Zomatoને તેનું નામ બદલવા માટે મંત્રાલય તરફથી પણ મળી મંજૂરી, કંપનીને 20 માર્ચથી મળી નવી ઓળખ
કંપનીનું મૂળ નામ બદલાઈ ગયું છે. કંપનીના ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ ઝોમેટોના બ્રાન્ડ નામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, એપને પણ એવી જ રાખવામાં આવી છે.
જાણીતી ઓનલાઈન ફૂડ અને ગ્રોસરીની ડિલિવરી કરતી કંપની ઝોમેટોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેને 20 માર્ચથી તેનું નામ બદલીને 'eternal લિમિટેડ' કરવા માટે કોર્પોરેટ બાબતોના મંત્રાલય તરફથી મંજૂરી મળી ગઈ છે. અગાઉ, ઝોમેટોના શેરધારકોએ આ મહિનાની શરૂઆતમાં પેઢીનું નામ બદલીને ‘eternal' કરવા માટે એક ખાસ ઠરાવને પણ મંજૂરી આપી હતી, એમ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. જોકે, કંપનીના ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ ઝોમેટોના બ્રાન્ડ નામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, એપને પણ એવી જ રાખવામાં આવી છે.
Eternal પાસે 4 મેઇન બિઝનેસ હશે
સમાચાર અનુસાર Eternalમાં 4 મેઇન બિઝનેસ (હાલ મુજબ) હશે - ઝોમેટો, બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યુર. ઝોમેટોએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે "આપને જણાવવા માંગીએ છીએ કે કોર્પોરેટ બાબતોના મંત્રાલયના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે 20 માર્ચ, 2025થી કંપનીનું નામ 'ઝોમેટો લિમિટેડ'થી 'eternal લિમિટેડ' કરવાને મંજૂરી આપી છે,"
ગયા મહિને ઝોમેટોના ફાઉન્ડર અને સીઈઓ દીપિન્દર ગોયલે કહ્યું હતું કે અમારા બોર્ડે આ ફેરફારને મંજૂરી આપી દીધી છે અને હું અમારા શેરધારકોને પણ આ ફેરફારને સમર્થન આપવા વિનંતી કરું છું. જ્યારે તે મંજૂર થશે, તો અમારી કોર્પોરેટ વેબસાઇટ zomato.comથી eternal.comમાં બદલાઈ જશે. અમે અમારા સ્ટોક ટીકરમાં પણ ફેરફાર કરીશું.
બ્લિંકિટના ફ્યુચરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય
ગોયલે તે સમયે એમ પણ કહ્યું હતું કે કંપનીનો જાહેરમાં આવવાનો અને તેનું નામ બદલવાનો નિર્ણય બ્લિંકિટના ભવિષ્ય માટે મુખ્ય ચાલક તરીકે જોતા હતા તેના અનુરૂપ હતો. જ્યારે અમે બ્લિંકિટ હસ્તગત કરી, ત્યારે અમે કંપની અને બ્રાન્ડ/એપ વચ્ચે તફાવત કરવા માટે Eternal (ઝોમેટોને બદલે) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે ઝોમેટોથી આગળ કંઈક આપણા ભવિષ્યનું મહત્વનું ચાલક બનશે, તે દિવસે અમે કંપનીનું જાહેરમાં નામ બદલીને eternal રાખીશું. આજે, બ્લિંકિટ સાથે, મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી ગયા છીએ.