IRFC શેરધારકો માટે મોટા સમાચાર: સરકાર વેચશે 4% હિસ્સો, શેર તૂટ્યો - જાણો સસ્તામાં ખરીદવાની તક અને OFS ની વિગતો | Moneycontrol Gujarati
Get App

IRFC શેરધારકો માટે મોટા સમાચાર: સરકાર વેચશે 4% હિસ્સો, શેર તૂટ્યો - જાણો સસ્તામાં ખરીદવાની તક અને OFS ની વિગતો

IRFC Share Price: સરકાર IRFC માં 4% હિસ્સો OFS દ્વારા વેચી રહી છે. આ સમાચાર બાદ શેરમાં 4% નો ઘટાડો થયો છે. OFS માટે ફ્લોર પ્રાઈસ 104 રૂપિયા નક્કી કરાઈ છે. જાણો રિટેલ રોકાણકારો ક્યારે અરજી કરી શકશે.

અપડેટેડ 12:40:21 PM Feb 25, 2026 પર
Story continues below Advertisement
IRFC Share Price: ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC) ના રોકાણકારો માટે મંગળવારે એક મોટા સમાચાર આવ્યા છે.

IRFC Share Price: ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC) ના રોકાણકારો માટે મંગળવારે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે કંપનીમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે, જેને કારણે શેરબજારમાં કંપનીના શેરના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો.

25 ફેબ્રુઆરીના રોજ IRFCના શેરમાં દિવસ દરમિયાન 4% સુધીનો ઘટાડો નોંધાયો હતો અને BSE પર શેરનો ભાવ ગગડીને 104.75 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આ ભાવ શેરનો 52 સપ્તાહનો નવો લો (low) પણ છે. આવો જાણીએ આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અને ઓફર ફોર સેલ (OFS) ની સંપૂર્ણ વિગતો.

સરકાર વેચી રહી છે 4% હિસ્સો (OFS Details)

કેન્દ્ર સરકાર IRFC માં કુલ 4% સુધીનો હિસ્સો ‘ઓફર ફોર સેલ' (OFS) ના માધ્યમથી વેચી રહી છે. આ પ્રક્રિયા માટે સરકારે શેર દીઠ ફ્લોર પ્રાઈસ 104 રૂપિયા નક્કી કરી છે.

ક્યારે ખુલશે ઓફર?: OFS 25 ફેબ્રુઆરીથી સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) માટે ખુલી ગયું છે. જ્યારે સામાન્ય રિટેલ રોકાણકારો (Retail Investors) માટે આ ઓફર 26 ફેબ્રુઆરીના રોજ ખુલશે.


કેટલા શેર વેચાશે?: ભારત સરકાર 25-26 ફેબ્રુઆરી દરમિયાન બેઝ ઈશ્યૂ તરીકે 26.13 કરોડ ઇક્વિટી શેર (2% હિસ્સો) વેચશે.

ગ્રીન શૂ ઓપ્શન: આ ઉપરાંત, જો માંગ વધુ રહે તો ‘ગ્રીન શૂ વિકલ્પ' હેઠળ સરકાર પાસે વધારાના 26.13 કરોડ શેર (બીજા 2% હિસ્સો) વેચવાનો વિકલ્પ પણ છે. આમ કુલ મળીને 4% હિસ્સો વેચવામાં આવશે.

સરકાર શા માટે હિસ્સો વેચી રહી છે?

તમને જણાવી દઈએ કે હાલમાં IRFC માં સરકારની હોલ્ડિંગ (હિસ્સેદારી) 86.36% છે. સેબી (SEBI) ના નિયમો મુજબ, લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડિંગ અમુક મર્યાદામાં હોવું જરૂરી છે. હાલ સરકારનો હિસ્સો ‘મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ'ના નિયમો કરતા 11.36% વધારે છે, તેથી નિયમોનું પાલન કરવા માટે સરકાર આ હિસ્સો વેચી રહી છે.

ડિસેમ્બર 2025ના ક્વાર્ટરના અંત સુધીમાં કંપનીમાં 51.2 લાખ રિટેલ શેરહોલ્ડર્સ હતા, જેમની પાસે 9.5% હિસ્સો હતો. કંપનીનું કુલ માર્કેટ કેપ 1.37 લાખ કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2021 માં આ કંપની શેરબજારમાં લિસ્ટ થઈ હતી.

કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે?

નાણાકીય પરિણામો પર નજર કરીએ તો, ઓક્ટોબર-ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં IRFCનું સ્ટેન્ડઅલોન રેવન્યુ 6,661.37 કરોડ રૂપિયા નોંધાયું હતું, જ્યારે ચોખ્ખો નફો 1,802.19 કરોડ રૂપિયા રહ્યો હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2025 દરમિયાન કંપનીનું રેવન્યુ 27,152.14 કરોડ રૂપિયા અને નફો 6,502 કરોડ રૂપિયા રહ્યો છે.

જોકે, શેરના પર્ફોર્મન્સની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં શેરમાં 15% નો ઘટાડો જોવા મળ્યો છે. BSE પર શેરનો 52 સપ્તાહનો હાઈ 148.90 રૂપિયા છે.

બજારની ચાલ

એક તરફ IRFCના શેરમાં ઘટાડો હતો, તો બીજી તરફ 25 ફેબ્રુઆરીએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 731.99 પોઈન્ટ ઉછળીને 82,957.91 ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 227.95 પોઈન્ટના વધારા સાથે 25,652.60 પર પહોંચ્યો હતો.

આ પણ વાંચો- ‘મેં વચ્ચે પડીને ભારત-પાક પરમાણુ યુદ્ધ રોક્યું, નહીંતર 3.5 કરોડ લોકો મર્યા હોત’, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સમાચાર અને જાણકારીના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.)

MoneyControl News

MoneyControl News

First Published: Feb 25, 2026 12:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.