કાલે ખુલી રહ્યો છે દેશનો સૌથી મોટો NSE IPO! પૈસા લગાવતા પહેલા દરેક રિટેલ રોકાણકારે આ 5 વાતો જાણવી જ જોઈએ
NSE IPO: 17 સપ્ટેમ્બરથી દેશના સૌથી મોટા એક્સચેન્જ NSE નો મેગા IPO ખુલી રહ્યો છે. જેની પ્રાઈસ બેન્ડ 1700 થી 1785 છે. રોકાણ કરતા પહેલા આ 5 મહત્વની બાબતો ખાસ જાણો.
માર્કેટ શેરની વાત કરીએ તો NSE નો બિઝનેસ અને પકડ બંને ખૂબ જ મજબૂત છે. નાણાકીય વર્ષ 2026 માં કેશ માર્કેટમાં તેનો હિસ્સો 92.99% રહ્યો હતો. ઇક્વિટી ફ્યુચરમાં તો 99.79% સાથે તેની એકહથ્થુ સત્તા છે, જ્યારે ઇક્વિટી ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવરમાં તે 74.71% નો માર્કેટ શેર ધરાવે છે.
NSE IPO: શેરબજારના રોકાણકારો જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી આખરે આવી ગઈ છે. દેશના સૌથી મોટા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો મેગા આઈપીઓ (IPO) આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ સામાન્ય રિટેલ રોકાણકારો માટે ખુલી રહ્યો છે. જો તમે પણ આ શાનદાર IPO માં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો ઉતાવળ ન કરતા. કોઈપણ જગ્યાએ દાવ લગાવતા પહેલા તેની પ્રાઇસ બેન્ડ, એલોટમેન્ટ, લિસ્ટિંગ અને તેમાં રહેલા જોખમોનું ગણિત સમજી લેવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ NSE આઈપીઓ વિશેની 5 સૌથી અગત્યની વાતો, જે દરેક રોકાણકારે જાણવી જોઈએ.
1. NSE IPO ની મહત્વની તારીખો અને વિગતો
ખુલવા-બંધ થવાની તારીખ: આ IPO 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 21 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે.
એલોટમેન્ટ અને લિસ્ટિંગ: શેરની ફાળવણી 22 સપ્ટેમ્બરે થશે અને 24 સપ્ટેમ્બરે માર્કેટમાં લિસ્ટિંગ થશે.
પ્રાઇસ બેન્ડ: કંપનીએ 1 શેરની કિંમત 1700થી 1785 નક્કી કરી છે.
લોટ સાઈઝ અને ન્યૂનતમ રોકાણ: એક લોટમાં 8 શેર હશે. જો તમે અપર પ્રાઇસ બેન્ડ (1785) મુજબ અરજી કરો છો, તો રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 14280 નું રોકાણ કરવું પડશે.
ઓફર ફોર સેલ (OFS): આ સંપૂર્ણ IPO ઓફર ફોર સેલ છે. તેનો સીધો અર્થ એ છે કે જૂના શેરધારકો પોતાના શેર વેચી રહ્યા છે. આ IPO માંથી મળનારા પૈસા સીધા NSE કંપની પાસે નહીં જાય.
2. બજારમાં NSE નો દબદબો અને જંગી નફો
માર્કેટ શેરની વાત કરીએ તો NSE નો બિઝનેસ અને પકડ બંને ખૂબ જ મજબૂત છે. નાણાકીય વર્ષ 2026 માં કેશ માર્કેટમાં તેનો હિસ્સો 92.99% રહ્યો હતો. ઇક્વિટી ફ્યુચરમાં તો 99.79% સાથે તેની એકહથ્થુ સત્તા છે, જ્યારે ઇક્વિટી ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવરમાં તે 74.71% નો માર્કેટ શેર ધરાવે છે.
નાણાકીય પ્રદર્શન પર નજર કરીએ તો, જૂન 2026 ના ક્વાર્ટરમાં NSE ની આવક 4032 કરોડથી વધીને 4560 કરોડ થઈ ગઈ છે. જ્યારે તેનો ચોખ્ખો નફો (Net Profit) ગત વર્ષના 2811 કરોડથી વધીને 3121 કરોડ નોંધાયો છે.
3. રિટેલ રોકાણકારો કઈ રીતે અરજી કરી શકશે?
સામાન્ય રિટેલ રોકાણકારો પોતાના ડીમેટ એકાઉન્ટ મારફતે સ્ટાન્ડર્ડ ASBA અથવા તો UPI પ્રોસેસનો ઉપયોગ કરીને આ IPO માં બોલી લગાવી શકે છે. જોકે, એ વાત ધ્યાનમાં રાખવી કે આ ઇશ્યૂમાં ભારે પડાપડી (Oversubscribe) થવાની પૂરી શક્યતા છે. જો આમ થશે, તો લોટરી સિસ્ટમથી શેર મળશે અને એવું પણ બની શકે કે તમને શેર ન પણ મળે. જે રોકાણકારોને એલોટમેન્ટ નહીં મળે, તેઓ લિસ્ટિંગના દિવસે સેકન્ડરી માર્કેટમાંથી NSE ના શેર ખરીદી શકશે.
4. પોતાના જ એક્સચેન્જ પર નહીં થાય લિસ્ટિંગ!
આ એક ખૂબ જ રસપ્રદ નિયમ છે. સેબીના નિયમો અનુસાર, કોઈપણ સ્ટોક એક્સચેન્જ પોતાના જ પ્લેટફોર્મ પર પોતાના શેર લિસ્ટ કરાવી શકે નહીં. નવી દિલ્હીમાં યોજાયેલા IPO લૉન્ચ ઇવેન્ટમાં NSE ના MD અને CEO આશિષ કુમાર ચૌહાણે આ વાતની પુષ્ટિ કરી છે કે NSE ના શેર માત્ર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર જ લિસ્ટ થશે.
5. રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ
સ્ટોકિફાય ના ફાઉન્ડર અને CEO પિયુષ ઝુનઝુનવાલા રોકાણકારોને ચેતવણી આપતા કહે છે કે, લોકોએ માત્ર શરૂઆતના ‘લિસ્ટિંગ ગેઇન' એટલે કે પહેલા જ દિવસે થતો નફોની લાલચમાં પૈસા ન લગાવવા જોઈએ. માત્ર કંપનીનો મજબૂત માર્કેટ શેર જોઈને જ કૂદી ન પડો. કંપનીનું વેલ્યુએશન, હાલનો રેગ્યુલેટરી માહોલ અને તમારી પોતાની રિસ્ક લેવાની ક્ષમતા જોઈને લાંબા ગાળા માટે રોકાણનો નિર્ણય લેવો જોઈએ.
કોઈ શંકા નથી કે NSE દેશનું નંબર-1 એક્સચેન્જ છે અને તેના નાણાકીય આંકડાઓ ખૂબ જ આકર્ષક છે. OFS હોવાને કારણે કંપનીમાં નવી મૂડી નથી આવી રહી, પરંતુ જો તમને લિસ્ટિંગ ગેઇન ન પણ મળે તો પણ લાંબા ગાળાના પોર્ટફોલિયો માટે આ એક અત્યંત મજબૂત શેર સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં પૂરી પાડવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે જ છે. શેરબજારમાં કરવામાં આવતું રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. એક રોકાણકાર તરીકે કોઈપણ જગ્યાએ પોતાની મૂડી લગાવતા પહેલા તમારા સર્ટિફાઇડ આર્થિક સલાહકારની મદદ ચોક્કસ લો.)