સ્પિનીનો આઈપીઓ એવા સમયે આવી રહ્યો છે જ્યારે કંપનીનું ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે.
Spinny IPO details in Gujarati: શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકો માટે એક મોટા સમાચાર છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે, તે જૂની કારની ખરીદ-વેચાણ કરતી કંપની ‘સ્પિની' હવે પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપની સતત નફો કરી રહી છે અને પોતાનો ઘાટો ઘટાડી રહી છે, ત્યારે આ IPO રોકાણકારો માટે એક મોટી તક બની શકે છે.
IPOને લગતી મહત્વની વિગતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્પિનીએ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે IPO લાવવા માટે ડ્રાફ્ટ (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઈલ કરી દીધો છે. આ IPO ની સાઈઝ આશરે 2500 થી 3000 કરોડ સુધીની હોઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં જ સ્પિનીની પેરેન્ટ કંપની 'વેલ્યુડ્રાઈવ ટેક' પ્રાઈવેટ લિમિટેડમાંથી પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવાઈ છે. આ ઈશ્યૂમાં નવા શેર પણ બહાર પાડવામાં આવશે અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા પોતાના શેર પણ વેચી શકશે. જોકે, લિસ્ટિંગની ફાઈનલ તારીખ SEBI ની મંજૂરી પર નિર્ભર રહેશે, પરંતુ કંપનીનું લક્ષ્ય 2027 માં શેરબજારમાં લિસ્ટ થવાનું છે. આ મેગા ઈશ્યૂને સફળ બનાવવા માટે કંપનીએ Kotak Mahindra Capital, Citigroup Global Markets, Morgan Stanley India અને 360 ONE WAM ને બુક રનિંગ લીડ મેનેજર તરીકે જવાબદારી સોંપી છે.
કેવી છે સ્પિનીની આર્થિક સ્થિતિ?
સ્પિનીનો આઈપીઓ એવા સમયે આવી રહ્યો છે જ્યારે કંપનીનું ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2024 (FY24) માં કંપનીનો રેવેન્યુ 3730 કરોડ હતો. નાણાકીય વર્ષ 2025 (FY25) માં તે 25% ના ઉછાળા સાથે 4657 કરોડ પર પહોંચી ગયો છે. આર્થિક નિષ્ણાતોના મતે, FY26 માં કંપનીનો રેવેન્યુ 6000 કરોડ સુધી પહોંચી શકે છે અને FY27 માં તેમાં વધુ 25 થી 30% નો વધારો જોવા મળી શકે છે.
બિઝનેસ મોડલ અને માર્કેટમાં પકડ
સ્પિનીની શરૂઆત વર્ષ 2015 માં નીરજ સિંહ (CEO), મોહિત ગુપ્તા અને રમંશુ કુમારે મળીને કરી હતી. આજે આ કંપની માત્ર સેકન્ડ હેન્ડ કાર જ નથી વેચતી, પણ ફાઈનાન્સિંગ, ઈન્સ્યોરન્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસ પણ પૂરી પાડે છે. કંપનીએ પોતાનો બિઝનેસ વધારવા માટે Trubil, GoMechanic અને AutoCar India જેવી બ્રાન્ડ્સનું અધિગ્રહણ (Acquisition) કર્યું છે. અત્યારે કંપની 25 શહેરોમાં એક્ટિવ છે અને દર મહિને આશરે 15,000 કાર વેચી રહી છે. આ ઉપરાંત દેશના 100 થી વધુ શહેરોના સેલર્સને કંપનીના પ્લેટફોર્મનો લાભ મળે છે.
મોટા દિગ્ગજોનું છે રોકાણ
અત્યાર સુધીમાં સ્પિનીએ આશરે $78 કરોડનું ફંડિંગ મેળવ્યું છે. કંપનીમાં ટાઈગર ગ્લોબલ અને એક્સેલ સૌથી મોટા શેરહોલ્ડર છે. વર્ષ 2021માં આ કંપની $180 કરોડના વેલ્યુએશન સાથે 'યુનિકોર્ન' બની હતી. સચિન તેંડુલકરે પણ વર્ષ 2021 માં આ કંપનીમાં એક સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર તરીકે પૈસા લગાવ્યા હતા અને તેઓ આ બ્રાન્ડના એમ્બેસેડર પણ છે. આ ઉપરાંત અબુ ધાબીના ADQ, એવેનિર ગ્રોથ, એલિવેશન કેપિટલ અને વેસ્ટબ્રિજ કેપિટલ જેવા મોટા ફંડોએ પણ આમાં રોકાણ કરેલું છે.
ઓટોમોબાઈલ સેક્ટરમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. સ્પિનીની મજબૂત આર્થિક સ્થિતિ અને દિગ્ગજ રોકાણકારોનો સાથ જોતા, આ આવનારો IPO શેરબજારમાં ધૂમ મચાવી શકે તેમ છે. રોકાણકારોએ SEBI ની મંજૂરી અને આગામી અપડેટ્સ પર નજર રાખવી જોઈએ.