IDFC First Bankના શેરમાં આજે મોટો કડાકો બોલ્યો છે. 590 કરોડના ફ્રોડના સમાચાર આવતા જ શેર 20% તૂટ્યો. જાણો હરિયાણા સરકારે બેંક સામે શું એક્શન લીધા અને સમગ્ર મામલો શું છે.
IDFC First Bankના શેરમાં આજે મોટો કડાકો બોલ્યો છે.
IDFC First Bank: પ્રાઇવેટ સેક્ટરની જાણીતી IDFC First Bank ના રોકાણકારો માટે 23 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. બેંકમાં 590 કરોડનું મોટું કૌભાંડ સામે આવ્યા બાદ, શેરબજાર ખુલતાની સાથે જ બેંકના શેરમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. શેરના ભાવ 20% તૂટીને BSE પર 66.85 રૂપિયા સુધી ગગડી ગયા હતા. આ મોટા ઘટાડાને કારણે બેંકનું માર્કેટ કેપ પણ ઘટીને 61,000 કરોડ રૂપિયા પર આવી ગયું છે.
શું છે સમગ્ર મામલો?
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઘટના ચંડીગઢ બ્રાન્ચ સાથે સંકળાયેલી છે. ત્યાં હરિયાણા સરકારના ખાતાઓમાંથી બેંકના જ કેટલાક કર્મચારીઓ અને બહારના લોકોએ મળીને આશરે 590 કરોડની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. બેંકે આ ફ્રોડની જાણકારી બેંકિંગ રેગ્યુલેટર (RBI) ને આપી દીધી છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
બેંકના અંદાજ મુજબ હાલ આ કૌભાંડની રકમ 590 કરોડ રૂપિયા છે, પરંતુ આગળની તપાસ, ક્લેમ વેરિફિકેશન અને રિકવરી બાદ સાચો આંકડો સામે આવશે.
કેવી રીતે પકડાયું કૌભાંડ?
આ ફ્રોડની વિગતો આપતા બેંકે જણાવ્યું કે, હરિયાણા સરકારનો એક વિભાગ IDFC ફર્સ્ટ બેંક સાથે વ્યવહાર કરતો હતો. જ્યારે આ વિભાગે પોતાનું એકાઉન્ટ બંધ કરીને બાકીની રકમ બીજા બેંકમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી, ત્યારે ખાતામાં જમા રકમ અને ટ્રાન્સફર કરવાની રકમ વચ્ચે તફાવત જોવા મળ્યો. તપાસ કરતા માલુમ પડ્યું કે હરિયાણા સરકારની અન્ય કંપનીઓના ખાતામાં પણ આવી જ ગરબડ થયેલી છે.
બેંકે તાત્કાલિક લીધા પગલાં
IDFC First Bank એ સ્પષ્ટતા કરી છે કે આ મામલો માત્ર હરિયાણા સરકારના ચોક્કસ ખાતાઓ અને ચંડીગઢ બ્રાન્ચ પૂરતો જ મર્યાદિત છે. બેંકના અન્ય ગ્રાહકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બાદ બેંકે તાત્કાલિક અસરથી 4 અધિકારીઓને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. બેંકે ખાતરી આપી છે કે જે પણ કર્મચારીઓ કે બહારના લોકો આમાં સંડોવાયેલા હશે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હરિયાણા સરકારનો મોટો નિર્ણય: બેંકોને કર્યા ‘ડી-પેનલ’
આ કૌભાંડના સમાચાર આવતાની સાથે જ હરિયાણા સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે IDFC First Bank અને તેની સાથે AU Small Finance Bank ને પણ સરકારી કામકાજ માટે 'ડી-એમ્પેનલ્ડ' (De-empanelled) કરી દીધા છે.
સરકારના આદેશ મુજબ, હવે પછીના ઓર્ડર સુધી આ બંને બેંકોમાં રાજ્ય સરકારનું કોઈ પણ ફંડ જમા કરવામાં આવશે નહીં, તેમજ કોઈ નવું રોકાણ કે ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવશે નહીં. સરળ ભાષામાં કહીએ તો, હાલ પૂરતું આ બેંકો સાથે સરકાર કોઈ નાણાકીય વ્યવહાર કરશે નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર અને જાણકારીના હેતુ માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા હંમેશા તમારા નાણાકીય સલાહકારની મદદ લો.)