સિંગતેલના ભાવમાં ભડકો: સોના-ચાંદી જેવી સટ્ટાખોરી? 310 રૂપિયાના તોતિંગ વધારા સામે માત્ર 40 રૂપિયાનો ઘટાડો! | Moneycontrol Gujarati
Get App

સિંગતેલના ભાવમાં ભડકો: સોના-ચાંદી જેવી સટ્ટાખોરી? 310 રૂપિયાના તોતિંગ વધારા સામે માત્ર 40 રૂપિયાનો ઘટાડો!

Oil Price Hike Gujarat: ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદન હોવા છતાં સિંગતેલના ભાવમાં લૂંટ! 20 દિવસમાં 310 રૂપિયા વધાર્યા બાદ માત્ર 40 રૂપિયાનો ઘટાડો. જાણો તેલ લોબીની 'રમત' અને લેટેસ્ટ ભાવ.

અપડેટેડ 11:31:12 AM Feb 04, 2026 પર
Story continues below Advertisement
Oil Price Hike Gujarat: ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદન હોવા છતાં સિંગતેલના ભાવમાં લૂંટ!

Oil Price Hike Gujarat: ગુજરાતના મધ્યમ વર્ગ અને ગૃહિણીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે સોના-ચાંદીના બજારમાં જોવા મળતી સટ્ટાખોરી હવે ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વિક્રમજનક થયું છે અને માર્કેટમાં સપ્લાય પણ ભરપૂર છે, છતાં સિંગતેલના ભાવમાં જે રીતે વધઘટ થઈ રહી છે તે જોઈને લાગે છે કે તેલ લોબી દ્વારા કોઈક મોટી 'રમત' રમાઈ રહી છે.

ભાવ વધારો રોકેટ ગતિએ, ઘટાડો કીડી વેગે!

વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં માત્ર 20 દિવસની અંદર સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 310નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે ભાવ ઘટવાની શરૂઆત થઈ છે, ત્યારે તેની ગતિ ખૂબ જ ધીમી છે. છેલ્લા ચાર દિવસમાં ડબ્બે માત્ર રૂપિયા 40નો ઘટાડો નોંધાયો છે.

ભાવની આ વધઘટ પર નજર કરીએ તો 6-7 જાન્યુઆરી સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ આશરે રૂપિયા 2615 હતો 28 જાન્યુઆરી સુધી સીઝન હોવા છતાં અને પુષ્કળ આવક હોવા છતાં ભાવ રૂપિયા 2925 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. હાલની સ્થિતિ 310 રૂપિયા વધાર્યા બાદ, હવે ધીમે-ધીમે ભાવ ઘટીને રૂપિયા 2835થી 2885ની વચ્ચે સોદા થઈ રહ્યા છે.

સોના-ચાંદી જેવી સટ્ટાખોરીની ગંધ


એક સમયે સોના-ચાંદીના બજારમાં માંગ અને પુરવઠાના આધારે 10-15 ટકાની વધઘટ થતી હતી, પરંતુ હવે ત્યાં સટ્ટાખોરો હાવી થઈ ગયા છે. હવે આવી જ સ્થિતિ સિંગતેલમાં જોવા મળી રહી છે. માર્કેટમાં માંગ સ્થિર છે અને પુરવઠો વધ્યો છે, છતાં ભાવ ઘટવાનું નામ નથી લેતા. આ દર્શાવે છે કે સિંગતેલના બજારમાં પણ હવે કૃત્રિમ અછત કે નફાખોરીની ગંધ આવી રહી છે, જે સીધી સામાન્ય ગુજરાતીઓને અસર કરે છે.

ઉલ્લેખનીય છે કે, હજુ પણ કપાસિયા તેલની સરખામણીએ સિંગતેલનો ડબ્બો રૂપિયા 560 જેટલો મોંઘો મળી રહ્યો છે.

મગફળીના ભાવમાં પણ વિચિત્ર વધઘટ

બીજી તરફ, ખેડૂતોને મળતા મગફળીના ભાવમાં પણ આશ્ચર્યજનક ફેરફારો જોવા મળ્યા છે. રાજકોટ યાર્ડના આંકડા મુજબ 27 જાન્યુઆરીએ મગફળીના લઘુત્તમ ભાવ રૂપિયા 1200 અને મહત્તમ રૂપિયા 1730 હતા. એક સપ્તાહ બાદ ખેડૂતોને મળતા લઘુત્તમ ભાવમાં રૂપિયા 125નો વધારો થઈને ભાવ રૂપિયા 1325 થયા, જ્યારે સારી ગુણવત્તાની મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 180 ઘટીને રૂપિયા 1551 સુધી પહોંચી ગયા છે.

ગુજરાતના વાતાવરણ અને ખોરાક માટે સિંગતેલ સૌથી ઉત્તમ ગણાય છે. જ્યારે ગુજરાતીઓની થાળીમાં પીરસાતા આ તેલમાં સટ્ટાખોરી થાય, ત્યારે લોકોમાં રોષ ફેલાવો સ્વાભાવિક છે. મબલખ ઉત્પાદન વચ્ચે પણ ભાવ ઉંચા રહેતા ગ્રાહકો હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભાવ વાસ્તવિક સપાટી પર આવે.

આ પણ વાંચો- વિશ્વ કેન્સર દિવસ: અમદાવાદ સિવિલમાં કેન્સરનો રાફડો ફાટ્યો, એક જ વર્ષમાં 26,810 નવા કેસ, મોઢાના કેન્સરમાં ચિંતાજનક વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2026 11:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.