IEA report on oil and gas reserves: આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ તાજેતરમાં એક મહત્વનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં વિશ્વના 15000 તેલ અને ગેસ ક્ષેત્રોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ગ્લોબલ તેલ અને ગેસના ભંડારો ઝડપથી ઘટી રહ્યા છે. આ સ્થિતિ ખાસ કરીને ભારત જેવા દેશો માટે ચિંતાનો વિષય છે, જે તેલ અને ગેસની આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. આનાથી ઊર્જાની કિંમતોમાં વધારો થઈ શકે છે અને સપ્લાયમાં અવરોધ આવી શકે છે.
રિપોર્ટનું નામ છે ‘તેલ અને ગેસ ક્ષેત્રોના ઘટાડાના પ્રભાવ’. તેમાં જણાવવામાં આવ્યું છે કે તેલ અને ગેસ ઉદ્યોગમાં વાર્ષિક રોકાણનો 90% હિસ્સો માત્ર હાલના ક્ષેત્રોના કુદરતી ઘટાડાને રોકવા માટે જ વપરાઈ રહ્યો છે. જો નવા રોકાણો નહીં થાય તો વૈશ્વિક તેલ પ્રોડક્શન દર વર્ષે પ્રતિ દિવસ 55 લાખ બેરલ ઘટી જશે, જ્યારે કુદરતી ગેસનું ઉત્પાદન 270 અબજ ઘન મીટર ઘટશે. આ આંકડો 2010ની સરખામણીમાં પ્રતિ દિવસ 40 લાખ બેરલથી પણ વધુ છે.
ભારત માટે આ સ્થિતિ વધુ ગંભીર છે કારણ કે અહીં ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો 85%થી વધુ અને ગેસનો 45% હિસ્સો આયાત કરવામાં આવે છે. શેલ અને ડીપ સી સ્ત્રોતોમાં ઝડપી ઘટાડો આ જોખમને વધારી રહ્યો છે.
આ પડકારોનો સામનો કરવા માટે IEAએ ભારતને કેટલીક મહત્વની સલાહ આપી છે. પહેલું, કોઈ એક દેશ પર આધાર ન રાખીને સપ્લાયને વિવિધતા આપવી. બીજું, દેશમાં તેલ અને ગેસના સંશોધનને પ્રોત્સાહન આપવું. ત્રીજું, ઈમર્જન્સી માટે સ્ટોરેજ વધારવું. અને છેલ્લે, ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યુઅલ જેવા વિકલ્પી ઊર્જા સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવું.