Bank Strike વચ્ચે ગ્રાહકોને રાહત! 3 દિવસની હડતાળ દરમિયાન સરકારી બેંકોના ATM રહેશે ચાલુ
28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સરકારી બેંકોની ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. SBI, PNB, Bank of Baroda સહિતની કેટલીક સરકારી બેંકોએ હડતાળ દરમિયાન ફ્રી લિમિટ પૂરી થયા બાદ પણ ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, ગ્રાહકોની સુવિધા માટે 27 સપ્ટેમ્બર, રવિવારે સરકારી બેંકોની શાખાઓ ખુલ્લી રહેશે. હડતાળ દરમિયાન UPI, મોબાઇલ અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકાશે.
Bank Strike વચ્ચે ગ્રાહકોને મોટી રાહત! 28થી 30 સપ્ટેમ્બર સુધી ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ, 27 સપ્ટેમ્બરે પણ સરકારી બેંકોની શાખાઓ ખુલ્લી રહેશે.
Bank Strike: દેશની સરકારી બેંકોમાં 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. 5-ડે બેંકિંગ અને જૂની પેન્શન સ્કીમ (OPS) સહિતની માંગણીઓને લઈને આ હડતાળ બોલાવવામાં આવી છે. હડતાળ દરમિયાન સામાન્ય ગ્રાહકોને રોકડ ઉપાડવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારી બેંકોએ મહત્વનો નિર્ણય લીધો છે.
28 થી 30 સપ્ટેમ્બર સુધી ATM ચાર્જ નહીં લાગે
SBI, PNB, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક સહિતની સરકારી બેંકોએ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય હેઠળ ગ્રાહકો દેશના કોઈપણ બેંકના ATMમાંથી કેટલીય વખત રોકડ ઉપાડી શકશે અને ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થયા બાદ પણ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.
સામાન્ય રીતે RBIના નિયમો અનુસાર પોતાના બેંકના ATMમાંથી મહિનામાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન, જ્યારે અન્ય બેંકના ATMમાંથી મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળે છે. જોકે, હડતાળના ત્રણ દિવસ દરમિયાન આ મર્યાદા લાગુ નહીં પડે.
બેંક ઓફ બરોડાએ X પર જણાવ્યું હતું કે 28થી 30 સપ્ટેમ્બર 2026 સુધી દેશભરમાં કોઈપણ બેંકના ATM પર ગ્રાહકો પાસેથી ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ લેવામાં આવશે નહીં.
27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રહેશે સરકારી બેંકોની શાખાઓ
હડતાળને ધ્યાનમાં રાખીને સરકારી બેંકોની શાખાઓ રવિવાર, 27 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી રાખવામાં આવશે. જેથી ગ્રાહકો હડતાળ શરૂ થાય તે પહેલાં પોતાના જરૂરી બેંકિંગ કામકાજ પૂર્ણ કરી શકે.
ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે
હડતાળ દરમિયાન ગ્રાહકોને ATM અને ADWM દ્વારા રોકડ ઉપાડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત YONO, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને UPI જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ પણ કરી શકાશે.
કઈ બેંકોની સેવાઓ પર અસર પડશે?
હડતાળમાં SBI, PNB, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનરા બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) સહિતની બેંકોની કામગીરી પ્રભાવિત થઈ શકે છે.
બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક જેવી નવી પેઢીની ખાનગી બેંકો હડતાળમાં સામેલ નથી. તેથી આ બેંકોનું સામાન્ય કામકાજ ચાલુ રહેવાની શક્યતા છે.
કેમ થઈ રહી છે બેંક હડતાળ?
યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સામેલ છે:
5-ડે વર્કિંગ વીક: તમામ શનિવારે બેંકમાં રજા જાહેર કરવાની માંગ.
જૂની પેન્શન યોજના (OPS): NPS હેઠળ આવતા કર્મચારીઓને OPSમાં જોડાવાનો વિકલ્પ આપવાની માંગ.
પેન્શન સુધારણા: પેન્શનર્સ માટે સમાન મોંઘવારી ભથ્થું ફોર્મ્યુલા અને પેન્શન રિવિઝનની માંગ.
દરમિયાન, કેન્દ્રીય નાણાં મંત્રાલયે બેંક કર્મચારીઓને હડતાળ ટાળવાની અપીલ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે યુનિયનની મોટાભાગની ચિંતાઓનું પહેલાથી જ નિરાકરણ કરવામાં આવ્યું છે અને બાકી મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.