મકર સંક્રાંતિ: પ્રયાગરાજથી હરિદ્વાર સુધી આસ્થાનું ઘોડાપૂર, હાડ થીજવતી ઠંડીમાં લાખો ભક્તોએ કર્યું ગંગા સ્નાન | Moneycontrol Gujarati
Get App

મકર સંક્રાંતિ: પ્રયાગરાજથી હરિદ્વાર સુધી આસ્થાનું ઘોડાપૂર, હાડ થીજવતી ઠંડીમાં લાખો ભક્તોએ કર્યું ગંગા સ્નાન

Makar Sankranti 2026: મકર સંક્રાંતિ અને માઘ એકાદશીના પાવન અવસરે દેશભરમાં ભક્તિમય માહોલ છવાયો છે. પ્રયાગરાજમાં 9.50 લાખથી વધુ તો હરિદ્વાર અને ગંગાસાગરમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી. જાણો વિગતવાર અહેવાલ.

અપડેટેડ 10:51:54 AM Jan 14, 2026 પર
Story continues below Advertisement
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ અને માઘ એકાદશીના પાવન અવસરે દેશભરમાં ભક્તિમય માહોલ છવાયો છે.

Makar Sankranti 2026: આજે સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ અને માઘ એકાદશીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ ખાસ દિવસે દેશભરના પવિત્ર નદી ઘાટો પર વહેલી સવારથી જ આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો છે. ભલે હાડ થીજવતી ઠંડી હોય કે ગાઢ ધુમ્મસ, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી લઈને ઉત્તરાખંડના હરિદ્વાર અને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી, બુધવારની પરોઢથી જ લાખો ભક્તોએ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે.

પ્રયાગરાજ માઘ મેળામાં ભક્તોની ભીડ

સંગમ નગરી પ્રયાગરાજમાં હાલ માઘ મેળો ચાલી રહ્યો છે. અહીં મકર સંક્રાંતિ અને એકાદશીના પવિત્ર સ્નાન માટે ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવો માહોલ છે. ત્રિવેણી સંગમ ખાતે લાખો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે.


માઘ મેળાના અધિકારી ઋષિ રાજના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત ચાલુ છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં જ અંદાજે 9 લાખ 50 હજાર જેટલા શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા હતા અને આ આંકડો સતત વધી રહ્યો છે.

સુરક્ષા વ્યવસ્થા

ભીડને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. મેળામાં સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં યુપી ATSની મોબાઈલ ટીમો તૈનાત છે અને ડ્રોન કેમેરાની મદદથી ખૂણેખૂણા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

હરિદ્વારના 'હર કી પૌડી' પર જય ગંગેનો નાદ

દેવભૂમિ ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. અહીં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડી પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શકી નથી. 'હર કી પૌડી' ઘાટ પર વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે ઉમટી પડ્યા હતા.

ખાસ વાત એ છે કે, પહાડો પરથી અનેક દેવડોલીઓ પણ ગંગા સ્નાન માટે હરિદ્વાર પહોંચી હતી, જેના કારણે વાતાવરણ વધુ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું. ચારેબાજુ 'જય ગંગે'ના નાદ ગુંજી ઉઠ્યા હતા.

ગંગાસાગરમાં પણ ભક્તિનો રંગ

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ ગંગાસાગરમાં હજારો શ્રદ્ધાળુઓએ ગંગા નદી અને સાગરના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. અહીં ડૂબકી લગાવવા માટે દેશના ખૂણેખૂણેથી લોકો ખાસ ઉમટી પડ્યા હતા.

મુંબઈ ધુમ્મસની ચાદરમાં

એક તરફ ઉત્તર ભારતમાં ધાર્મિક ઉત્સાહ છે, તો બીજી તરફ આર્થિક રાજધાની મુંબઈમાં હવામાનનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો. આજે સવારે મુંબઈ શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું હતું. ધુમ્મસ એટલું ગાઢ હતું કે વિઝિબિલિટી (દ્રશ્યતા) સાવ ઘટી ગઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર પર પણ માઠી અસર જોવા મળી હતી.

આજના સ્નાનનું મહત્વ શું છે?

આપણા હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ અને માઘ મહિનાની એકાદશીનું અનેરું મહત્વ છે. શાસ્ત્રો મુજબ, આ પવિત્ર તિથિઓ પર નદીમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. એવી લોકવાયકા છે કે આજના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બસ આ જ અતૂટ શ્રદ્ધા સાથે દર વર્ષે લાખો લોકો ગંગા કિનારે પહોંચે છે.

આ પણ વાંચો- Digvijay Singh: દિગ્વિજય સિંહે લીધો મોટો નિર્ણય, કહ્યું- 'હું મારી સીટ ખાલી કરી રહ્યો છું', જાણો શું છે આગળનો પ્લાન?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 14, 2026 10:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.