IPO Scam 2026: મુંબઈના IPO માર્કેટમાં ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અને ડબ્બા ટ્રેડિંગ જેવું નવું કૌભાંડ સામે આવ્યું છે. કમિશન એજન્ટો 25-50 હજારની લાલચ આપી રિટેલ રોકાણકારોને ફસાવી રહ્યા છે. જાણો આ માયાજાળથી કેવી રીતે બચવું.
આ સિન્ડિકેટનું નેટવર્ક ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરે છે. કંપની ભલે ફંડામેન્ટલી મજબૂત ન હોય, છતાં તેને રાતોરાત હિટ કરાવવાનો ખેલ અહીં રમાય છે:
IPO Scam 2026: આજના સમયમાં શેરબજારમાં રોકાણકારો IPO દ્વારા પૈસા કમાવવા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે. પરંતુ, માર્કેટની આ શાનદાર તેજીની આડમાં મુંબઈના પ્રાઈમરી માર્કેટમાં એક મોટું અને ખતરનાક કૌભાંડ ચાલી રહ્યું છે. વધુ નફાની લાલચમાં રિટેલ રોકાણકારો ‘ડબ્બા ટ્રેડિંગ' જેવા એક નવા દૂષણનો શિકાર બની રહ્યા છે. શહેરોમાં એક ગેરકાયદેસર સિન્ડિકેટ સક્રિય બની છે, જે રોકાણકારોને ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ બતાવીને પોતાની જાળમાં બેરોકટોક ફસાવી રહી છે.
કેવી રીતે ચાલે છે આ કૌભાંડની માયાજાળ?
આ સિન્ડિકેટનું નેટવર્ક ખૂબ જ આયોજનબદ્ધ રીતે કામ કરે છે. કંપની ભલે ફંડામેન્ટલી મજબૂત ન હોય, છતાં તેને રાતોરાત હિટ કરાવવાનો ખેલ અહીં રમાય છે:
ફેક પ્રીમિયમનો ખેલ: કોઈપણ કંપનીનો IPO લાવવાની જાહેરાત થાય, એટલે તરત જ આ સિન્ડિકેટ ફેક એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ પર ખોટું અને ઊંચું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) છપાવવાનું શરૂ કરી દે છે.
પ્રમોટર અને એજન્ટની મિલીભગત: કંપનીના પ્રમોટરો અને કમિશન એજન્ટો ભેગા મળીને ઈસ્યુને છલકાવવા માટે આખી ગેમ સેટ કરે છે. તેઓ ઈસ્યુને ગેરકાયદેસર રીતે અન્ડરરાઈટ કરીને રિટેલરોને બાટલીમાં ઉતારે છે.
રોકડાની લાલચ: રિટેલ રોકાણકારો વધુમાં વધુ ફોર્મ ભરે તે માટે એજન્ટો તેમને મૌખિક બાંયધરી આપે છે કે જો SME IPOમાં શેર લાગશે, તો એક અરજી દીઠ 25,000થી 50,000 રૂપિયા સુધીની માતબર રકમ રોકડમાં ચૂકવવામાં આવશે.
જાળમાં ફસાતા નિર્દોષ રિટેલ રોકાણકારો
લાલચનો એવો માહોલ ઊભો કરવામાં આવે છે કે સામાન્ય રોકાણકાર ઈસ્યુમાં ફોર્મ ભરવા મજબૂર થઈ જાય. પરંતુ અસલિયત ત્યારે સામે આવે છે જ્યારે IPO ખૂલે છે. શરૂઆતમાં ગ્રે માર્કેટમાં જે પ્રીમિયમ આસમાને દેખાતું હોય, તે ઈસ્યુ ખુલતા જ ગગડી જાય છે. ઘણીવાર તો ઈસ્યુ બંધ થતા સુધીમાં શેર ડિસ્કાઉન્ટ પર આવી જાય છે.
આ પૂરી રમતમાં કંપનીના પ્રમોટરોને તેમની જોઈતી મૂડી મળી જાય છે અને સિન્ડિકેટ/એજન્ટોને લાખો-કરોડોનું કમિશન મળી જાય છે. પરંતુ અંતે નુકસાન માત્ર ને માત્ર રિટેલ રોકાણકારને ભોગવવું પડે છે, કારણ કે તેમના ગળામાં ખરાબ શેર ફસાઈ જાય છે.
નિયામક તંત્રના કડક પગલાંની તાતી જરૂરિયાત
એક તરફ નિયામક તંત્ર ડબ્બા ટ્રેડિંગને ડામવા સતત પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પ્રાઈમરી માર્કેટમાંથી અબજો રૂપિયા એકત્ર કરવાની આ આંધળી હોડમાં પ્રી અને પોસ્ટ IPO ના નામે ચાલતા આ નવા દૂષણને તાત્કાલિક રોકવું અત્યંત જરૂરી બની ગયું છે.
જો આ સિન્ડિકેટ સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો પ્રાઈમરી માર્કેટની આ ફાટમફાટ તેજીમાં અનેક રોકાણકારોની મૂડી સ્વાહા થઈ જશે. અને જો આમ થશે, તો આવનારા સમયમાં શેરબજાર પરથી સામાન્ય રોકાણકારોનો વિશ્વાસ કાયમ માટે ઊઠી જશે. રોકાણકારોએ પણ આવી કોઈપણ ફેક એપ કે રોકડની લાલચમાં આવ્યા વગર કંપનીના ફંડામેન્ટલ ચકાસીને જ રોકાણ કરવું હિતાવહ છે.
(ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર ન્યૂઝ અપડેટ અને જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ IPO અથવા શેરમાં પૈસા લગાવતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.)