Steel Import Duty India: ભારત સરકારના નાણાં મંત્રાલયે મંગળવારે એક મહત્વનો નિર્ણય લેતા સ્ટીલના આયાત (ઈમ્પોર્ટ) પર મોટો નિર્ણય લીધો છે. ઘરેલુ સ્ટીલ ઉદ્યોગને સુરક્ષા આપવા અને ચીન જેવા દેશો દ્વારા થઈ રહેલી ‘ડમ્પિંગ’ (સસ્તો માલ ઠાલવવાની પ્રવૃત્તિ) રોકવા માટે સરકારે ચોક્કસ સ્ટીલ પ્રોડક્ટ્સ પર 11%થી 12%ની વચ્ચે ઈમ્પોર્ટ ટેરિફ લગાવ્યો છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનથી ભારતમાં આવતા સસ્તા સ્ટીલ પર રોક લગાવવાનો છે, જેથી ભારતીય કંપનીઓને નુકસાન ન થાય. આ આદેશ સત્તાવાર સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ટેક્સ મુખ્યત્વે Non-Alloy અને Alloy સ્ટીલ ફ્લેટ પ્રોડક્ટ્સ પર લાગુ કરવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થા જેને સામાન્ય રીતે ‘સેફગાર્ડ ડ્યુટી’ કહેવામાં આવે છે, તે આગામી 3 વર્ષ માટે લાગુ રહેશે અને તેનું માળખું તબક્કાવાર ઘટતું જશે. સરકારી આદેશ મુજબ, પહેલા વર્ષે આ ડ્યુટી 12% રહેશે. ત્યારબાદ બીજા વર્ષે તેમાં થોડો ઘટાડો કરીને 11.5% કરવામાં આવશે અને ત્રીજા વર્ષે તે ઘટીને 11% થઈ જશે. રસપ્રદ વાત એ છે કે, સરકારે કેટલાક વિકાસશીલ દેશોમાંથી થતા આયાતને આ નિર્ણયમાંથી બાકાત રાખ્યા છે, પરંતુ ચીન, વિયેતનામ અને નેપાળ જેવા દેશો પર આ ટેક્સ કડક રીતે લાગુ થશે. જોકે, સ્ટેનલેસ સ્ટીલ જેવા અમુક ખાસ પ્રોડક્ટ્સ પર આ નિર્ણય લાગુ થશે નહીં.
ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે હાલના સમયમાં સ્ટીલની આયાતમાં અચાનક, ખૂબ જ ઝડપી અને નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારના આડેધડ ઈમ્પોર્ટને કારણે ઘરેલુ ઉદ્યોગને ગંભીર નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં વધુ નુકસાન થવાનો ભય પણ છે. આ કારણોસર જ DGTR દ્વારા 3 વર્ષ માટે ડ્યુટી લગાવવાની ભલામણ કરવામાં આવી હતી. અગાઉ સરકારે એપ્રિલ મહિનામાં 200 દિવસ માટે કામચલાઉ ધોરણે 12% ટેરિફ લગાવ્યો હતો, જેને હવે લાંબા ગાળા માટે લંબાવવામાં આવ્યો છે.
વૈશ્વિક સ્તરે સ્ટીલના વેપારમાં હાલ ઘણી ઉથલ-પાથલ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ પર ઈમ્પોર્ટ ટેરિફ લગાવ્યા બાદ ચીની સ્ટીલને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ ટેન્શન વધ્યું છે. આ ઉપરાંત, દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશોએ પણ આ વર્ષની શરૂઆતમાં એન્ટી-ડમ્પિંગ ટેક્સ લગાવ્યા છે. ભારત સરકારના સ્ટીલ મંત્રાલયે પણ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે તે સસ્તા ઈમ્પોર્ટ અને હલકી ગુણવત્તાના પ્રોડક્ટ્સને કારણે ભારતીય સ્ટીલ ઈન્ડસ્ટ્રીને નબળી પડવા દેશે નહીં. આ નવો નિર્ણય એ દિશામાં એક મજબૂત પગલું માનવામાં આવે છે.