S&P Global report Crude oil price: અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની સપ્લાય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. S&P ગ્લોબલ એનર્જીએ 2 માર્ચના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એક મોટી ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ, જો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) નામના મહત્વના દરિયાઈ માર્ગ પરથી તેલની સપ્લાયમાં અડચણ આવે છે અથવા તો તે સંપૂર્ણપણે બંધ થઈ જાય છે, તો આ દુનિયાના ઇતિહાસનું તેલ સપ્લાયનું સૌથી મોટું સંકટ બની શકે છે.
માત્ર 5 ટેન્કર પસાર થયા: એક ઐતિહાસિક ખતરો
આ ચોંકાવનારો રિપોર્ટ S&P ગ્લોબલના નિષ્ણાત જિમ બર્કહાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ‘કોમોડિટીઝ એટ સી' ના ડેટાના આધારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1 માર્ચના રોજ આ દરિયાઈ માર્ગ પરથી માત્ર 5 ઓઈલ ટેન્કર પસાર થયા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે સામાન્ય દિવસોમાં અહીંથી રોજના સરેરાશ 60 ટેન્કર પસાર થાય છે.
જો ટેન્કરોની અવરજવરમાં આવેલો આ ઘટાડો એક સપ્તાહ સુધી ચાલુ રહેશે, તો તે એક ઐતિહાસિક ઘટના ગણાશે. અને જો આ સ્થિતિ લાંબા સમય સુધી ખેંચાઈ, તો ગ્લોબલ ઓઈલ માર્કેટ અને શેરબજાર માટે આ એક બહુ મોટો ઝટકો સાબિત થશે. સપ્લાય ઘટવાને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે.
ગ્લોબલ સપ્લાય પર કેવી અસર પડશે?
આ દરિયાઈ માર્ગ દુનિયા માટે કેટલો મહત્વનો છે તે આ આંકડાઓ પરથી સમજી શકાય છે, આ વર્ષના પહેલા બે મહિનામાં દરરોજ સરેરાશ 2.08 કરોડ બેરલ કાચું તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આ માર્ગેથી સપ્લાય થયા છે. આમાંથી 82 ટકા સપ્લાય માત્ર એશિયન દેશોના બજારોમાં ગઈ છે. આ ઉપરાંત, આખી દુનિયાની LNG સપ્લાયનો લગભગ 18 ટકા હિસ્સો પણ આ જ રસ્તેથી પસાર થાય છે. S&P ગ્લોબલ એનર્જીના મતે, જો આ રસ્તો સંપૂર્ણ બ્લોક થાય તો રોજના લગભગ 1.5 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની સપ્લાય જોખમમાં મુકાઈ શકે છે. જોકે, થોડી રાહત એ વાતની હોઈ શકે કે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની પાઇપલાઇનો કેટલી ક્ષમતાથી કામ કરે છે, જે આ દરિયાઈ માર્ગનો વિકલ્પ બની શકે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ કરતા પણ મોટો ઝટકો
નિષ્ણાતોનું માનવું છે કે જો સપ્લાયમાં રોજના 70 થી 80 લાખ બેરલનો પણ ઘટાડો નોંધાય છે, તો આ સ્થિતિ રશિયા-યુક્રેન યુદ્ધ અને 1990 ના ખાડી યુદ્ધ (Gulf War) ના શરૂઆતના તબક્કા કરતા પણ વધુ ખતરનાક હશે.
શું ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર જશે?
હાલના ટૂંકા ગાળામાં તેલની કિંમતોમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. બજારમાં ફેલાતી અફવાઓ અને ડરના કારણે ઇમરજન્સી ખરીદી વધશે, જેનાથી ભાવમાં અચાનક ઉછાળો આવી શકે છે. એજન્સીનું અનુમાન છે કે આગામી મહિનાઓમાં ક્રૂડ ઓઈલ 80 ડોલરની આસપાસ રહી શકે છે, જેમાં લોકોના ડરનો (Fear Premium) પણ સમાવેશ થાય છે.
પરંતુ, જો 70 લાખ બેરલ કે તેથી વધુની સપ્લાય મહિનાઓ સુધી ખોરવાયેલી રહે છે, તો કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી કૂદાવી શકે છે. આવી સ્થિતિમાં ભાવ એટલા વધી જશે કે સામે માંગમાં આપોઆપ મોટો ઘટાડો જોવા મળશે.
શેરબજાર અને સામાન્ય માણસ પર શું અસર થશે?
જે દેશો પાસે તેલ અને ગેસનો રિઝર્વ સ્ટોક ઓછો છે, તેમને સૌથી મોટો ફટકો પડશે. ક્રૂડ ઓઈલ મોંઘુ થવાથી દુનિયાભરમાં મોંઘવારી વધશે. રિઝર્વ બેંક જેવી સેન્ટ્રલ બેન્કો પર વ્યાજદરમાં ફેરફાર કરવાનું દબાણ વધશે અને ગ્લોબલ શેરબજારોમાં ભારે કડાકા જોવા મળી શકે છે.
ટૂંકમાં કહીએ તો, જો હોર્મુઝના દરિયાઈ માર્ગમાં તણાવ લાંબો ચાલ્યો, તો તે માત્ર એનર્જી માર્કેટ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે કમરતોડ સાબિત થશે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે શું સપ્લાય જલ્દી સામાન્ય થશે કે પછી ક્રૂડ ઓઈલ ખરેખર 100 ડોલરની સપાટી વટાવી જશે.
(ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ પર એક્સપર્ટ્સ અથવા બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવતા વિચારો અને રોકાણની સલાહ તેમના પોતાના અંગત હોય છે, વેબસાઈટ કે તેના મેનેજમેન્ટના નહીં. વેબસાઈટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.)