સોના-ચાંદીમાં ભયંકર તેજી: ચાંદીમાં એક જ દિવસમાં 12,000નો ઉછાળો, ભાવ 2.87 લાખને પાર
MCX Gold Silver Rate: આજે 14 જાન્યુઆરી 2026ના રોજ બુલિયન માર્કેટમાં ઈતિહાસ રચાયો છે. ચાંદીએ તમામ રેકોર્ડ તોડીને 2.87 લાખની સપાટી ક્રોસ કરી છે, જ્યારે સોનું પણ 1.43 લાખને પાર છે. જાણો આજના લેટેસ્ટ ભાવ.
MCX Gold Silver Rate: આજે 14 જાન્યુઆરી 2026ના રોજ બુલિયન માર્કેટમાં ઈતિહાસ રચાયો છે.
MCX Gold Silver Rate: ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર આજે જાણે તેજીનું તોફાન આવ્યું હોય તેવો માહોલ છે. આજે બુધવાર, 14 જાન્યુઆરી 2026ના રોજ સવારથી જ રોકાણકારોએ બંને હાથે ખરીદી કરતા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવ જોઈને તો બજારના પંડિતો પણ ચોંકી ગયા છે, કારણ કે ચાંદીએ જૂના તમામ રેકોર્ડ તોડીને આજે નવી જ ઐતિહાસિક સપાટી બનાવી દીધી છે.
ચાંદી બની રોકેટ: ભાવ 2.87 લાખને પાર
આજના દિવસની સૌથી મોટી હાઈલાઈટ ચાંદી રહી છે. MCX પર માર્ચ 2026ના વાયદામાં ચાંદીએ જે રફ્તાર પકડી છે તે અકલ્પનીય છે. ચાંદીમાં એક જ દિવસમાં 12,000થી પણ વધુનો જમ્પ જોવા મળ્યો છે.
ચાંદીની આજની સ્થિતિ
ગઈકાલનો ભાવ: ગઈકાલે બજાર બંધ થયું ત્યારે ચાંદીનો ભાવ 2,75,187 હતો.
આજનો ધમાકેદાર પ્રારંભ: આજે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદી સીધી 2,81,698 પર ખુલી હતી.
નવો રેકોર્ડ: લેવાલી એટલી જોરદાર હતી કે જોતજોતામાં ચાંદીએ 2,87,990ની અત્યાર સુધીની સૌથી ઊંચી (All-Time High) સપાટી બનાવી દીધી. એટલે કે એક ઝાટકે ભાવમાં 12,803 નો ઉછાળો આવ્યો હતો.
વર્તમાન સ્થિતિ: અત્યારે ચાંદી 10,817 (3.93%) ના જંગી વધારા સાથે 2,86,004ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
સોનામાં પણ તેજીનો ચમકારો
એક તરફ ચાંદી રેકોર્ડ તોડી રહી છે, તો બીજી તરફ પીળી ધાતુ સોનામાં પણ મજબૂતી જોવા મળી છે. MCX પર ફેબ્રુઆરી 2026 ના સોનાના વાયદામાં પણ રોકાણકારોનો વિશ્વાસ જોવા મળ્યો છે.
સોનાના ભાવની વિગતવાર માહિતી:
ગઈકાલનો બંધ ભાવ: સોનું ગઈકાલે 1,42,241 પર બંધ રહ્યું હતું.
શરૂઆત: આજે સવારે સોનું થોડું નીચે એટલે કે 1,40,501 ના ભાવે ખુલ્યું હતું.
હાઈ લેવલ: દિવસ દરમિયાન ખરીદી નીકળતા સોનાએ 1,43,173 ની ઊંચી સપાટી સ્પર્શ કરી હતી.
વર્તમાન ભાવ: સમાચાર લખાય છે ત્યારે સોનું 843 (0.59%)ના વધારા સાથે 1,43,084 પર કારોબાર કરી રહ્યું છે. આમ સોનું પણ 1.43 લાખની સપાટી કુદાવી ગયું છે.
આમ, 2026ની શરૂઆતમાં જ કિંમતી ધાતુઓમાં આવેલી આ ભયંકર તેજીએ રોકાણકારોને ખુશ કરી દીધા છે. સોના કરતાં ચાંદીમાં આવેલો આ ઐતિહાસિક ઉછાળો આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરશે.