Bank Open Sunday: રવિવારે બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે, RBIએ આપ્યો મોટો આદેશ
RBIએ 27 સપ્ટેમ્બર 2026, રવિવારે સરકારી બેંકો અને RRBsને સામાન્ય દિવસોની જેમ ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે. 28થી 30 સપ્ટેમ્બર સુધીની ત્રણ દિવસની બેંક હડતાળ અને 26 સપ્ટેમ્બરના ચોથા શનિવારને કારણે સતત પાંચ દિવસ બેંકિંગ સેવાઓ પ્રભાવિત ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. SBI, PNB, Bank of Baroda અને Canara Bank સહિતની સરકારી બેંકોમાં રવિવારે સામાન્ય કામકાજ ચાલુ રહેશે.
કાલે રવિવારે પણ ખુલ્લી રહેશે સરકારી બેંકો! RBIના આદેશ બાદ 27 સપ્ટેમ્બરે SBI, PNB, Bank of Baroda સહિતની બેંકોમાં સામાન્ય કામકાજ ચાલુ રહેશે.
Bank Open Sunday: જો તમારું બેંક સાથે જોડાયેલું કોઈ મહત્વનું કામ પેન્ડિંગ છે, તો કાલે એટલે કે 27 સપ્ટેમ્બર, રવિવારે પણ તમે બેંકની બ્રાન્ચ પર જઈને કામ પૂર્ણ કરી શકશો. નાણાં મંત્રાલયની ભલામણ બાદ RBIએ દેશની તમામ પ્રાઈવેટ સેક્ટરની બેંકો અને રિઝનલ રૂરલ બેન્ક્સ (RRBs)ને રવિવારે સામાન્ય દિવસોની જેમ ખુલ્લી રાખવાનો વિશેષ આદેશ આપ્યો છે.
સામાન્ય રીતે રવિવારે દેશભરની બેંકોમાં સાપ્તાહિક રજા હોય છે. જોકે, આ વખતે 28થી 30 સપ્ટેમ્બર સુધીની ત્રણ દિવસની બેંક હડતાળને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI અને સરકારે રવિવારે બેંક ખોલવાનો નિર્ણય કેમ લીધો?
બેંકિંગ યુનિયનો દ્વારા 28થી 30 સપ્ટેમ્બર, સોમવારથી બુધવાર સુધી ત્રણ દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બર મહિનાનો ચોથો શનિવાર અને 27 સપ્ટેમ્બર રવિવાર હોવાથી, હડતાળને કારણે બેંકો સતત 5 દિવસ સુધી બંધ રહેવાની સ્થિતિ સર્જાઈ શકતી હતી.
આટલા લાંબા સમય સુધી બેંકની બ્રાન્ચ બંધ રહેવાથી ગ્રાહકોને રોકડ ઉપાડવા, ચેક ક્લિયરિંગ, લોન સંબંધિત દસ્તાવેજો અને બિઝનેસ ટ્રાન્ઝેક્શન જેવા કામમાં મુશ્કેલી પડી શકે છે. આ સમસ્યાને ટાળવા માટે કેન્દ્ર સરકારની સૂચના બાદ RBIએ રવિવારે પણ બેંક ખોલવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બરે બેંકોની અર્ધવાર્ષિક ક્લોઝિંગ પણ છે. તેથી હડતાળ પહેલાં એક વધારાનો કાર્યદિવસ મળવાથી પેન્ડિંગ કામકાજ પૂર્ણ કરવામાં મદદ મળશે.
27 સપ્ટેમ્બરે કઈ બેંકો ખુલ્લી રહેશે?
RBIના સર્ક્યુલર અનુસાર, 27 સપ્ટેમ્બર, રવિવારે તમામ સરકારી બેંકો અને રિઝનલ રૂરલ બેન્ક્સ (RRBs)માં સામાન્ય કામકાજ ચાલુ રહેશે. આમાં SBI, PNB, Bank of Baroda અને Canara Bank સહિતની જાહેર ક્ષેત્રની બેંકોનો સમાવેશ થાય છે. બેંકની બ્રાન્ચ ઉપરાંત સંબંધિત એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ATM સંબંધિત શાખાઓ અને કરન્સી ચેસ્ટ પણ સામાન્ય કામકાજના સમય દરમિયાન કાર્યરત રહેશે.
પ્રાઈવેટ બેંકોનું શું?
HDFC Bank, ICICI Bank અને Axis Bank જેવી ખાનગી બેંકો આ હડતાળનો ભાગ નથી. તેથી રવિવારે તેમની બ્રાન્ચ માટે સામાન્ય સાપ્તાહિક રજાના નિયમો લાગુ થઈ શકે છે. જોકે, કેટલીક ખાનગી બેંકો ગ્રાહકોની સુવિધા માટે પોતાની બ્રાન્ચ ખોલવાનો અલગ નિર્ણય લઈ શકે છે.
બેંક કર્મચારીઓ કેમ કરી રહ્યા છે હડતાળ?
બેંકિંગ ક્ષેત્રના આશરે 90% કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા United Forum of Bank Unions (UFBU) દ્વારા ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં:
5-Day Banking: તમામ શનિવારે સત્તાવાર રજા જાહેર કરવાની માંગ.
પેન્શન સુધારણા: પેન્શનર્સ માટે એકસમાન મોંઘવારી ભથ્થું લાગુ કરવાની માંગ.
સરકાર અને બેંક મેનેજમેન્ટ દ્વારા યુનિયનોને હડતાળ પાછી ખેંચવા અથવા ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી સંપૂર્ણ સહમતિ ન બનતા 28થી 30 સપ્ટેમ્બર સુધીની હડતાળની શક્યતા યથાવત છે.