ઓનલાઈન ગેમિંગ કાયદા પછી, ડ્રીમ11 અને 3 અન્ય સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન યાદીમાંથી બહાર, જાણો વિગતો
ભારતના નવા ઓનલાઈન ગેમિંગ કાયદાએ Dream11, Games24x7, Gameskraft અને MPL જેવા યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સને લિસ્ટમાંથી બહાર કર્યા. રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધથી શું થયું અસર? જાણો વિગતો.
Dream11 સહિત 4 યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ લિસ્ટમાંથી બહાર
ભારતની સંસદે પસાર કરેલા નવા કાયદાએ ઓનલાઈન રિયલ મની ગેમિંગ (RMG) સેક્ટરમાં મોટો ફેરફાર આણ્યો છે. આ કાયદા હેઠળ ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ASK પ્રાઈવેટ વેલ્થ હુરુન ઈન્ડિયા યુનિકોર્ન એન્ડ ફ્યુચર યુનિકોર્ન રિપોર્ટ 2025 અનુસાર, આ કાયદાની અસરથી Dream11, Games24x7, Gameskraft અને Mobile Premier League (MPL) જેવા મોટા સ્ટાર્ટઅપ્સે યુનિકોર્ન સ્ટેટસ (1 બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન) ગુમાવ્યું છે.
કાયદાની સખ્તાઈની સીધી અસર
નવા કાયદા હેઠળ રિયલ મની ગેમ્સના જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓને આવી કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્શન કરવાની મનાઈ કરવામાં આવી છે. આના પરિણામે Dream11 (260 મિલિયન યુઝર્સ), MPL (90 મિલિયન યુઝર્સ), Zupee અને Winzo Games જેવી કંપનીઓના મૂલ્યાંકનમાં ભારે ઘટાડો થયો છે. આ સખ્ત નિયમોને કારણે આ કંપનીઓએ ક્રિકેટ ટીમોની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી પણ કરી છે.
લાંબા ગાળાની અસર અને બદલાતું દૃશ્ય
રિપોર્ટ અનુસાર, આ કાયદાએ રિયલ મની ગેમિંગ સેક્ટરની વૃદ્ધિને અસ્થાયી રૂપે ધીમી કરી છે અને રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો છે. જોકે, લાંબા ગાળે આ નિયમો ઉદ્યોગમાં પારદર્શિતા અને સ્થિરતા લાવી શકે છે. આ ફેરફારોને કારણે કંપનીઓ હવે રેવન્યુ વૃદ્ધિ, કેપિટલ એફિશિયન્સી અને ટકાઉ બિઝનેસ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ભારતનું યુનિકોર્ન ઈકોસિસ્ટમ
RMG સેક્ટરમાં ઘટાડા છતાં, ભારતના યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 73 થઈ છે, જેમાં 6 નવા યુનિકોર્ન જેવા કે Ai.tech, Navi Technologies, Rapido અને DarwinBoxનો સમાવેશ થાય છે. સૌથી મૂલ્યવાન યુનિકોર્નમાં Zerodha (8.2 બિલિયન ડોલર), Razorpay અને Lenskart (7.5 બિલિયન ડોલર દરેક)નો સમાવેશ થાય છે. બેંગલુરુ (26 યુનિકોર્ન), દિલ્હી-NCR (12) અને મુંબઈ (11) યુનિકોર્ન હબ તરીકે ઉભરી આવ્યા છે. Zeptoના કૈવલ્ય વોરા અને આદિત પાલિચા (22 વર્ષ) સૌથી યુવા ફાઉન્ડર્સ છે.