રૂપિયો રેકોર્ડ તળિયે: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક કડાકો, જાણો કેમ થઈ આટલી મોટી પડતી? | Moneycontrol Gujarati
Get App

રૂપિયો રેકોર્ડ તળિયે: ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક કડાકો, જાણો કેમ થઈ આટલી મોટી પડતી?

Indian Rupee all time low: ડોલર સામે ભારતીય રૂપિયો 92.31ના ઐતિહાસિક નીચલા સ્તરે ગગડ્યો છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ગ્લોબલ ટેન્શનના કારણે રૂપિયામાં કડાકો બોલાયો. જાણો ઘટાડાના મુખ્ય કારણો.

અપડેટેડ 10:48:40 AM Mar 09, 2026 પર
Story continues below Advertisement
Indian Rupee all time low: ડોલર સામે ભારતીય રૂપિયો 92.31ના ઐતિહાસિક નીચલા સ્તરે ગગડ્યો છે.

Indian Rupee all time low: સોમવારે (9 માર્ચ) ભારતીય ચલણ રૂપિયામાં મોટો કડાકો જોવા મળ્યો છે. યુએસ ડોલર (US Dollar) સામે ભારતીય રૂપિયો ઐતિહાસિક રીતે સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને દુનિયાભરમાં ચાલી રહેલા તણાવભર્યા માહોલની સીધી અસર એશિયન કરન્સી અને ખાસ કરીને ભારતીય રૂપિયા પર પડી છે.

રૂપિયામાં કેટલો ઘટાડો થયો?

શુક્રવારે (6 માર્ચ)ના રોજ રૂપિયો 91.74 પર બંધ થયો હતો. પરંતુ સોમવારે તે નબળો પડીને 92.20 પર ખુલ્યો અને શરૂઆતના કારોબારમાં જ 92.3025ના આંકડાને પાર કરીને 92.31 ના રેકોર્ડ લો (All-Time Low) સ્તરે પહોંચી ગયો. માત્ર એક જ દિવસમાં 50 પૈસાથી વધુનો આ ઘટાડો છેલ્લા ઘણા મહિનાઓમાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે.

રૂપિયો ગગડવાના મુખ્ય 3 કારણો:

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. બ્રેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 25% થી વધુ ઉછળીને લગભગ 117 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. મિડલ ઈસ્ટમાં સપ્લાય ખોરવાઈ જવાના ડરથી છેલ્લા કેટલાક સેશનમાં તેલના ભાવમાં લગભગ 50% નો ઉછાળો આવ્યો છે. ભારત દુનિયાના સૌથી મોટા ઓઈલ ઈમ્પોર્ટર દેશોમાંથી એક છે, તેથી મોંઘા તેલના કારણે ભારતનું ઈમ્પોર્ટ બિલ વધે છે અને રૂપિયા પર દબાણ આવે છે.


ગ્લોબલ માર્કેટમાં ગભરાહટ (Risk-Off Mood): તેલના ભાવ વધતા દુનિયાભરના શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. યુએસ ઈક્વિટી ફ્યુચર્સમાં 2% નો ઘટાડો થયો, જ્યારે એશિયન માર્કેટમાં જાપાન અને દક્ષિણ કોરિયાના શેરોમાં લગભગ 6.5% નો કડાકો બોલાયો છે. આવા સમયે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે યુએસ ડોલર તરફ વળે છે, જેથી ડોલર મજબૂત થાય છે અને રૂપિયો નબળો પડે છે.

જિયોપોલિટિકલ ટેન્શન: ઈરાનમાં અલી ખામેનેઈના સ્થાને મોજતબા ખામેનેઈ નવા સુપ્રીમ લીડર બન્યા છે. આ દર્શાવે છે કે ઈરાનની સત્તા હજુ પણ કટ્ટરપંથીઓના હાથમાં છે, જેનાથી અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ લાંબુ ચાલવાની પૂરી શક્યતાઓ છે.

RBI એ લીધા તાત્કાલિક એક્શન

રૂપિયાના આ ઐતિહાસિક ઘટાડાને કંટ્રોલ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સમયસર એન્ટ્રી મારી હતી. માર્કેટ નિષ્ણાતોના મતે, સ્થાનિક સ્પોટ માર્કેટ ખુલે તે પહેલાં જ RBI એ ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર વેચ્યા હતા. જેના કારણે રૂપિયો 92.30 થી થોડો રિકવર થઈને 92.20 પર આવ્યો હતો. ટ્રેડર્સનું માનવું છે કે બજારમાં જો આ ઉતાર-ચઢાવ ચાલુ રહેશે, તો આરબીઆઈ ફરીથી માર્કેટને શાંત કરવા દરમિયાનગીરી કરશે.

સ્થાનિક કારણોની પણ પડી અસર

માત્ર ગ્લોબલ ફેક્ટર્સ જ નહીં, પરંતુ સ્થાનિક કારણો પણ માર્કેટ પર અસર કરી રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરી છે. આ યોજના પાછળ સરકારને અંદાજે 35,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. રોકાણકારો આર્થિક બોજ વધારી રહેલા આ ડેવલપમેન્ટ પર પણ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.

આગળ શું થશે?

ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સના એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલના વધતા ભાવ રૂપિયા માટે મોટો ખતરો છે. શુક્રવારથી અત્યાર સુધીમાં ઓઈલના ભાવ 28% જેટલા વધ્યા છે. જો આવનારા ટ્રેડિંગ સેશનમાં કાચું તેલ 100 ડોલરથી ઉપર રહેશે, તો ભારતીય રૂપિયો વધુ ગગડીને 93 ના સ્તર સુધી પહોંચી જવાની પૂરી શક્યતાઓ છે. આ સ્થિતિમાં વિદેશી રોકાણકારો પૈસા પાછા ખેંચી શકે છે, જે માર્કેટ માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો- એસટેક ઈ-કોમર્સ IPO લિસ્ટિંગ: 112 પર ફ્લેટ એન્ટ્રી પછી શેરમાં ઉછાળો, રોકાણ કરતા પહેલા આ ખાસ ડિટેલ્સ ચેક કરો

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 09, 2026 10:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.