પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને 'આત્મનિર્ભર ભારત' તરફનું એક ખૂબ જ મહત્વનું અને મોટું કદમ ગણાવ્યું છે.
ONGC Gas Discovery Odisha: હાલમાં મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધના કારણે આખી દુનિયામાં ક્રૂડ ઓઈલ અને ઊર્જાની અછતનો ડર સતાવી રહ્યો છે. આ વૈશ્વિક સંકટના સમયે ભારત માટે એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનને દેશના દરિયામાં એક મોટો ખજાનો હાથ લાગ્યો છે, જે ભારતના અર્થતંત્રને મોટી મજબૂતી આપશે.
ક્યાં અને કેવી રીતે મળી આ સફળતા?
ONGC દ્વારા ઓડિશાના દરિયાકાંઠાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો એક નવો અને વિશાળ ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 18 સપ્ટેમ્બરના રોજ ઊંડા દરિયામાં ‘MDW 28' નામના કૂવામાં આ ગેસની શોધ થઈ હતી. છેલ્લા 3 દિવસથી આ કૂવામાંથી ખૂબ જ સારા દબાણ અને ઝડપ સાથે સતત ગેસ બહાર આવી રહ્યો છે.
‘સમુદ્ર મંથન' અભિયાનની પ્રથમ મોટી જીત
દેશના અણછૂયેલા અને ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી હાઇડ્રોકાર્બન શોધવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ 'સમુદ્ર મંથન' અભિયાન શરૂ કર્યું છે. આ સફળતા એ જ અભિયાનનું પરિણામ છે. આ ઐતિહાસિક અભિયાન માટે સરકારે 84084 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવ્યું છે. આ પ્રોજેક્ટ આગામી 2030-31 સુધી ચાલવાનો છે. આ ગેસ કૂવા (MDW 28) નું ખોદકામ 25 જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. મહાનદી બેસિનમાં કુલ 4 મુખ્ય કૂવાઓ ખોદવાના છે, જેમાંથી આ પહેલા જ કૂવામાં ONGC ને મોટી સિદ્ધિ મળી છે.
ભારતને આર્થિક રીતે શું ફાયદો થશે?
આર્થિક દ્રષ્ટિએ આ ગેસ ભંડારની શોધ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અત્યારે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ અને ગેસ વિદેશોમાંથી ઊંચા ભાવે આયાત કરે છે. આ નવા ભંડારમાંથી ગેસ મળતા દેશનું વિદેશી આયાત બિલ ઘણું ઓછું થવાની પૂરી શક્યતા છે. જોકે, આ કૂવામાં કુલ કેટલા પ્રમાણમાં ગેસ રહેલો છે અને ભવિષ્યમાં તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કેટલું ફાયદાકારક રહેશે, તેના ચોક્કસ આંકડાઓ વધુ તપાસ પછી જ જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ ગણાવી આત્મનિર્ભરતા તરફની મોટી સિદ્ધિ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને 'આત્મનિર્ભર ભારત' તરફનું એક ખૂબ જ મહત્વનું અને મોટું કદમ ગણાવ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ જ વિસ્તારમાં અગાઉ 'ઉત્કલ' અને 'કોણાર્ક' નામના ગેસ ભંડારો મળી આવ્યા હતા. હવે આ નવી શોધને જૂની સુવિધાઓ સાથે એકીકૃત કરીને ભવિષ્યમાં ગેસનું ઉત્પાદન વધુ ઝડપી અને ઓછા ખર્ચે કરી શકાશે.
દુનિયામાં જ્યારે એનર્જી ક્રાઈસિસ ચાલી રહી છે, ત્યારે ભારતની આ સ્વદેશી ગેસ શોધ દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક વિકાસ માટે એક નવી આશાનું કિરણ બનીને આવી છે.