CEC Gyanesh Kumar: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓમાં અચાનક મોટો વધારો થયો છે. વોટર લિસ્ટના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેરળ સરકારે તેમની સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચારના કેસમાં વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. આ આરોપો વર્ષ 2006ના છે, જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળના લોક નિર્માણ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતા હતા.
શું છે 2006નો આખો મામલો?
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના IAS અધિકારી છે. વર્ષ 2006માં તેઓ કેરળ PWD ના સચિવ હતા. તે સમયે ભારત અને મલેશિયાની કંપનીઓ ‘PATI-BEL' કન્સોર્ટિયમ દ્વારા સંયુક્ત રીતે 'કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ' (KSTP) હેઠળ રસ્તાઓ બનાવવાનું કામ કરી રહી હતી.
આ પ્રોજેક્ટના ચીફ પ્રોજેક્ટ મેનેજર અને મલેશિયન સિવિલ એન્જિનિયર લી સી બીન એ 2006માં કુઆલાલમ્પુર ખાતે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, એન્જિનિયરની સ્યુસાઇડ નોટમાં જ્ઞાનેશ કુમારનું નામ હતું. એવો આરોપ હતો કે PWD ના અધિકારીઓ પ્રોજેક્ટમાં અડચણો ઊભી કરી રહ્યા હતા, કથિત રીતે લાંચ માંગી રહ્યા હતા અને તેમને પરેશાન કરી રહ્યા હતા. તે સમયે પણ આ કેસમાં તપાસના આદેશ અપાયા હતા, પરંતુ જ્ઞાનેશ કુમાર ડેપ્યુટેશન પર સંરક્ષણ મંત્રાલયમાં ચાલ્યા જતા તપાસ આગળ વધી શકી ન હતી અને ફાઇલ દબાઈ ગઈ હતી.
હવે કેમ ફરીથી શરૂ થઈ તપાસ?
કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા મલયિનકીઝુ વેણુગોપાલ દ્વારા શનિવારે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમનો આરોપ છે કે અગાઉની તપાસ કોઈ નક્કર પરિણામ વગર અચાનક બંધ કરી દેવામાં આવી હતી. આ ફરિયાદને આધારે કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ ‘વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન બ્યુરો'ને પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. કેરળ સરકારે 2006 ના જૂના વિજિલન્સ રેકોર્ડ અને ફાઇલો પણ મંગાવી લીધી છે. આ નવી તપાસમાં સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી ગેરરીતિઓ અને એન્જિનિયરની આત્મહત્યાના સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ થશે.
દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન: 700 થી વધુની અટકાયત
એક તરફ જૂના કેસની ફાઇલ ખુલી છે, તો બીજી તરફ ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને SIR વિવાદને લઈને દેશભરમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
દિલ્હીમાં હડકંપ: દિલ્હીમાં જંતર-મંતર, ફિરોઝશાહ રોડ અને અશોક રોડ પર વિપક્ષી દળો, ભારતીય યુવા કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો. પોલીસે 700 થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજીવ ચોક, સેન્ટ્રલ સેક્રેટરિએટ અને પટેલ ચોક સહિત 12 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી દેવાઈ હતી અને ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
મુંબઈમાં સ્ટાર્સ રસ્તા પર: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આહ્વાન પર મુંબઈના શિવાજી પાર્કમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ આંદોલનને શિવસેના (UBT), MNS, SFI અને AISAનું સમર્થન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ વિરોધમાં અભિનેતા નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, ગાયક વિશાળ ડડલાની અને મહાત્મા ગાંધીના પડપોતા તુષાર ગાંધી પણ જોડાયા હતા.
આ ઉપરાંત અમદાવાદ, લખનઉ અને પટના સહિત દેશના અનેક મોટા શહેરોમાં પણ CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે કેરળ સરકારની આ નવી વિજિલન્સ તપાસ જ્ઞાનેશ કુમાર માટે કેટલી મોટી મુસીબત સાબિત થાય છે.