દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં પુરુષો કરતાં મહિલાઓની વસ્તી વધુ છે. UN અને વિશ્વ બેંકના 2024ના આંકડા મુજબ, યુરોપના કેટલાક દેશોમાં આ તફાવત સૌથી વધુ છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દુનિયામાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં વધુ છે, પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી નોંધપાત્ર રીતે વધારે છે. આ કોઈ રાતોરાત થયેલો ફેરફાર નથી, પરંતુ વસ્તીનું વૃદ્ધ થવું, મોટા પાયે લોકોનું સ્થળાંતર અને જીવનશૈલીમાં આવેલા બદલાવ જેવા પરિબળોને કારણે આ સ્થિતિ ધીમે ધીમે વિકસિત થઈ છે.
સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ બેંકના 2024ના તાજા આંકડાઓ અનુસાર, પૂર્વી યુરોપ, એશિયાના કેટલાક વિસ્તારો અને આફ્રિકાના દેશોમાં આ વસ્તીનું અસંતુલન સ્પષ્ટપણે જોવા મળે છે.
યુરોપમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ
યુરોપના દેશોમાં લિંગ ગુણોત્તરમાં સૌથી મોટો તફાવત જોવા મળે છે.
* લાતવિયા, લિથુઆનિયા અને યુક્રેન: આ દેશોમાં દર 100 પુરુષોએ 116થી 118 મહિલાઓ છે, જે દુનિયામાં સૌથી વધુ છે. આ પાછળનું મુખ્ય કારણ પુરુષોનું સરેરાશ આયુષ્ય ઓછું હોવું, રોજગાર માટે પુરુષોનું બીજા દેશોમાં મોટા પાયે સ્થળાંતર અને વૃદ્ધ વસ્તીમાં મહિલાઓનો મોટો હિસ્સો છે.
* રશિયા અને બેલારુસ: અહીં પણ સ્થિતિ લગભગ સમાન છે.
* પશ્ચિમી યુરોપ: પોર્ટુગલ, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં પણ મહિલાઓની સંખ્યા વધુ છે, પરંતુ અહીં તફાવત ઓછો છે. તેનું મુખ્ય કારણ એ છે કે અહીં મહિલાઓ પુરુષો કરતાં સરેરાશ 4થી 6 વર્ષ વધુ જીવે છે.
* એશિયામાં નેપાળ અને હોંગકોંગ આગળ, નેપાળમાં મોટી સંખ્યામાં નેપાળી પુરુષો રોજગાર માટે વિદેશ જાય છે, જેના કારણે દેશની કુલ વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ વધી જાય છે.
* હોંગકોંગ: અહીં મહિલાઓનું લાંબુ આયુષ્ય અને પુરુષોના ઓછા જીવન દરને કારણે વર્ષોથી આ તફાવત યથાવત છે.
આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની સ્થિતિ
આફ્રિકાના લેસોથો અને નામિબિયા જેવા દેશોમાંથી પુરુષો દક્ષિણ આફ્રિકાની ખાણો અને ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરવા માટે જાય છે. આ કારણે ઘરેલુ વસ્તીમાં મહિલાઓની બહુમતી થઈ જાય છે. તેવી જ રીતે, આર્જેન્ટિના અને ઉરુગ્વે જેવા દક્ષિણ અમેરિકન દેશોમાં વૃદ્ધ વસ્તીને કારણે મોટી ઉંમરના લોકોમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં ઘણી વધારે છે.
વૈશ્વિક સ્તરે શું છે સ્થિતિ?
જો સમગ્ર દુનિયાની વાત કરીએ તો, પુરુષો અને મહિલાઓની સંખ્યા લગભગ બરાબર છે. દર 100 મહિલાઓએ લગભગ 101 પુરુષો છે. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે, તેમ તેમ આ સંતુલન મહિલાઓની તરફેણમાં ઝૂકી જાય છે. ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મોટાભાગના દેશોમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં સ્પષ્ટપણે વધુ છે.
આ આંકડાઓ પાછળનું સત્ય એ છે કે મહિલાઓ પુરુષો કરતાં વધુ લાંબુ જીવન જીવે છે અને ઘણા દેશોમાં તેઓ વસ્તીના માળખાને નવો આકાર આપી રહી છે, જેની સીધી અસર સમાજ અને અર્થતંત્ર પર પડી રહી છે.