NSE IPO: 30,000 કરોડના મેગા ઈશ્યૂ પહેલાં SBIની મોટી જાહેરાત, માર્કેટમાં વેચશે પોતાનો હિસ્સો
નેશનલ સ્ટોક એક્સચેન્જના 30,000 કરોડના આગામી IPO માં દેશની સૌથી મોટી બેંક SBI અને SBI Caps પોતાનો 1% હિસ્સો વેચવા જઈ રહી છે. જાણો અધ્યક્ષ સી એસ શેટ્ટીની આ મોટી જાહેરાતની સંપૂર્ણ વિગત.
સમગ્ર દેશના હોમ લોન માર્કેટમાં એકલા SBI નો હિસ્સો લગભગ 28% જેટલો છે. ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં બેંકના 460 થી વધુ હોમ લોન પ્રોસેસિંગ સેન્ટર કાર્યરત છે, જેનાથી લોન લેવાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે.
NSE IPO: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને તેની સબસિડિયરી કંપની એસબીઆઈ કેપિટલ માર્કેટ્સએ શેરબજારના રોકાણકારો માટે એક મોટી જાહેરાત કરી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આવનારા 30,000 કરોડના પ્રસ્તાવિત મેગા IPO માં SBI ગ્રુપ પોતાનો હિસ્સો વેચવા જઈ રહ્યું છે.
આ વાતની સત્તાવાર પુષ્ટિ SBI ના ચેરમેન સી એસ શેટ્ટીએ જાતે કરી છે. આ સાથે જ તેમણે બેંકના હોમ લોન પોર્ટફોલિયો અને તાજેતરમાં આવેલા એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના IPO અંગે પણ ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
NSE ના IPO માં SBI કેટલો હિસ્સો વેચશે?
એસબીઆઈ ચેરમેન સી એસ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બેંક અને તેની સહયોગી કંપની મળીને ઓફર ફોર સેલ દ્વારા NSE ના IPO માં પોતાનો હિસ્સો વેચશે. આ ડીલ અંતર્ગત SBI મુખ્યત્વે પોતાનો 0.65% હિસ્સો વેચશે. જ્યારે SBI કેપિટલ માર્કેટ્સ પોતાનો 0.35% હિસ્સો વેચશે. આ રીતે બંને કંપનીઓ મળીને NSE માં કુલ 1% હિસ્સો વેચીને રોકડી કરશે. જોકે, અન્ય શેરધારકોના જોડાવાના આધારે આ આંકડો થોડો ઘટી પણ શકે છે. હાલની સ્થિતિએ જોઈએ તો, NSE માં SBI નો 3.23% અને SBI કેપિટલ માર્કેટ્સનો 4.33% હિસ્સો છે. ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતું બેંકની અન્ય કોઈ સબસિડિયરી કંપનીનો IPO લાવવાની કે મોનેટાઈઝેશન કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી.
SBI મ્યુચ્યુઅલ ફંડનો IPO રહ્યો હતો સુપરહિટ
તાજેતરમાં જ SBI એ તેના વિદેશી પાર્ટનર 'અમુન્ડી' સાથે મળીને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 10% હિસ્સો વેચ્યો હતો. 9,800 કરોડનો આ પબ્લિક ઈશ્યૂ રોકાણકારોમાં જબરદસ્ત હિટ રહ્યો હતો અને તેને 42 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. લિસ્ટિંગ બાદ SBI નો હિસ્સો 61.76% થી ઘટીને 55.46% થઈ ગયો હતો, જ્યારે અમુન્ડીનો હિસ્સો 3.7% ઘટીને 32.56% પર આવી ગયો હતો.
હોમ લોન સેગમેન્ટમાં નવો રેકોર્ડ બનવાની તૈયારી
હાઉસિંગ ફાઇનાન્સ એટલે કે હોમ લોન સેગમેન્ટમાં SBI નો દબદબો આજે પણ કાયમ છે. બેંક ટૂંક સમયમાં એક નવો મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ચાલુ ક્વાર્ટરમાં SBI નો હોમ લોન પોર્ટફોલિયો 10 લાખ કરોડના ઐતિહાસિક આંકડાને પાર કરી જશે. ગયા નાણાકીય વર્ષમાં બેંકે 9 લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો.
સમગ્ર દેશના હોમ લોન માર્કેટમાં એકલા SBI નો હિસ્સો લગભગ 28% જેટલો છે. ગ્રાહકોની સુવિધા માટે દેશભરમાં બેંકના 460 થી વધુ હોમ લોન પ્રોસેસિંગ સેન્ટર કાર્યરત છે, જેનાથી લોન લેવાની પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે.
ગ્રાહકોનો પહેલો ભરોસો કેમ છે SBI?
ચેરમેન સી એસ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો SBI પાસેથી હોમ લોન લેવાનું સૌથી વધુ પસંદ કરે છે કારણ કે અહીં પેપરવર્કમાં સંપૂર્ણ પારદર્શિતા હોય છે, બિલ્ડરોનું યોગ્ય વેરિફિકેશન થાય છે અને સૌથી મોટી વાત બેંકનો અતૂટ ભરોસો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હોમ લોનને માત્ર એક બેંકિંગ પ્રોડક્ટ તરીકે ન જોવી જોઈએ. દેશના 200 થી વધુ નાના-મોટા ઉદ્યોગો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા છે. આથી, હોમ લોન એ ભારતની આર્થિક પ્રગતિનો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને અભિન્ન હિસ્સો છે.