CMPDI IPO: જો તમે શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો, તો તમારા માટે એક શાનદાર તક આવી રહી છે.
CMPDI IPO: જો તમે શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા માંગો છો, તો તમારા માટે એક શાનદાર તક આવી રહી છે. દેશની દિગ્ગજ કોલ માઇનિંગ કંપની ‘કોલ ઈન્ડિયા' (Coal India)ની સબસિડરી કંપની ‘સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ' (CMPDI) શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. આ માટે કંપની પોતાનો 1842 કરોડ રૂપિયાનો આઈપીઓ (IPO) લાવી રહી છે.
આ IPOની ખાસ વાત એ છે કે આ સંપૂર્ણપણે ‘ઓફર ફોર સેલ' (OFS) હશે. આનો અર્થ એ છે કે કંપની કોઈ નવા શેર બહાર પાડશે નહીં, પરંતુ તેની પેરેન્ટ કંપની કોલ ઈન્ડિયા પોતાના શેર વેચીને હિસ્સેદારી ઓછી કરશે. IPOનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો તમે પણ આ સરકારી મિનીરત્ન કંપનીના IPOમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો રોકાણનો અંતિમ નિર્ણય લેતા પહેલા અહીં આપેલી 10 સૌથી મહત્વની વાતો જરૂર જાણી લો.
CMPDI IPO: રોકાણકારો માટે 10 મહત્વની વાતો
1. પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ
કોઈપણ IPOમાં રોકાણ કરતા પહેલા તેનો ભાવ જાણવો જરૂરી છે. CMPDIના 1842 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 163 રૂપિયાથી લઈને 172 રૂપિયા નક્કી કરી છે. રિટેલ રોકાણકારોએ 80 શેરોના એક લોટ માટે અરજી કરવાની રહેશે.
2. IPOની મહત્વની તારીખો
આ IPO 20 માર્ચના રોજ રોકાણકારો માટે ખુલશે અને 24 માર્ચ સુધી તમે તેમાં અરજી કરી શકશો. શેરનું અલોટમેન્ટ 25 માર્ચે ફાઈનલ થશે. ત્યારબાદ 30 માર્ચના રોજ શેરબજારમાં (BSE અને NSE પર) આ શેરનું શાનદાર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
3. કોના માટે કેટલો હિસ્સો રિઝર્વ?
આ ઇશ્યૂમાં અલગ-અલગ કેટેગરી માટે હિસ્સો નક્કી કરાયો છે.
QIB (ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ) માટે વધુમાં વધુ 50% હિસ્સો અનામત છે.
રિટેલ રોકાણકારો (સામાન્ય પબ્લિક) માટે ઓછામાં ઓછો 35% હિસ્સો રિઝર્વ રખાયો છે.
NII (નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ) માટે 15% હિસ્સો ફાળવવામાં આવ્યો છે.
4. ગ્રે માર્કેટમાં શું છે ટ્રેન્ડ? (CMPDI IPO GMP)
શેરબજારમાં લિસ્ટ થતા પહેલા જ ગ્રે માર્કેટમાં આ શેરની ડિમાન્ડ જોવા મળી રહી છે. હાલમાં CMPDI ના શેર તેના અપર પ્રાઇસ બેન્ડ (172 રૂપિયા) થી 19 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 11.05% જેટલું ચાલી રહ્યું છે. જોકે, માર્કેટના જાણકારો હંમેશા સલાહ આપે છે કે માત્ર GMP જોઈને રોકાણ ન કરવું જોઈએ, કંપનીના ફંડામેન્ટલ્સ જોવા પણ એટલા જ જરૂરી છે.
5. કેટલા શેર ઇશ્યૂ થશે?
આ આઈપીઓ હેઠળ કંપની એક પણ નવો શેર જારી કરવાની નથી. આ એક ઓફર ફોર સેલ (OFS) છે. આ અંતર્ગત પ્રમોટર કંપની કોલ ઈન્ડિયા પોતાની માલિકીના 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 10.71 કરોડ શેર વેચવા જઈ રહી છે.
6. કોણ છે રજિસ્ટ્રાર?
