તહેવારોમાં વિમાનની મુસાફરી બની મોંઘી! અમદાવાદ સહિતના રૂટ પર ફ્લાઇટની ટિકિટમાં 68% સુધીનો તોતિંગ વધારો | Moneycontrol Gujarati
Get App

તહેવારોમાં વિમાનની મુસાફરી બની મોંઘી! અમદાવાદ સહિતના રૂટ પર ફ્લાઇટની ટિકિટમાં 68% સુધીનો તોતિંગ વધારો

flight ticket price hike: દશેરા અને દિવાળીના તહેવારોમાં વિમાનની મુસાફરી મોંઘી બની છે. ATF ઈંધણના ભાવ વધારા અને ઈન્ડિગોના નવા ચાર્જને કારણે ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટમાં 68% સુધીનો વધારો થયો છે.

અપડેટેડ 10:52:12 AM Oct 06, 2026 પર
Story continues below Advertisement
તહેવારોની સિઝનમાં દેશના અનેક ડોમેસ્ટિક રૂટ પર વિમાનના ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 68 ટકા સુધીનો જંગી વધારો જોવા મળ્યો છે.

flight ticket price hike: જો તમે દશેરા, દિવાળી કે આગામી રજાઓમાં ફ્લાઇટ દ્વારા પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે મોટો ખર્ચો કરવાની તૈયારી રાખવી પડશે. તહેવારોની સિઝનમાં દેશના અનેક ડોમેસ્ટિક રૂટ પર વિમાનના ભાડામાં ગયા વર્ષની સરખામણીમાં 68 ટકા સુધીનો જંગી વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વિમાનના ઈંધણ (ATF) ના વધતા ભાવ અને ફ્લાઇટના ઓછા વિકલ્પોને કારણે એરલાઇન્સ કંપનીઓએ ટિકિટના દરમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે.

વિમાનની ટિકિટ મોંઘી થવા પાછળના મુખ્ય કારણો:

મુસાફરોની ભારે ભીડ: તહેવારોની સિઝનમાં પોતાના હોમટાઉન જવા અથવા ફરવા નીકળતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે માંગ વધી છે.

ઇંધણ (ATF)ના ભાવમાં ભડકો: વિમાનના ઈંધણના ભાવમાં ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે 32.7 ટકાનો સીધો વધારો થયો છે. 1 ઓક્ટોબરથી ઘરેલુ ATF ના ભાવમાં લિટર દીઠ આશરે 16 રૂપિયાનો વધારો થતાં હવે ભાવ 137 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. એરલાઇન્સના કુલ ખર્ચમાં 30 થી 40 ટકા હિસ્સો માત્ર ઈંધણનો હોય છે, જેથી આ બોજ સીધો મુસાફરો પર પડ્યો છે.

ઈન્ડિગોનો નવો ફ્યુઅલ ચાર્જ: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ 6 ઓક્ટોબરથી નવા બુકિંગ પર મોટો ચાર્જ લગાવ્યો છે. જેમાં ડોમેસ્ટિક રૂટ પર 425 થી 1300 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય રૂટ પર 1000 થી 10000 રૂપિયા સુધીનો ફ્યુઅલ સરચાર્જ ઝીંકવામાં આવ્યો છે.


ફ્લાઇટ્સના વિકલ્પો ઘટ્યા: ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સંખ્યામાં ગયા વર્ષ કરતા 5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કયા રૂટ પર ભાડામાં સૌથી વધુ વધારો થયો?

1 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે મુસાફરી કરવા પર વન-વે ભાડામાં નીચે મુજબનો મોટો વધારો નોંધાયો છે:

* દિલ્હી થી હૈદરાબાદ: ભાડામાં સૌથી વધુ 68 ટકાનો વધારો

* મુંબઈ થી કોલકાતા: ટિકિટમાં 51 ટકાનો વધારો

* દિલ્હી થી ગોવા: સરેરાશ ભાડામાં 39 ટકાનો વધારો

* મુંબઈ થી બેંગલુરુ: ટિકિટના દરમાં 37 ટકાનો વધારો

ફ્લાઇટની સીટ ક્ષમતામાં મોટા ફેરફાર

એરલાઇન્સ કંપનીઓ હવે કેટલીક જગ્યાએ ઓછી ફ્લાઇટ ઉડાડી રહી છે, પરંતુ મોટા વિમાનોનો ઉપયોગ કરી રહી છે. જેથી કુલ સીટોમાં માત્ર 1.2 ટકાનો ઘટાડો થયો છે, પણ મુસાફરોને પોતાની પસંદગીના સમય મુજબ ફ્લાઇટ મળવામાં મુશ્કેલી પડી શકે છે.

* અમદાવાદ થી કોલકાતા: સીટની ક્ષમતામાં 20.9 ટકાનો ઘટાડો થયો છે.

* હૈદરાબાદ થી જયપુર: સીટની ક્ષમતામાં 33.1 ટકાનો ઘટાડો.

* મુંબઈ થી જામનગર: આ રૂટ પર મુસાફરોની સુવિધા માટે સીટ 32452 થી વધારીને સીધી 102520 કરવામાં આવી છે.

* દિલ્હી થી નવી મુંબઈ: સીટની ક્ષમતા 8158 થી વધારીને રેકોર્ડબ્રેક 142600 કરાઈ છે.

ટિકિટના ભાવમાં હજુ ભડકો થવાની શક્યતા

એક લેટેસ્ટ ટ્રાવેલ રિપોર્ટ મુજબ, જે રૂટ પર માંગ વધારે છે અને સીટો લિમિટેડ છે ત્યાં તારીખ નજીક આવતા જ ભાડામાં હજુ 15 થી 20 ટકાનો વધારો થઈ શકે છે. ખાસ કરીને દિલ્હી-મુંબઈ, મુંબઈ-દિલ્હી, દિલ્હી-બેંગલુરુ, મુંબઈ-બેંગલુરુ અને મોટા મેટ્રો શહેરોથી પટના તથા કોચી જતા રૂટ પર મુસાફરોનો ધસારો સૌથી વધુ રહેવાની સંભાવના છે.

વિદેશ પ્રવાસનું બુકિંગ પણ વધ્યું

ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા 30 થી 40 ટકા વધ્યા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાડામાં 30 થી 50 ટકાનો વધારો થયો છે. આમ છતાં, ભારતીયોમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ અકબંધ છે. વિયેતનામના હનોઈના બુકિંગમાં ડબલ ઉછાળો આવ્યો છે. જ્યારે બાલીમાં 89 ટકા, કોલંબોમાં 76 ટકા, બેંગકોકમાં 74 ટકા, અબુ ધાબીમાં 38 ટકા અને સિંગાપોરમાં 12 ટકા જેટલો બુકિંગમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો - હૂતી બળવાખોરો સામે રણશિંગુ! સાઉદી અરેબિયાની રક્ષા માટે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના મેદાને, મક્કા પેક્ટ થયો એક્ટિવ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2026 10:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.