MCX Trading: સોના-ચાંદીને પણ પછાડ્યા! 2026માં આ ધાતુ કરી રહી છે માલામાલ, માત્ર 7 દિવસમાં આપ્યું અઢળક રિટર્ન
Platinum Return 2026: શું પ્લેટિનમ સોના અને ચાંદી કરતા વધુ કમાણી કરાવશે? 2026ના શરૂઆતી 7 દિવસમાં પ્લેટિનમે સોના કરતા 7 ગણું રિટર્ન આપ્યું છે. જાણો ભાવ વધારાના મુખ્ય કારણો અને રોકાણની સ્થિતિ.
માત્ર 7 દિવસમાં પ્લેટિનમે રોકાણકારોને લગભગ 15.60% જેટલું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તેની સરખામણીમાં આ જ સમયગાળામાં સોનામાં 2% અને ચાંદીમાં 8% ની તેજી જોવા મળી છે.
Platinum Return 2026: સામાન્ય રીતે ભારતીય રોકાણકારો સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, પરંતુ વર્ષ 2026ની શરૂઆત કંઈક અલગ જ થઈ છે. નવા વર્ષના પહેલા અઠવાડિયામાં જ એક એવી ધાતુએ જોરદાર તેજી બતાવી છે, જેણે રિટર્નની બાબતમાં સોના અને ચાંદી બંનેને પાછળ છોડી દીધા છે. આ ધાતુ છે પ્લેટિનમ.
7 દિવસમાં પ્લેટિનમની કમાલ
વર્ષ 2026 ના શરૂઆતી 7 દિવસો પ્લેટિનમ રોકાણકારો માટે જેકપોટ સાબિત થયા છે. આંકડાઓ પર નજર કરીએ તો, 31 ડિસેમ્બરના રોજ પ્લેટિનમનો ભાવ 58,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે 7 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે વધીને 67,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો.
એટલે કે માત્ર 7 દિવસમાં પ્લેટિનમે રોકાણકારોને લગભગ 15.60% જેટલું જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તેની સરખામણીમાં આ જ સમયગાળામાં સોનામાં 2% અને ચાંદીમાં 8% ની તેજી જોવા મળી છે. સીધો હિસાબ માંડીએ તો, પ્લેટિનમે સોના કરતા 7 ગણું અને ચાંદી કરતા બમણું વળતર આપ્યું છે.
2025 માં પણ પ્લેટિનમે કરી હતી કમાણી
એવું નથી કે માત્ર 2026 માં જ પ્લેટિનમ ચમક્યું છે. ગત વર્ષે એટલે કે 2025 માં પણ ત્રણેય કિંમતી ધાતુઓએ સારું રિટર્ન આપ્યું હતું.
સોનું: 2025 માં સોનામાં લગભગ 70% નો વધારો થયો હતો.
ચાંદી: ચાંદી 160% થી વધુ ઉછળી હતી.
પ્લેટિનમ: આ ધાતુએ પણ રોકાણકારોને લગભગ 140% રિટર્ન આપીને ખુશ કરી દીધા હતા.
જોકે, હવે 2026ની શરૂઆતમાં સોના-ચાંદીની ચાલ થોડી ધીમી પડી છે, પણ પ્લેટિનમ તેની તેજી જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
પ્લેટિનમમાં અચાનક તેજી કેમ આવી?
પ્લેટિનમના ભાવ વધવા પાછળ એક નહીં પણ અનેક આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે:
સપ્લાયમાં ઘટાડો: દક્ષિણ આફ્રિકા પ્લેટિનમનું સૌથી મોટું ઉત્પાદક છે, પરંતુ ત્યાં ઉત્પાદનમાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે સ્ટોક ઓછો થયો છે. સપ્લાય ઓછી અને ડિમાન્ડ વધુ હોવાથી ભાવ વધી રહ્યા છે.
રોકાણકારોનો રસ: હવે રિટેલ અને મોટા સંસ્થાકીય રોકાણકારો માત્ર સોના-ચાંદી પર નિર્ભર રહેવાને બદલે પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવા પ્લેટિનમ ખરીદી રહ્યા છે. પ્લેટિનમ ETFs માં પણ મોટું રોકાણ આવી રહ્યું છે.
ઔદ્યોગિક માંગ: પ્લેટિનમનો ઉપયોગ ગાડીઓના પ્રદૂષણ ઘટાડતા સાધનો (Catalytic Converter) અને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ જેવી નવી ટેકનોલોજીમાં થાય છે. જૂની ગાડીઓ માટેના નવા નિયમોને કારણે તેની માંગ વધી છે.
ચીનનું ફેક્ટર: ચીનમાં ઔદ્યોગિક અને સટ્ટાકીય બંને રીતે પ્લેટિનમની માંગ વધી છે, જે વૈશ્વિક ભાવ વધારાને ટેકો આપી રહી છે.
સોના-ચાંદીમાં ઘટાડો શા માટે?
તાજેતરમાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ લેવલે પહોંચી ગયા હતા. ઊંચા ભાવ આવતા રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું, જેના કારણે બુધવારે તેમાં ઘટાડો જોવા મળ્યો.
નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીમાં પણ આગળ તેજી આવી શકે છે, પરંતુ હાલના તબક્કે સપ્લાયની તંગી અને વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે પ્લેટિનમ રોકાણકારો માટે 'હોટ ફેવરિટ' બની રહ્યું છે. જો તમે લાંબા ગાળાનું વિચારતા હોવ, તો આ ધાતુ પર નજર રાખવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.