‘અમેરિકાએ જે કરવું હોય તે કરે, અમે કોઈનાથી ડરતા નથી', 100% ટેરિફની ધમકી પર ભારતનો રોકડો જવાબ
US 100% Tariff on India: અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા દેશો પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી છે. ત્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે 140 કરોડ લોકોના હિત માટે ઓઇલ ખરીદી ચાલુ રહેશે.
US 100% Tariff on India: ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ ફરી એકવાર ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. રશિયા પાસેથી કાચું તેલ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવા માટે અમેરિકા નવો કાયદો લાવી રહ્યું છે. પરંતુ, અમેરિકાની આ ખુલ્લી ધમકી સામે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશની ઊર્જા સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
ભારત કોઈ દબાણ સામે ઝૂકશે નહીં
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકાની આ ધમકી પર દેશનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર પોતાના 140 કરોડ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને જ ઊર્જા સંબંધિત નિર્ણયો લે છે. અમેરિકા ભલે ગમે તેટલા કડક નિયમો લાવે કે 100 ટકા ટેરિફ લગાવે, ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખશે. ભારત પોતાની ઓઇલ ખરીદીની નીતિમાં કોઈ પણ વિદેશી દબાણ હેઠળ ફેરફાર કરશે નહીં.
અમેરિકન સંસદમાં ‘લિન્ડસે ગ્રેહામ બિલ' પસાર
અમેરિકામાં રશિયા અને ઈરાન પર પ્રતિબંધો કડક કરવા માટે ‘લિન્ડસે ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન બિલ’ લાવવામાં આવ્યું છે. આ બિલ અમેરિકન સેનેટમાં 86-11ની જંગી બહુમતીથી પસાર થઈ ચૂક્યું છે. હવે ગુરુવારે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વોટિંગ માટે રજૂ કરવામાં આવશે. આ બિલનો મુખ્ય ટાર્ગેટ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો છે.
બિલમાં 10 દેશોના નામ સામેલ કરવાની માંગ
લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સાંસદો ઈચ્છી રહ્યા છે કે આ બિલમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ટોપ 10 દેશોના નામ સીધા લખવામાં આવે. આ લિસ્ટમાં ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, યુએઈ અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. કેટલાક સાંસદોએ ખાસ કરીને ભારતનું નામ અલગથી ઉમેરીને તેના પર સીધો 100 ટકા ટેરિફ લાદવાની ભલામણ કરી છે.
અમેરિકાનો વાંધો શું છે?
અમેરિકા સતત એવો દાવો કરી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી મોટા પાયે ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં રશિયાને આડકતરી રીતે આર્થિક મદદ કરી રહ્યું છે. આ જ કારણ આપીને અમેરિકાએ અગાઉ પણ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો.
ભૂતકાળમાં પણ અમેરિકાના દબાણ છતાં ભારતે પોતાની નીતિ બદલી ન હતી. આજે પણ ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે. ગ્લોબલ માર્કેટમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ અસ્થિર હોય, ત્યારે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે ભારત સસ્તું ઓઇલ ખરીદતું રહેશે. ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તે દેશના રાષ્ટ્રીય હિત મુજબ જ ચાલશે.