Gold ETF Investment: સોનાની ચમક વચ્ચે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં રોકાણકારોનો રસ ઝડપથી વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2025માં ગોલ્ડ ETFમાં રેકોર્ડબ્રેક 8,363 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું છે, જે ગયા મહિને એટલે કે ઓગસ્ટના 2,000 કરોડની સરખામણીએ લગભગ ચાર ગણું વધારે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના આંકડા મુજબ, ગયા વર્ષે સપ્ટેમ્બર 2024માં 1,232 કરોડના રોકાણની સરખામણીએ આ વર્ષે 578%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાતોનું માનવું છે કે સોનાના સારા પ્રદર્શન, સુરક્ષિત રોકાણની લાલચ અને પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવાની ઇચ્છાને કારણે રોકાણકારો ગોલ્ડ ETF તરફ આકર્ષાયા છે. ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વર્દરાજને જણાવ્યું, "સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુઓએ તાજેતરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બરમાં રોકાણમાં ચાર ગણો વધારો એ સોનાની સુરક્ષા અને વૈવિધ્યની શોધમાં રોકાણકારોની રુચિ દર્શાવે છે."
સોનાની કિંમતોમાં પણ આ વર્ષે જોરદાર તેજી જોવા મળી છે. દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધ સોનું 1.26 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયું છે. આ ઉપરાંત, ચાંદીની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાંતોએ જણાવ્યું, "વૈશ્વિક અનિશ્ચિતતા, ભૂ-રાજનીતિક તણાવ અને અસ્થિર બજારોની વચ્ચે રોકાણકારો સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે જુએ છે. આ ઉપરાંત, મજબૂત અમેરિકન ડોલર અને કેન્દ્રીય બેંકોની નીતિઓએ પણ ગોલ્ડ ETFની માંગ વધારી છે."
આ રોકાણનો ટ્રેન્ડ દર્શાવે છે કે રોકાણકારો હવે પોતાના પોર્ટફોલિયોને વધુ સુરક્ષિત અને વૈવિધ્યસભર બનાવવા માટે સોના તરફ વળી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં પણ ગોલ્ડ ETFમાં રોકાણનો આ ટ્રેન્ડ જળવાઈ રહેવાની શક્યતા છે.