આ નવી ટ્રેન સંપૂર્ણપણે માત્ર LNG પર નિર્ભર નથી, પરંતુ તે ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ (Dual-Fuel System) પર કામ કરે છે.
India's first LNG train: ભારતીય રેલવે સતત આધુનિકતા અને પર્યાવરણની જાળવણી તરફ આગળ વધી રહ્યું છે. આ જ દિશામાં એક મોટું પગલું ભરતાં, ભારતીય રેલવેએ દેશની પહેલી LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ટ્રેન શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના સાબરમતી રેલવે સ્ટેશનથી આ ઐતિહાસિક ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી છે. અમદાવાદ રેલવે ડિવિઝનના જણાવ્યા અનુસાર, રેલવેના ઇતિહાસમાં પહેલીવાર ડ્રાઇવિંગ પાવર કારમાં LNG આધારિત ફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આવો જાણીએ આ નવી ટ્રેન અને તેની ટેકનોલોજી વિશેની તમામ મહત્વની માહિતી:
CNG કારની જેમ જ કામ કરશે આ ટ્રેન
આ નવી ટ્રેન સંપૂર્ણપણે માત્ર LNG પર નિર્ભર નથી, પરંતુ તે ડ્યુઅલ-ફ્યુઅલ સિસ્ટમ (Dual-Fuel System) પર કામ કરે છે. તેને સરળ ભાષામાં સમજવું હોય તો, જેમ આપણી CNG કારમાં ગેસ પૂરો થઈ જાય તો તે પેટ્રોલ પર સ્વિચ થઈ જાય છે, બરાબર એ જ રીતે આ ટ્રેનનું એન્જિન LNG અને ડીઝલ બંને પર ચાલી શકે છે. ફ્યુઅલની ઉપલબ્ધતા મુજબ પાયલટ તેને ડીઝલથી LNG અથવા LNG થી ડીઝલમાં આસાનીથી સ્વિચ કરી શકશે. ચેન્નઈ સ્થિત ICF દ્વારા આ અત્યાધુનિક ટ્રેન તૈયાર કરવામાં આવી છે.
દર વર્ષે થશે 24 લાખ રૂપિયાની મોટી બચત
ડીઝલ કરતા LNG ઘણું સસ્તું હોય છે, જેનો સીધો ફાયદો રેલવેની તિજોરીને થશે. રેલવેના અંદાજ મુજબ, એક DPC (ડ્રાઇવિંગ પાવર કાર) થી દર વર્ષે લગભગ 11.9 લાખ રૂપિયાની બચત થશે. જો ટ્રેનમાં 8 ડબ્બા હોય, તો એક ટ્રેન પાછળ રેલવેને દર વર્ષે અંદાજિત 23.9 લાખ (લગભગ 24 લાખ) રૂપિયાની બચત થશે. આ ટેકનોલોજીથી ડીઝલના વપરાશમાં સીધો 40 ટકાનો ઘટાડો આવશે.
પ્રદૂષણ ઘટશે, પર્યાવરણ બચશે
નવી ટેકનોલોજી માત્ર પૈસા જ નહીં બચાવે, પણ પર્યાવરણને શુદ્ધ રાખવામાં પણ મોટી ભૂમિકા ભજવશે. આનાથી કાર્બન ડાયોક્સાઇડ (CO2), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને હવામાં રહેલા ઝીણા રજકણો જેવા પ્રદૂષકોમાં ભારે ઘટાડો જોવા મળશે.
ટ્રેનની સ્પીડ અને ક્ષમતા
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ 1400 HP ની ક્ષમતા ધરાવતી બે ડ્રાઇવિંગ પાવર કારને કન્વર્ટ કરવામાં આવી છે. આ ટ્રેનને ફાઇનલ કરતા પહેલા તેના પર 2000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે.
ટાંકીની સાઇઝ: દરેક DPC માં 2200 લિટરની ક્ષમતા ધરાવતી LNG ટાંકી ફિટ કરવામાં આવી છે.
ગેસની ક્ષમતા: આ ટાંકીમાં એકસાથે 950 થી 1000 કિલોગ્રામ LNG ભરી શકાય છે.
માઇલેજ/રેન્જ: એકવાર ટાંકી ફૂલ થયા પછી આ ટ્રેન આરામથી 440 કિલોમીટર સુધીની સફર ખેડી શકે છે. ખાસ વાત એ છે કે LNG પર ચાલવા છતાં એન્જિનના પાવર કે પર્ફોર્મન્સમાં કોઈ જ ઘટાડો નહીં થાય.
કોલસાથી લઈને LNG સુધીની શાનદાર સફર
ભારતીય રેલવેનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક રહ્યો છે. એક સમયે કોલસા અને લાકડાંથી શરૂ થયેલી રેલવેની સફર ડીઝલ અને ઇલેક્ટ્રિક સુધી પહોંચી. વર્ષ 2015 માં રેલવેએ CNG ટ્રેન પણ ચલાવી હતી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હરિયાણામાં દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને હવે, આ યાદીમાં LNG ટ્રેનનું નામ પણ ગર્વથી જોડાઈ ગયું છે.