શેરબજારમાં કમાણીની નવી તક, Cars24 લાવશે પોતાનો IPO, જાણો એપ્રિલ 2027 સુધીમાં ડ્રાફ્ટ ફાઈલ થવાની કેમ છે શક્યતા
સેકન્ડ હેન્ડ કાર વેચતું લોકપ્રિય પ્લેટફોર્મ Cars24 ભારતીય શેરબજારમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહ્યું છે. જાણો કંપનીના રિવર્સ ફ્લિપ પ્રોસેસ અને IPO ના ભવિષ્યના પ્લાન વિશે તમામ વિગતો.
કોઈપણ કંપનીના IPO માં પૈસા લગાવતા પહેલા તેની આર્થિક સ્થિતિ જાણવી જરૂરી છે. કાર્સ24 એ છેલ્લે વર્ષ 2022 માં ફંડિંગ મેળવ્યું હતું, ત્યારબાદ કંપનીનું વેલ્યુએશન આશરે $330 કરોડ જેટલું થઈ ગયું હતું.
Cars24 IPO: ભારતીય શેરબજારમાં અત્યારે IPOની ધૂમ મચી છે. ત્યારે જૂની કારની લે-વેચ માટે જાણીતું ઓનલાઈન પ્લેટફોર્મ Cars24 પણ હવે ઘરેલુ માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, રોકાણકારોએ આ IPO માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે કંપની હાલમાં એક લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરને આશા છે કે એપ્રિલ 2027 સુધીમાં IPO માટેનો ડ્રાફ્ટ ફાઈલ થઈ શકે છે. તો ચાલો વિગતે જાણીએ કે આખી પ્રક્રિયા શું છે અને IPO ક્યારે આવશે.
'રિવર્સ ફ્લિપ' પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે કંપની
Cars24 ના CFO શિવાંશુ મક્કરના જણાવ્યા અનુસાર, કંપની 7 મહિનામાં IPO લાવવા માટે સક્ષમ બની શકે છે. પરંતુ તે પહેલાં કંપનીએ રિવર્સ ફ્લિપની પ્રક્રિયા પૂરી કરવી પડશે.સરળ શબ્દોમાં કહીએ તો, વર્ષ 2015 માં Cars24 સિંગાપોરમાં રજિસ્ટર્ડ કંપની તરીકે બની હતી. હવે તેને સત્તાવાર રીતે 'ભારતીય કંપની' બનાવવા માટે સિંગાપોરથી ભારત શિફ્ટ કરવામાં આવી રહી છે. આ જ પ્રક્રિયાને રિવર્સ ફ્લિપ કહેવાય છે. શિવાંશુએ જણાવ્યું કે સિંગાપોરથી મંજૂરી મળી ગઈ છે અને ભારતમાં પ્રક્રિયા ચાલુ છે, જેમાં 6 થી 9 મહિનાનો સમય લાગી શકે છે.
ક્યારે આવશે Cars24 નો IPO?
જ્યારે કંપની સત્તાવાર રીતે ભારતીય બની જશે, ત્યારે જ તે IPO માટેનો ડ્રાફ્ટ એટલે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરી શકશે. CFO શિવાંશુને આશા છે કે એપ્રિલ 2027 સુધીમાં કંપની આ ડ્રાફ્ટ ફાઈલ કરવા યોગ્ય બની જશે.ડ્રાફ્ટ ફાઈલ કર્યા પછી પણ સેબીની મંજૂરી મેળવવી, IPO ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવી અને બુક-બિલ્ડિંગ જેવી પ્રક્રિયાઓમાં વધુ 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે.
Cars24ની આર્થિક સ્થિતિ કેવી છે?
કોઈપણ કંપનીના IPO માં પૈસા લગાવતા પહેલા તેની આર્થિક સ્થિતિ જાણવી જરૂરી છે. કાર્સ24 એ છેલ્લે વર્ષ 2022 માં ફંડિંગ મેળવ્યું હતું, ત્યારબાદ કંપનીનું વેલ્યુએશન આશરે $330 કરોડ જેટલું થઈ ગયું હતું. શિવાંશુના મતે, ત્યારથી કંપનીએ બહારથી કોઈ નવું ફંડ લીધું નથી કારણ કે તેમને તેની જરૂર પડી નથી. હાલમાં કંપની પાસે પૂરતી મૂડી છે અને તે અત્યારે ખોટા ખર્ચા નથી કરી રહી. આવા સંજોગોમાં, જો કંપની IPO લાવે છે, તો તેનો હેતુ તાત્કાલિક પૈસાની જરૂરિયાત પૂરી કરવાનો નથી, પરંતુ ભારતમાં અને વિદેશી બજારોમાં બિઝનેસનો વિસ્તાર કરવાનો રહેશે.
IPOના ફંડથી બિઝનેસનો વિસ્તાર ક્યાં થશે?
હાલમાં ભારતમાં દર 100 માંથી માત્ર 5 લોકો પાસે જ કાર છે. એટલે કે અહીં બિઝનેસ વધારવાની અપાર શક્યતાઓ છે. કાર્સ24 હાલમાં દેશના 25 શહેરોમાં રિટેલ બિઝનેસ ધરાવે છે. આગામી સમયમાં તેને 200 શહેરો સુધી લઈ જવાનો અને આશરે 50,000 કાર્સ સુધી વિસ્તરણ કરવાનો પ્લાન છે. ભારત સિવાય કંપની ખાડી દેશો અને ઓસ્ટ્રેલિયામાં પણ ફોકસ કરી રહી છે. હાલમાં UAEના જૂની કારના માર્કેટમાં કાર્સ24 નો હિસ્સો 7% છે અને તે 30% ના દરે આગળ વધી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના 3 શહેરોમાં પણ કંપનીએ પોતાનો પગપેસારો કર્યો છે.