PhonePe IPO: રોકાણકારો માટે મોટા સમાચાર! ફોનપે લાવશે 12,000 કરોડનો IPO, સેબીની મળી મંજૂરી
PhonePe IPO: વોલમાર્ટ સમર્થિત PhonePe ને IPO લાવવા માટે સેબીની લીલી ઝંડી મળી ગઈ છે. કંપની 12,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. જાણો આ મેગા આઈપીઓ વિશેની તમામ વિગતો અને કંપનીની કમાણીના આંકડા.
PhonePe IPO: વોલમાર્ટ સમર્થિત PhonePe ને IPO લાવવા માટે સેબીની લીલી ઝંડી મળી ગઈ છે.
PhonePe IPO: ભારતીય શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની દિગ્ગજ ફિનટેક કંપની અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe (ફોનપે) હવે ટૂંક સમયમાં પોતાનો આઈપીઓ (IPO) લાવવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીને ભારતીય શેરબજારમાં લિસ્ટ થવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે.
અમેરિકાની જાયન્ટ કંપની વોલમાર્ટનું જેમાં રોકાણ છે, તેવી ફોનપે કંપની હવે જલ્દી જ પોતાના આઈપીઓ સંબંધિત દસ્તાવેજો (UDHRP) ફાઇલ કરશે. આ મંજૂરી મળ્યા બાદ હવે દેશની સૌથી લોકપ્રિય ફિનટેક કંપની માટે શેરબજારમાં પ્રવેશવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
12,000 કરોડ રૂપિયાનો જંગી આઈપીઓ
રિપોર્ટ્સનું માનીએ તો, ફોનપે આ આઈપીઓ દ્વારા બજારમાંથી આશરે 12,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. જો આ આઈપીઓ સફળ રહ્યો તો, ફિનટેક સેક્ટરમાં પેટીએમ (Paytm) પછી આ દેશનો બીજો સૌથી મોટો આઈપીઓ ગણાશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વર્ષ 2021માં પેટીએમ 18,000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવ્યું હતું.
IPOનું સ્ટ્રક્ચર કેવું હશે?
આ આઈપીઓમાં સૌથી મહત્વની વાત એ છે કે આ સંપૂર્ણ રીતે 'ઓફર ફોર સેલ' (OFS) પર આધારિત હશે. સરળ ભાષામાં કહીએ તો, કંપની આ આઈપીઓ દ્વારા કોઈ નવા શેર બહાર પાડશે નહીં અને કોઈ નવી મૂડી એકઠી કરશે નહીં. તેના બદલે, કંપનીના હાલના પ્રમોટર્સ અને રોકાણકારો પોતાના હિસ્સાના શેર વેચશે. એટલે કે, આઈપીઓનું ભંડોળ કંપનીના ખાતામાં જવાને બદલે શેર વેચનારા શેરધારકોને મળશે.
UPI માર્કેટમાં ફોનપેનો દબદબો
ભારતમાં યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શનની વાત આવે ત્યારે ફોનપેનું નામ સૌથી ઉપર આવે છે. આંકડાઓ પર નજર કરીએ તો ભારતના ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં ફોનપે 45% થી વધુ હિસ્સેદારી ધરાવે છે. NPCIના ડેટા મુજબ, ડિસેમ્બર 2025માં કંપની દ્વારા 9.8 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. સરેરાશ દર મહિને ફોનપે પર 10 અબજ ટ્રાન્ઝેક્શન થાય છે. આ પ્લેટફોર્મ દ્વારા દર મહિને લગભગ 12 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થાય છે.
કંપનીની આવક અને ભવિષ્ય
નાણાકીય સ્થિતિની વાત કરીએ તો, ફોનપેએ નાણાકીય વર્ષ 2024-25માં જબરદસ્ત પ્રદર્શન કરતા 7115 કરોડ રૂપિયાનું રેવન્યુ (આવક) મેળવ્યું હતું. જોકે કંપનીએ બિઝનેસમાં ઘણી વિવિધતા લાવી છે, તેમ છતાં તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ડિજિટલ પેમેન્ટ જ છે. કંપનીના કુલ રેવન્યુમાંથી 90% થી વધુ હિસ્સો પેમેન્ટ બિઝનેસમાંથી જ આવે છે.
શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે, ફોનપેનું લિસ્ટિંગ ભારતીય ડિજિટલ પેમેન્ટ સેક્ટર માટે એક ઉદાહરણ પૂરું પાડશે અને અન્ય ફિનટેક કંપનીઓ માટે પણ પબ્લિક ઈશ્યુ લાવવાનો માર્ગ સરળ બનાવશે.