ગુજરાતના કંડલામાં બનશે દેશનો પહેલો બંદર-આધારિત ઈ-મિથેનોલ પ્લાન્ટ, 2300 કરોડના રોકાણથી વિદેશી જહાજોને મળશે ગ્રીન ફ્યુઅલ | Moneycontrol Gujarati
Get App

ગુજરાતના કંડલામાં બનશે દેશનો પહેલો બંદર-આધારિત ઈ-મિથેનોલ પ્લાન્ટ, 2300 કરોડના રોકાણથી વિદેશી જહાજોને મળશે ગ્રીન ફ્યુઅલ

Gujarat E-Methanol Plant: ગુજરાતના કંડલામાં દેશનો પ્રથમ પોર્ટ-આધારિત ઈ-મિથેનોલ પ્લાન્ટ શરૂ થશે. 2300 કરોડના ખર્ચે બનનાર આ પ્લાન્ટ વિદેશી જહાજોને સ્વચ્છ ગ્રીન ફ્યુઅલ પૂરું પાડશે.

અપડેટેડ 01:09:51 PM Sep 27, 2026 પર
Story continues below Advertisement
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ કુલ 2300 કરોડ રૂપિયાનું માતબર રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડ (APCL) ના જોઈન્ટ વેન્ચર હેઠળ તૈયાર થશે.

Gujarat E-Methanol Plant: ભારત સરકારે મેરિટાઇમ ટ્રાન્સપોર્ટ સેક્ટરને કાર્બન મુક્ત કરવા માટે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કંડલામાં દેશના પહેલા બંદર આધારિત ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શરૂ થતાં જ ભારત દુનિયાભરના જહાજોને ગ્રીન ફ્યુઅલ સપ્લાય કરતો અગ્રણી દેશ બની જશે.

2300 કરોડનું જંગી રોકાણ

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ કુલ 2300 કરોડ રૂપિયાનું માતબર રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડ (APCL) ના જોઈન્ટ વેન્ચર હેઠળ તૈયાર થશે. આ ગ્રીન ફ્યુઅલ પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા દરરોજ 150 ટન ઈ-મિથેનોલ બનાવવાની રહેશે. એશિયા અને યુરોપના ટ્રેડ રૂટ પર ચાલતા આંતરરાષ્ટ્રીય જહાજોને આ પ્લાન્ટમાંથી સીધું સ્વચ્છ ઈંધણ પૂરું પાડવામાં આવશે.

બે તબક્કામાં બનશે પ્લાન્ટ

આ પ્રોજેક્ટને તબક્કાવાર રીતે (મોડ્યુલર ફોર્મમાં) વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેનું વિસ્તરણ સરળતાથી થઈ શકે:


પ્રથમ તબક્કો: પ્રોજેક્ટના પહેલા ફેઝમાં 1200 કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ ફેઝ જાન્યુઆરી 2027 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. આ તબક્કામાં રોજના 50 ટન ઉત્પાદનની ક્ષમતા ઊભી કરાશે.

બીજો તબક્કો: ત્યારબાદ બીજા ફેઝમાં 1100 કરોડ રૂપિયાના ખર્ચે રોજના 100 ટન વધારાના ઉત્પાદનની ક્ષમતા ઉમેરવામાં આવશે. આ કામ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

કેવી રીતે બનશે ઈ-મિથેનોલ?

આ 150 ટન ક્ષમતાવાળા અત્યાધુનિક પ્લાન્ટમાં રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા), પાણી અને જૈવિક સ્ત્રોતોમાંથી મળતા કાર્બન ડાયોક્સાઇડ (બાયોજેનિક CO2) નો ઉપયોગ કરીને ઈ-મિથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રક્રિયાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી.

શિલાન્યાસ અને આગેવાનોની હાજરી

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે શનિવારે ગુજરાતના ગાંધીનગરથી કંડલા ડીપીએ ખાતે આ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારત દુનિયાની પ્રમુખ દરિયાઈ શક્તિઓમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. હવે આપણો દેશ વૈશ્વિક જહાજોને હરિયાળી ઊર્જાથી દોડાવવા તરફ આગળ વધશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આસામના મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ ભારતના પેટ્રોલિયમ ક્ષેત્રમાં આસામની ઐતિહાસિક ભૂમિકા અને ગ્રીન એનર્જીમાં તેના વધતા યોગદાનને દર્શાવે છે. આસામ સરકારના જાહેર સાહસો હવે ઉભરતી ગ્રીન ઇકોનોમીમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપી રહ્યા છે.

આ પણ વાંચો - દેશની પહેલી LNG ટ્રેન ગુજરાતથી શરૂ: એક જ ટ્રેનથી થશે વાર્ષિક 24 લાખની બચત, જાણો તમામ ડિટેલ્સ

ગુજરાત અને આસામની ભાગીદારીથી બની રહેલો આ ઈ-મિથેનોલ પ્લાન્ટ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ ભારતની આર્થિક અને દરિયાઈ તાકાત વધારવામાં પણ એક માઇલસ્ટોન સાબિત થશે. જાન્યુઆરી 2027 થી આ પ્લાન્ટ ધમધમતો થતાં ભારત ગ્રીન ફ્યુઅલ નિકાસમાં નવો ઇતિહાસ રચશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 27, 2026 1:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.