ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.
‘સોનું -ચાંદી સદા કે લિયે’! ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. રાજકોટના શરાફા માર્કેટની વાત કરીએ તો અહીં હોળીના દિવસે સોનાનો ભાવમાં 87,120 રૂપિયા હતો. જેમાં આજે 970 રૂપિયાનો વધારો થયો છે. આમ, આજે એટલે કે 17 માર્ચે સોનાનો ભાવ 88,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. 640 રૂપિયાના વધારા સાથે ચાંદીનો ભાવ 1,00,580 રૂપિયા નોંધાયો છે.
હોળીના દિવસે અમદાવાદની શરાફા માર્કેટમાં સોનું 87, 980રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાતું હતું, જેમાં આજે 310 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે સોનાનો ભાવ 87,980 રૂપિયા નોંધાયો છે. આ સિવાય અમદાવાદમાં આજે 1 કિલો ચાંદીનો 1,03,000 રૂપિયા ભાવ નોંધાયો છે.
દેશમાં સોનાનો ભાવ અનેક ફેક્ટર્સ પર આધાર રાખે છે, જેમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની ગતિવિધિ અને ચલણ વિનિમય રેટ મેઇન છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં વધારો થાય છે, ત્યારે તેની સીધી અસર ભારતીય માર્કેટ પર પણ પડે છે. આ ઉપરાંત, તહેવારોની મોસમમાં સોનાની માંગમાં વધારો થવાથી પણ ભાવમાં તેજી જોવા મળે છે.
24 કેરેટ સોનાના ઘરેણા પર 999 હોલમાર્ક જોવા મળે છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ સોના પર 750 હોલમાર્ક હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું 91% શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુઓ જેમ કે તાંબુ, ચાંદી અને જસત ભેળવીને આભૂષણો બનાવવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના ઘરેણાં બનાવવામાં આવતા નથી. બધા જ આભૂષણો પર કેરેટ મુજબ હોલમાર્કિંગ કરવામાં આવે છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.