નેશનલ સ્ટોક એક્સચેન્જના 30000 કરોડના મેગા આઈપીઓથી SBI ને સૌથી મોટો જેકપોટ લાગવા જઈ રહ્યો છે. બેંકનું 2 કરોડ રૂપિયાનું રોકાણ 5000 કરોડ રૂપિયા બની શકે છે.
ળતી માહિતી મુજબ, આ આઈપીઓમાં SBI પોતાના 2.475 કરોડ શેર્સ વેચવાની યોજના બનાવી રહી છે.
NSE IPO: ભારતીય શેરબજારના સૌથી મોટા અને બહુપ્રતિક્ષિત નેશનલ સ્ટોક એક્સચેન્જના આઈપીઓની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 17 જૂનના રોજ NSE એ સેબીસમક્ષ આઈપીઓ માટેના દસ્તાવેજો ફાઈલ કરી દીધા છે. આ મેગા આઈપીઓ આવવાથી અગાઉથી રોકાણ કરીને બેઠેલા અનેક રોકાણકારોની લોટરી લાગવા જઈ રહી છે, જેમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું નામ મોખરે છે.
SBIને થશે બમ્પર કમાણી
જો NSE ના આઈપીઓમાં એક શેરની કિંમત 2000 રૂપિયા આંકવામાં આવે, તો SBI નું માત્ર 1.98 કરોડ રૂપિયાનું રોકાણ સીધું 4950 કરોડ રૂપિયા બની જશે.
મળતી માહિતી મુજબ, આ આઈપીઓમાં SBI પોતાના 2.475 કરોડ શેર્સ વેચવાની યોજના બનાવી રહી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે દેશની સૌથી મોટી બેંકે આ શેર્સ સરેરાશ માત્ર 0.80 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. જો બેંક આ શેર્સ 2000 રૂપિયાના ભાવે વેચશે, તો તેને પોતાના જૂના રોકાણ પર લગભગ 4948 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો મળશે. રોકાણ કરતી વખતે ભાગ્યે જ કોઈએ આટલા જંગી રિટર્નનો અંદાજ લગાવ્યો હશે.
બેંક ઓફ બરોડા અને અન્ય સંસ્થાઓની પણ લોટરી
માત્ર SBI જ નહીં, અન્ય ઘણી મોટી સંસ્થાઓ પણ આ આઈપીઓ થકી અઢળક કમાણી કરવાની છે:
Bank of Baroda: આ બેંક પણ NSE માં 2197 કરોડ રૂપિયાના શેર્સ વેચી શકે છે. બેંક ઓફ બરોડાએ આ શેર્સ સરેરાશ 0.54 રૂપિયા પ્રતિ શેરના સાવ નજીવા ભાવે ખરીદ્યા હતા.
Stock Holding Corporation: આ કંપની પાસે 2178 કરોડ રૂપિયાના મૂલ્યના શેર્સ રહેલા છે. તેમણે પ્રતિ શેર 0.46 રૂપિયાના ભાવે માત્ર 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે હવે હજારો કરોડમાં ફેરવાઈ ગયું છે.
રાધાકિશન દામાણી અને મુનજાલ જેવા દિગ્ગજો પર થશે ધનવર્ષા
NSE ના શેરોમાં કોર્પોરેટ સંસ્થાઓ ઉપરાંત દેશના નામાંકિત ઉદ્યોગપતિઓએ પણ રોકાણ કરેલું છે. આ લિસ્ટમાં ડીમાર્ટના પ્રમોટર રાધાકિશન દામાણી, હીરો ગ્રુપના સ્થાપક સુનીલ કાંત મુનજાલ, ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એસ. ગોપાલકૃષ્ણન, ડીમાર્ટના પૂર્વ CEO ઇગ્નાટિયસ નવિલ નોરોન્હા અને દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાનો સમાવેશ થાય છે.
રાધાકિશન દામાણી NSE માં 1.58 ટકા હિસ્સો ધરાવે છે, જેની વેલ્યૂ અંદાજિત 7817 કરોડ રૂપિયા થાય છે. આ આઈપીઓ દ્વારા આ તમામ દિગ્ગજોને પણ જંગી નફો બુક કરવાની શાનદાર તક મળશે.
ભારતનો સૌથી મોટો આઈપીઓ
આશરે 30000 કરોડ રૂપિયાનો આ આઈપીઓ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ઈશ્યુ બની રહેશે. આ આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પદ્ધતિથી આવશે. આનો અર્થ એ છે કે આમાં કોઈ નવા શેર્સ બહાર પાડવામાં આવશે નહીં, પરંતુ માત્ર વર્તમાન શેરહોલ્ડર્સ જ કંપનીમાં રહેલો પોતાનો અમુક હિસ્સો વેચશે. બજારના રોકાણકારો આ ઐતિહાસિક લિસ્ટિંગની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.