વિશ્વ કેન્સર દિવસ: અમદાવાદ સિવિલમાં કેન્સરનો રાફડો ફાટ્યો, એક જ વર્ષમાં 26,810 નવા કેસ, મોઢાના કેન્સરમાં ચિંતાજનક વધારો | Moneycontrol Gujarati
Get App

વિશ્વ કેન્સર દિવસ: અમદાવાદ સિવિલમાં કેન્સરનો રાફડો ફાટ્યો, એક જ વર્ષમાં 26,810 નવા કેસ, મોઢાના કેન્સરમાં ચિંતાજનક વધારો

World Cancer Day: આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 2025માં 26,810 નવા કેસ નોંધાયા છે. તમાકુના સેવનથી થતા મોઢાના કેન્સરમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ છે. જાણો વિગતવાર રિપોર્ટ.

અપડેટેડ 11:00:03 AM Feb 04, 2026 પર
Story continues below Advertisement
World Cancer Day: આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંકડા ચોંકાવનારા છે.

World Cancer Day: આજે 4 ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ કેન્સર દિવસ'. આ દિવસની ઉજવણી તો જાગૃતિ માટે થાય છે, પણ અમદાવાદ સિવિલ મેડિસિટીના આંકડા જોઈએ તો લાગે છે કે લોકો હજુ પણ સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર નથી. ખાસ કરીને યુવાનો અને પુરુષોમાં વ્યસનનું પ્રમાણ કેન્સર નોતરી રહ્યું છે.

સિગારેટ અને પાન-મસાલાનું સેવન શરીર માટે ઝેર સમાન છે તે જાણવા છતાં લોકો તેને છોડતા નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાં માત્ર એક જ વર્ષમાં મોઢાના કેન્સરના 2352 દર્દીઓ નોંધાયા છે. જેમાં 1931 પુરુષો અને 421 મહિલાઓનો સમાવેશ થાય છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વ્યસન લોકોના જીવન પર ભારે પડી રહ્યું છે.

એક વર્ષમાં 26 હજારથી વધુ નવા કેસ

વર્ષ 2025ના આંકડા પર નજર કરીએ તો સિવિલની કેન્સર હોસ્પિટલમાં કુલ 26,810 નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું છે. હોસ્પિટલમાં આવતા કુલ દર્દીઓમાંથી લગભગ 19 ટકા દર્દીઓ માત્ર મોઢાના કેન્સરના હોય છે. ગુજરાત જ નહીં, પરંતુ રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. 2025માં નોંધાયેલા કેસમાંથી 9147 દર્દીઓ તો બીજા રાજ્યોના હતા. જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશથી 4572, રાજસ્થાનથી 2678, ઉત્તરપ્રદેશથી 1094, બિહારથી 288 અને મહારાષ્ટ્રના 279 દર્દીઓએ સારવાર લીધી હતી.

પુરુષોમાં મોઢાના કેન્સરના કેસમાં 10 ટકાનો ઉછાળો


વ્યસનને કારણે પુરુષોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2025માં પુરુષોમાં જોવા મળતા કેન્સરના પ્રકાર જોઈએ તો:

* મોઢાનું કેન્સર: 1931 કેસ

* જીભનું કેન્સર: 999 કેસ

* પેઢાનું કેન્સર: 443 કેસ

* અન્નનળીનું કેન્સર: 375 કેસ

જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સર (Breast Cancer) અને સર્વિકલ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. 2025માં મહિલાઓમાં સ્તન કેન્સરના 1456 અને સર્વિકલ કેન્સરના 782 કેસ નોંધાયા હતા.

સારવારમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો

કેન્સરના કેસ વધવાની સાથે સિવિલ હોસ્પિટલે પણ સારવાર પદ્ધતિને આધુનિક બનાવી છે. છેલ્લા 6 મહિનામાં હોસ્પિટલમાં રેકોર્ડ બ્રેક 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 3 વર્ષમાં 40 જેટલી જટિલ 'હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી' (HIPEC) પ્રોસીજર્સ સફળતાપૂર્વક કરાઈ છે. આ પદ્ધતિ પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે આશીર્વાદરૂપ છે.

નિદાન માટે પણ સુવિધાઓ વધી છે. પેટ-સિટી સ્કેન (PET-CT Scan)ની સંખ્યા જે 2021માં 1813 હતી, તે વધીને 2025માં 6333 પર પહોંચી ગઈ છે.

સિવિલ હોસ્પિટલની કામગીરી એક નજરે (વર્ષ 2025)

* કુલ ઓપીડી: 2.59 લાખથી વધુ (રોજના સરેરાશ 709 દર્દી)

* સર્જરી: 17,800થી વધુ (જેમાં 50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સામેલ છે)

* કીમોથેરાપી: 50,130થી વધુ

* રેડિએશન ટ્રીટમેન્ટ: 5852

* લેબોરેટરી રિપોર્ટ: 24.60 લાખથી વધુ

આ તમામ આંકડાઓ સાબિત કરે છે કે કેન્સર નામનો રાક્ષસ વધુ મજબૂત બની રહ્યો છે. સારવાર ઉપલબ્ધ છે, પરંતુ સાવચેતી અને વ્યસનમુક્તિ જ આ બીમારીથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

આ પણ વાંચો- સોના-ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધ્યા! સોનામાં 5,500 અને ચાંદીમાં 12,000નો તોતિંગ ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2026 11:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.