તેલના ભંડાર વાળા આ દેશમાં માત્ર 850 રૂપિયા લઈને જાવ અને બની જાવ કરોડપતિ! જાણો કેમ તળિયે બેઠી કરન્સી
Iran Currency Crisis: શું તમે માત્ર 850 રૂપિયામાં કરોડપતિ બનવા માંગો છો? તેલના ખજાના પર બેઠેલા ઈરાનની કરન્સીની હાલત એટલી ખરાબ છે કે ભારતીય રૂપિયો ત્યાં રાજા છે. જાણો ઈરાની રિયાલના પતનનું કારણ.
Iran Currency Crisis: ઈરાન અને ભારતની કરન્સીની સરખામણી કરીએ તો અત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.
Iran Currency Crisis: ઈરાન અને ભારતની કરન્સીની સરખામણી કરીએ તો અત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઈરાન, જેની પાસે દુનિયાના સૌથી મોટા તેલ અને ગેસના ભંડાર છે, તે અત્યારે ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. દેશ ભલે તેલના ખજાના પર બેઠો હોય, પણ તેની કરન્સી એટલે કે 'ઈરાની રિયાલ' (Iranian Rial) ની કિંમત અત્યારે તળિયે બેસી ગઈ છે. હાલત એવી છે કે રિયાલની વેલ્યુ ભારતીય રૂપિયાની સામે લગભગ શૂન્ય બરાબર થઈ ગઈ છે.
આ સ્થિતિને સરળ ભાષામાં સમજીએ તો, જો કોઈ ભારતીય વ્યક્તિ પોતાના ખિસ્સામાં માત્ર 850 રૂપિયા લઈને ઈરાન જાય, તો ત્યાંના એક્સચેન્જ રેટ મુજબ તે વ્યક્તિ કરોડપતિ ગણાશે. જોકે, આ કરોડપતિ બનવું માત્ર કાગળ પર જ સીમિત છે.
કેમ ગગડી રહ્યો છે ઈરાની રિયાલ?
ઈરાનમાં હાલમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી પણ વધુ સમયથી લોકો સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેઈની સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનોને દબાવવા માટે સરકારની કડક કાર્યવાહી અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સાથેના તણાવે ઈરાનની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. જેના કારણે ત્યાંની કરન્સી રિયાલ સતત તૂટી રહી છે.
ગણિત સમજો: 850 રૂપિયામાં કેવી રીતે બનાય કરોડપતિ?
આંતરરાષ્ટ્રીય બજારના આંકડા જોઈએ તો અત્યારે 1 અમેરિકન ડોલરની કિંમત લગભગ 10,65,000 રિયાલ સુધી પહોંચી ગઈ છે. હવે જો ભારતીય રૂપિયા સાથે તેની સરખામણી કરીએ તો 1 ઈરાની રિયાલની કિંમત માત્ર 0.000085 ભારતીય રૂપિયા બરાબર છે. એટલે કે, 1 ભારતીય રૂપિયો લગભગ 11,800 ઈરાની રિયાલ બરાબર થાય છે. આ ગણતરી મુજબ, જો તમે માત્ર 850 ભારતીય રૂપિયા એક્સચેન્જ કરાવો, તો તમારી પાસે 1 કરોડથી પણ વધુ ઈરાની રિયાલ આવી જશે. પરંતુ, યાદ રાખજો કે આટલા બધા રિયાલ હોવા છતાં, ત્યાં મોંઘવારી એટલી ભયંકર છે કે આ નોટોના બંડલથી પણ સામાન્ય વસ્તુઓ ખરીદવી મુશ્કેલ છે. રિયાલની ખરીદ શક્તિ (Purchasing Power) સાવ ખતમ થઈ ગઈ છે.
મોંઘવારી અને ડોલરનું કાળું બજાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં ડિસેમ્બર 2025 સુધીમાં મોંઘવારી દર 42.5% સુધી પહોંચવાનો અંદાજ છે. છેલ્લા એક વર્ષમાં રિયાલે ડોલરની સામે પોતાની અડધી કિંમત ગુમાવી દીધી છે. આ કોઈ એક દિવસમાં થયેલું નુકસાન નથી, પરંતુ અમેરિકન પ્રતિબંધો અને નબળી આર્થિક નીતિઓનું પરિણામ છે.
ઈરાનમાં કરન્સીના અલગ-અલગ ભાવ ચાલે છે:
સરકારી ભાવ: 1 ડોલરના બદલે લગભગ 42,000 રિયાલ.
ખુલ્લું બજાર: 1 ડોલરના બદલે 14 થી 15 લાખ રિયાલ.
આ તફાવતને કારણે જ ત્યાં સટ્ટાખોરી અને ડોલરની કાળાબજારી વધી છે.
શું નોટો પરથી મીંડા ગાયબ થશે?
ટેકનિકલ રીતે જ્યાં સુધી કોઈ કરન્સી ચલણમાં છે ત્યાં સુધી તે શૂન્ય નથી થતી, પણ સામાન્ય જનતા માટે રિયાલની કિંમત કઈ જ નથી રહી. આ સમસ્યાને ઉકેલવા માટે ઈરાની સરકારે નોટો પરથી 4 ઝીરો હટાવવાની યોજના બનાવી છે, જેથી કાગળ પર આંકડા નાના દેખાય. પણ જ્યાં સુધી મોંઘવારી કાબૂમાં નહીં આવે ત્યાં સુધી આ પગલું પણ ખાસ કારગત નીવડશે નહીં.
ઈરાને એરસ્પેસ પણ કર્યું બંધ
એક તરફ આર્થિક સંકટ છે તો બીજી તરફ યુદ્ધ જેવી સ્થિતિ. તાજેતરમાં ઈરાને કોઈ કારણ આપ્યા વિના પોતાનું એરસ્પેસ થોડા કલાકો માટે બંધ કરી દીધું હતું. અમેરિકા સાથેનો તણાવ અને પડોશી દેશોમાં અમેરિકન સૈન્યની હલચલને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જેના કારણે હવે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ ઈરાન ઉપરથી ઉડવાનું ટાળી રહી છે, જે દેશની હાલત વધુ ખરાબ કરી રહ્યું છે.