અમેરિકન શેરબજારમાં ભૂકંપ! વોલ સ્ટ્રીટ 2% તૂટ્યું, જાણો 4 માર્ચે ભારતીય બજારમાં કેવો રહેશે માહોલ?
US stock market crash: ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર મચી ગયો છે. અમેરિકન માર્કેટ 2% તૂટ્યું છે, જેના કારણે 4 માર્ચે ભારતીય શેરબજારમાં પણ મોટા કડાકા સાથે ખુલવાના સંકેત મળી રહ્યા છે.
US stock market crash: ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટમાં હાહાકાર મચી ગયો છે.
US stock market crash: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર હવે દુનિયાભરના શેરબજારો પર જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં અત્યારે ભારે વેચવાલી ચાલી રહી છે. વોલ સ્ટ્રીટ ફ્યુચર્સમાં 2% સુધીનો મોટો કડાકો જોવા મળ્યો છે, જે એ વાતનો સાફ સંકેત આપે છે કે 3 માર્ચે અમેરિકન શેરબજાર ભારે નુકસાન સાથે ખુલશે. આ ઉપરાંત, ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં અચાનક આવેલો ઉછાળો રોકાણકારો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે તેનાથી મોંઘવારી વધવાનો ડર છે.
અમેરિકન બજારની ખરાબ હાલત
ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યાની આસપાસના આંકડા જોઈએ તો, અમેરિકાનો Nasdaq-100 ફ્યુચર્સ 2.26% જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો હતો. આ સાથે જ S&P 500 ફ્યુચર્સમાં 1.75% અને ડાઉ જોન્સ (Dow Jones) ફ્યુચર્સમાં 1.68% નો મોટો ઘટાડો નોંધાયો છે.
ક્રૂડ ઓઈલ અને યુદ્ધનું ટેન્શન
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા યુદ્ધનો આજે ચોથો દિવસ છે અને સ્થિતિ શાંત થવાના કોઈ જ સંકેત દેખાઈ રહ્યા નથી. એક્સપર્ટ્સનું માનવું છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો કાચા તેલ (Crude Oil) ની સપ્લાય ખોરવાઈ શકે છે. જો ક્રૂડના ભાવ ઊંચા રહેશે, તો અમેરિકા સહિત આખી દુનિયામાં મોંઘવારી વધશે અને અમેરિકન રિઝર્વ બેન્ક (Fed) માટે પણ નીતિઓ નક્કી કરવી મુશ્કેલ બની જશે.
યુદ્ધની સ્થિતિ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ યુદ્ધ ક્યારે પૂરું થશે તેની કોઈ ટાઈમલાઈન નથી. જ્યારે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એવી ચેતવણી આપી છે કે ઈરાન પર સૌથી મોટા હુમલાઓ થવાના હજુ બાકી છે. બીજી બાજુ ઈરાને પણ સાઉદી અરેબિયાના રિયાધમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો કરી દીધો છે. સામે ઈઝરાયેલે પણ દક્ષિણ લેબનોનમાં પોતાના સૈનિકો મોકલી દીધા છે. આ તમામ ઘટનાઓએ માર્કેટનું ટેન્શન વધારી દીધું છે.
એશિયા અને યુરોપના બજારોમાં પણ રક્તપાત
યુદ્ધના ડરને લીધે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ એશિયા અને યુરોપના બજારો પણ ધરાશાયી થયા છે:
સાઉથ કોરિયા: KOSPI ઈન્ડેક્સમાં 7.2%નો ભયંકર કડાકો બોલી ગયો. ઓગસ્ટ 2024 પછીનો આ સૌથી ખરાબ દિવસ રહ્યો. સેમસંગ અને એસકે હાઈનિક્સ જેવી મોટી કંપનીઓના શેર 9.9% સુધી તૂટી ગયા.
જાપાન અને ચીન: જાપાનનો Nikkei-225 ઈન્ડેક્સ 3% થી વધુ ગગડ્યો. જ્યારે હોંગકોંગનો Hang Seng અને ચીનનો SSE Composite પણ 1% થી વધુ તૂટ્યા છે.
યુરોપ: યુરોપિયન માર્કેટનો Stoxx Europe 600 ઈન્ડેક્સ પણ 3% થી વધારે નીચે પટકાયો છે.
4 માર્ચે ભારતીય બજાર પર શું થશે અસર?
3 માર્ચે હોળીના તહેવારને કારણે ભારતીય શેરબજાર બંધ રહ્યા હતા. પરંતુ ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) ના આંકડા ડરાવી રહ્યા છે. સાંજે 4:30 વાગ્યે ગિફ્ટ નિફ્ટી 632.5 પોઈન્ટ એટલે કે 2.53% ના મોટા ઘટાડા સાથે 24,360 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સીધો ઈશારો કરે છે કે આવતીકાલે, 4 માર્ચે ભારતીય શેરબજાર (BSE Sensex અને NSE Nifty) ભારે ઘટાડા સાથે (Gap Down) ખુલી શકે છે.
યાદ રહે કે, અગાઉ સોમવારે શરૂઆતી બજારમાં સેન્સેક્સ 2,743.46 પોઈન્ટ (3.37%) તૂટીને 78,543.73 પર પહોંચી ગયો હતો. જોકે પછીથી થોડી રિકવરી આવતા તે 1,048.34 પોઈન્ટ (1.29%) ના ઘટાડા સાથે 80,238.85 પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 312.95 પોઈન્ટ (1.24%) ઘટીને 24,865.70 પર બંધ થયો હતો.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સમાચારના આધારે છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.)