પશ્ચિમ એશિયા યુદ્ધની અસર: અમેરિકાને પછાડી ઓમાન બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, જાણો લેટેસ્ટ ડેટા | Moneycontrol Gujarati
Get App

પશ્ચિમ એશિયા યુદ્ધની અસર: અમેરિકાને પછાડી ઓમાન બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, જાણો લેટેસ્ટ ડેટા

India LNG import: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતના LNG સપ્લાયમાં મોટો ફેરફાર થયો છે. સપ્ટેમ્બરમાં અમેરિકાને પાછળ છોડી ઓમાન 27% હિસ્સા સાથે ભારતનું સૌથી મોટું સપ્લાયર બન્યું છે. જાણો સંપૂર્ણ આંકડા.

અપડેટેડ 11:10:45 AM Oct 06, 2026 પર
Story continues below Advertisement
સપ્ટેમ્બર મહિનામાં ભારત માટે ઓમાન સૌથી મોટું LNG પૂરવઠેદાર દેશ બની ગયું છે. ઓગસ્ટ મહિનામાં જે અમેરિકા પહેલા નંબર પર હતું, તે હવે ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે.

Oman top LNG supplier: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક બજાર અને ખાસ કરીને ભારતના એનર્જી સેક્ટર પર જોવા મળી રહી છે. દેશની ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતે પોતાના લિક્વિફાઈડ નેચરલ ગેસના આયાત સ્ત્રોતોમાં મોટા બદલાવ કરવાની ફરજ પડી છે. જેના પરિણામે ભારતના LNG સપ્લાયર્સનું આખું લિસ્ટ બદલાઈ ગયું છે.

કેપ્લરના લેટેસ્ટ ડેટા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ભારત માટે ઓમાન સૌથી મોટું LNG પૂરવઠેદાર દેશ બની ગયું છે. ઓગસ્ટ મહિનામાં જે અમેરિકા પહેલા નંબર પર હતું, તે હવે ત્રીજા ક્રમે ધકેલાઈ ગયું છે.

આંકડાઓમાં સમજો LNG આયાતનું ગણિત:

ઓમાન બન્યું નંબર 1: સપ્ટેમ્બર મહિનામાં 27% શિપમેન્ટ હિસ્સા સાથે ઓમાન ટોચ પર પહોંચી ગયું છે. ભારતે સપ્ટેમ્બરમાં ઓમાનથી 5.85 લાખ ટન LNG મંગાવ્યું છે, જે ઓગસ્ટ મહિના કરતા 11.50% વધારે છે.


બીજા ક્રમે નાઈજીરિયા: ઓમાન પછી 3.51 લાખ ટન LNG સપ્લાય સાથે નાઈજિરિયા બીજા સ્થાને રહ્યું છે.

અમેરિકાની મોટી પીછેહઠ: ઓગસ્ટમાં 35% હિસ્સા સાથે અમેરિકા સૌથી મોટું સપ્લાયર હતું. પરંતુ સપ્ટેમ્બરમાં તેનો હિસ્સો ઘટીને માત્ર 16% પર આવી ગયો છે. અમેરિકાથી થતી આયાતમાં 59% નો તોતિંગ ઘટાડો નોંધાયો છે અને તે માત્ર 3.47 લાખ ટન રહી છે.

કુલ આયાતમાં ઘટાડો: ભારતની કુલ LNG આયાત ઓગસ્ટમાં 25 લાખ ટન હતી, જે સપ્ટેમ્બરમાં 14% ઘટીને 21.70 લાખ ટન પર આવી ગઈ છે.

કતારની સ્થિતિ કેમ બગડી?

એક સમયે ભારતની LNG આયાતમાં કતારનો મોટો દબદબો હતો. યુદ્ધ પહેલા ભારતમાં આવતા કુલ ગેસમાં કતારનો હિસ્સો 45% જેટલો રહેતો હતો. પરંતુ કતારના રાસ લફાન ઈન્ડસ્ટ્રીઅલ સિટી પર ઈરાને કરેલા હુમલા બાદ સ્થિતિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. વૈશ્વિક સપ્લાયમાં 19% હિસ્સો ધરાવતા કતારને આ નુકસાનમાંથી બહાર આવતા હજુ મહિનાઓ લાગી શકે છે.

ઓગસ્ટ મહિનામાં તો કતારથી થતી આયાત લગભગ શૂન્ય થઈ ગઈ હતી. જોકે, સપ્ટેમ્બરમાં તેમાં થોડો સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં 94000 ટન (4.30% હિસ્સો) સાથે કતાર છઠ્ઠા ક્રમે રહ્યું છે.

ભૌગોલિક અને રાજકીય અશાંતિને કારણે મધ્ય પૂર્વના વિસ્તારોમાંથી આવતો ક્રૂડ ઓઈલ અને LNG નો સપ્લાય પ્રભાવિત થયો છે. જોકે, ભારતે સતર્કતા વાપરીને તાત્કાલિક પોતાના સપ્લાય ચેઈનમાં જરૂરી ફેરફારો કર્યા છે, જેથી દેશના ઉદ્યોગો અને સામાન્ય લોકોને ઈંધણની કોઈ કમી ના સર્જાય.

આ પણ વાંચો- તહેવારોમાં વિમાનની મુસાફરી બની મોંઘી! અમદાવાદ સહિતના રૂટ પર ફ્લાઇટની ટિકિટમાં 68% સુધીનો તોતિંગ વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2026 11:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.