આ ધમકીભર્યા ઈમેલમાં અમદાવાદની જાણીતી 10 સ્કૂલોના નામ લખવામાં આવ્યા છે.
Ahmedabad bomb threat: અમદાવાદ શહેરમાંથી આજે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક ધમકીભર્યા ઈમેલે આખા શહેરના તંત્રને દોડતું કરી દીધું છે. અમદાવાદની 10 જેટલી નામાંકિત સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પ્રખ્યાત પંજાબી સિંગર દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી દીધી છે.
કઈ કઈ સ્કૂલોને બનાવવામાં આવી નિશાન?
આ ધમકીભર્યા ઈમેલમાં અમદાવાદની જાણીતી 10 સ્કૂલોના નામ લખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નીચેની સ્કૂલોનો સમાવેશ થાય છે:
* વેજલપુર વિસ્તારની ઝાયડસ સ્કૂલ
* સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન
* છારોડી સ્થિત એસજીવીપી (SGVP) સ્કૂલ
* સંત કબીર સ્કૂલ
* ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા સ્કૂલ
જેવી આ બોમ્બ ધમકીની જાણ થઈ, ઝાયડસ સ્કૂલે તાત્કાલિક ધોરણે વાલીઓને મેસેજ કરીને જાણ કરી દીધી અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી. આ જોઈને અન્ય સ્કૂલોએ પણ વાલીઓને બોલાવીને બાળકોને ઘરે લઈ જવા કહી દીધું હતું. આ મામલે DEO (જિલ્લા શિક્ષણાધિકારી) દ્વારા પણ તમામ સ્કૂલોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, કોઈપણ જાતનો પેનિક ફેલાયા વિના વિદ્યાર્થીઓને શાંતિથી ઘરે રવાના કરવા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તુરંત જાણ કરવી.
દિલજીત દોસાંઝનો કોન્સર્ટ અને મોદી સ્ટેડિયમ પણ ટાર્ગેટ પર
આ ધમકી માત્ર સ્કૂલો પૂરતી સીમિત નથી. ઈમેલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગાયક દિલજીત દોસાંઝના આગામી કોન્સર્ટ અને સ્ટેડિયમમાં પણ બ્લાસ્ટ કરવામાં આવશે. જેમાં બે તારીખો ખાસ જણાવવામાં આવી છે:
* 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્લાસ્ટની ધમકી.
કોણે મોકલ્યો છે આ ધમકીભર્યો ઈમેલ?
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકી એક ખાલિસ્તાની સંગઠન 'ખાલિસ્તાન નેશનલ આર્મી - બબ્બર ખાલસા (પરમાર-કેનેડા)' ના નામે આપવામાં આવી છે. આ મેઈલના અંતમાં કેટલાક લોકોના નામ પણ સભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે આ મુજબ છે:
* એન્જિનિયર ગુરનખ સિંહ (રુકાન શાહવાલા)
* ડૉ. ગુરનિરવૈર સિંહ (ખાન રાજદા)
* પ્રોફેસર ગુરકાળ સિંહ, પી.એચ.ડી. (ખેમ કરણ)
* પ્રોફેસર ગુરંગાર સિંહ (જંડિયાલા ગુરુ)
અત્રે નોંધનીય છે કે, આ કોઈ પહેલી વાર નથી જ્યારે અમદાવાદમાં આવી ધમકી મળી હોય. અગાઉ પણ અનેક સ્કૂલો અને ખુદ ગુજરાત હાઈકોર્ટ સહિતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળી ચૂક્યા છે. હાલમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને સુરક્ષા એજન્સીઓ આ ઈમેલ કયા IP એડ્રેસ પરથી આવ્યો છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.