો. આ ધડાકો એટલો ભયંકર હતો કે ઘરનું પતરું પણ તૂટી ગયું હતું અને જોતજોતામાં આખા ઘરમાં આગની લપેટો ફેલાઈ ગઈ હતી.

મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગતો:

આ ભીષણ આગમાં ઘરમાં ફસાયેલી ચાર મહિલાઓનું દુઃખદ અવસાન થયું છે. મૃતકોના નામ નીચે મુજબ છે:


* ભારતી ધમોને (ઉંમર 50 વર્ષ)

* શારદા ધમોને (ઉંમર 45 વર્ષ)

* ગંગા ધમોને (ઉંમર 25 વર્ષ)

* પ્રિયા ધમોને (ઉંમર 24 વર્ષ)

જ્યારે પરિવારના મોભી ગજાનન ધમોને (65) અને તેમનો દીકરો રોશન ધમોને (21) આગમાં આશરે 60 ટકા જેટલા દાઝી ગયા છે. ધડાકાનો અવાજ સાંભળીને દોડી આવેલા પાડોશીઓએ મહામહેનતે આ બંને પિતા-પુત્રને બહાર કાઢ્યા હતા. હાલ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંબંધોની વાત કરીએ તો મૃતક શારદા એ ગજાનનની પત્ની હતી, ભારતી તેમની બહેન અને ગંગા-પ્રિયા તેમની દીકરીઓ હતી.

કેવી રીતે લાગી આગ?

મળતી માહિતી મુજબ, ધમોને પરિવાર ગણેશ ચતુર્થીના તહેવારની તૈયારીઓ કરી રહ્યો હતો. ઘરમાં સ્થાપના માટે બાપ્પાની મૂર્તિ પણ લાવી દેવામાં આવી હતી અને તેની આસપાસ લાઈટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. રાત્રે જમીને પરિવારના તમામ લોકો ફ્રિજની નજીક જ સૂઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, ડેકોરેશનની લાઈટિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ફ્રિજમાં બ્લાસ્ટ થયો હોવાની પૂરી શક્યતા છે. આગ એટલી ઝડપથી આખા ઘરમાં ફેલાઈ કે અંદર સૂતેલા લોકોને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો.

પોલીસની તપાસ ચાલુ

આ મામલે પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે એક્સપર્ટ્સની મદદ લેવાઈ રહી છે. નોંધનીય છે કે, આ એક સામાન્ય પરિવાર હતો, જેમાં ગજાનન સુથારીકામ કરતા હતા અને ઘરના બાકીના સભ્યો આસપાસની દુકાનો કે ઘરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક જ રાતમાં આખો પરિવાર વિખેરાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો- શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે? સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ઓઈલની અછતનો મોટો ખતરો

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2026 4:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.