ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે દુનિયા માટે રાહતના સમાચાર: OPEC+ એ ખોલ્યો ખજાનો, દરરોજ 2 લાખ બેરલ વધુ ક્રૂડ ઓઈલ સપ્લાય કરશે
Iran Israel war: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે OPEC+ દેશોએ મોટો નિર્ણય લીધો છે. એપ્રિલથી રોજ 2,06,000 બેરલ વધુ તેલ બજારમાં મુકાશે. જાણો ભારત પર તેની શું અસર થશે.
Iran Israel war: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે OPEC+ દેશોએ મોટો નિર્ણય લીધો છે.
Iran Israel war: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે આખી દુનિયા માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPEC+ ની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તેલની સપ્લાય વધારવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચવાની ભીતિ હતી. આ ઉપરાંત હૉર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં તેલની સપ્લાય રોકાઈ જવાનો પણ મોટો ખતરો છે. આ સ્થિતિને પહોંચી વળવા OPEC+ દેશોએ નક્કી કર્યું છે કે એપ્રિલ મહિનાથી દરરોજ 2,06,000 બેરલ વધારાનું ક્રૂડ ઓઈલ બજારમાં ઠાલવવામાં આવશે.
અચાનક આ નિર્ણય કેમ લેવાયો?
ગઈ 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારથી જ ગ્લોબલ માર્કેટમાં ગભરાહટનો માહોલ હતો અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા હતી. આ કારણે સાઉદી અરેબિયા અને રશિયાની આગેવાનીવાળા 8 દેશોના સમૂહ (V8) એ માર્કેટમાં સ્થિરતા લાવવા આ કદમ ઉઠાવ્યું છે.
આ V8 ગ્રુપમાં નીચે મુજબના દેશો સામેલ છે:
* સાઉદી અરેબિયા
* રશિયા
* ઈરાક
* સંયુક્ત આરબ અમીરાત (UAE)
* કુવૈત
* કઝાકિસ્તાન
* અલ્જિરિયા
* ઓમાન
આ દેશોનું માનવું છે કે બજારમાં વધારાની સપ્લાય આવવાથી તેલના ભાવને એક લિમિટમાં રાખી શકાશે.
બજારને સ્થિર રાખવા ખાસ રણનીતિ
OPEC+ એ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ બજારની સ્થિતિ પર સતત અને ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. નિષ્ણાતો એવું માનતા હતા કે સપ્લાયમાં માત્ર 1,37,000 બેરલનો વધારો થશે, પરંતુ સંગઠને 2,06,000 બેરલનો વધારો કરીને સૌને ચોંકાવી દીધા છે. દુનિયાભરમાં તેલનો ઘટતો જતો સ્ટોક અને વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સંગઠને એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અણધારી આફત સામે લડવા માટે, જરૂર પડશે તો ભવિષ્યમાં આ સપ્લાય વધારી કે ઘટાડી પણ શકાશે.
ભારત અને સામાન્ય જનતા પર શું અસર થશે?
ભારત માટે આ સમાચાર ઘણા અગત્યના છે કારણ કે, ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ વિદેશથી આયાત કરે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ: OPEC+ ના આ નિર્ણયથી ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થનારો સંભવિત વધારો અટકી શકે છે. સામાન્ય નાગરિકો માટે આ એક મોટી રાહત છે.
સૌથી મોટો ખતરો: જોકે, અસલી ચિંતા હજુ પણ હૉર્મુઝની સમુદ્રી ધુનીની સુરક્ષાનો છે. જો યુદ્ધ વધુ વકરે અને આ દરિયાઈ રસ્તો બંધ થઈ જાય, તો રોજના 2 લાખ બેરલની વધારાની સપ્લાય પણ ઓછી પડશે. કારણ કે, આખી દુનિયાનું 20% ક્રૂડ ઓઈલ આજ રસ્તેથી પસાર થાય છે.
ટૂંકમાં કહીએ તો, હાલ પૂરતું OPEC+ ના આ પગલાંથી દુનિયાને અને ખાસ કરીને ભારતને ક્રૂડ ઓઈલની મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે. જોકે, ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેવા રહેશે તેનો સીધો આધાર મિડલ ઈસ્ટની પરિસ્થિતિ અને યુદ્ધની દિશા પર જ નિર્ભર રહેશે.