આ આઈપીઓના રજિસ્ટ્રાર તરીકે ‘કેફિન ટેક' (KFin Tech)ની નિમણૂક કરવામાં આવી છે. 25 માર્ચે અલોટમેન્ટ ફાઈનલ થયા પછી તમે કેફિન ટેકની સત્તાવાર વેબસાઈટ અથવા BSE ની વેબસાઈટ પર જઈને તમારું અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશો.
7. IPOના પૈસાનો ઉપયોગ ક્યાં થશે?
જેમ અગાઉ જણાવ્યું તેમ, આ સંપૂર્ણ ઇશ્યૂ OFS છે. તેથી આઈપીઓ દ્વારા એકત્ર થયેલા તમામ 1842 કરોડ રૂપિયા સીધા શેર વેચનાર પ્રમોટર કંપની ‘કોલ ઈન્ડિયા' ના ખાતામાં જશે, CMPDIને આમાંથી કોઈ રકમ મળશે નહીં.
8. કંપનીનો મુખ્ય બિઝનેસ શું છે?
વર્ષ 1974માં સ્થપાયેલી આ કંપની કોલસા અને અન્ય ખનિજોની શોધ (Exploration), માઇનિંગ માટેનું પ્લાનિંગ અને ડિઝાઇનને લગતી કન્સલ્ટન્સી તથા સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે. આ ઉપરાંત, કંપની NMET (નેશનલ મિનરલ એક્સપ્લોરેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ) સાથે મળીને કોલસા અને અન્ય ખનિજોના ડ્રિલિંગ અને રિસર્ચ પ્રોજેક્ટ્સમાં પણ સક્રિય ભાગ ભજવે છે.
9. કંપનીનું નેટવર્ક કેટલું મોટું છે?
CMPDIનો સમાવેશ દેશની સૌથી મોટી કોલ એન્ડ મિનરલ કન્સલ્ટન્સી કંપનીઓમાં થાય છે. નાણાકીય વર્ષ 2025 ના આંકડા મુજબ માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 61.0% રહ્યો છે. તે કોલ ઈન્ડિયાની મુખ્ય કન્સલ્ટન્ટ છે. કંપની મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા કોલસાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં 7 રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ સાથે કોલસાની ગુણવત્તા તપાસવા માટે 8 અત્યાધુનિક લેબોરેટરીનું નેટવર્ક પણ ધરાવે છે.
રોકાણકારો માટે આ સૌથી સકારાત્મક પાસું છે, કારણ કે કંપનીની આવક અને નફામાં સતત વધારો થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 માં કંપનીનો ચોખ્ખો નફો 296.66 કરોડ રૂપિયા હતો. વર્ષ 2024 માં આ નફો કૂદકે ને ભૂસકે વધીને 503.23 કરોડ રૂપિયા થયો. વર્ષ 2025 માં નફો 666.91 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો.
આ સમયગાળામાં કંપનીની કુલ આવકમાં વાર્ષિક 24% થી વધુના કમ્પાઉન્ડિંગ ગ્રોથ (CAGR) સાથે વધારો થયો છે અને તે 2,177.53 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2026 (એપ્રિલ-ડિસેમ્બર 2025) ની વાત કરીએ તો, કંપનીએ 425.36 કરોડ રૂપિયાનો નફો અને 1,543.93 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. કંપની પાસે રિઝર્વ અને સરપ્લસ ફંડ તરીકે 2,010.98 કરોડ રૂપિયા જમા છે, જે તેની મજબૂત બેલેન્સ શીટ દર્શાવે છે.
CMPDI એક મજબૂત સરકારી બેકગ્રાઉન્ડ ધરાવતી અને સતત નફો કરતી કંપની છે. તેનું વિશાળ માર્કેટ શેર અને કોલ ઈન્ડિયાનો સપોર્ટ તેને લાંબા ગાળા માટે એક આકર્ષક રોકાણનો વિકલ્પ બનાવે છે. જોકે, ઓફર ફોર સેલ હોવાથી કંપની પાસે ડાયરેક્ટ ફંડ આવવાનું નથી તે બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. આઈપીઓ કે કોઈપણ શેરમાં પૈસા લગાવતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા એક્સપર્ટની સલાહ ચોક્કસથી લો. અમે કોઈપણ રોકાણની સીધી ભલામણ કરતા નથી.)