Ahmedabad Cycle Friendly City: સાયકલ ટ્રેક વિના પણ વિશ્વના 100 સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદ સામેલ
Ahmedabad Cycle Friendly City: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે કે 2025ના કોપનહેગનાઈઝ ઈન્ડેક્સમાં અમદાવાદનો વિશ્વના 100 સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ થયો છે. જોકે, શહેરમાં સાયકલ ટ્રેકનો અભાવ હોવાથી આ જાહેરાત શહેરીજનો અને ખુદ સ્થાનિક પદાધિકારીઓ માટે ચર્ચાનો વિષય બની છે. આ રિપોર્ટ કયા માપદંડો પર આધારિત છે તે અંગે જાણો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે કે 2025ના કોપનહેગનાઈઝ ઈન્ડેક્સમાં અમદાવાદનો વિશ્વના 100 સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ થયો છે.
Ahmedabad Cycle Friendly City: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં એક મોટો દાવો કર્યો છે કે, વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરોનો સર્વે કરતા કોપનહેગનાઈઝ ઈન્ડેક્સના 2025ના રિપોર્ટમાં અમદાવાદને વિશ્વના 100 શહેરોમાં સ્થાન મળ્યું છે. આ જાહેરાત શહેરીજનોમાં ભારે ચર્ચાનો વિષય બની છે, કારણ કે શહેરમાં મોટાભાગના સાયકલ ટ્રેક કાં તો અસ્તિત્વમાં નથી અથવા અવ્યવહારુ સ્થિતિમાં છે. આવી પરિસ્થિતિમાં અમદાવાદને 'સાયકલ ફ્રેન્ડલી' શહેર તરીકે કેવી રીતે જાહેર કરી શકાય તેવો પ્રશ્ન સામાન્ય નાગરિકોથી માંડીને મ્યુનિસિપલ ભાજપના પદાધિકારીઓ પણ પૂછી રહ્યા છે.
ત્રણ મુખ્ય આધારસ્તંભો પર મૂલ્યાંકન
આ રિપોર્ટમાં શહેરોનું મૂલ્યાંકન ત્રણ મુખ્ય આધારસ્તંભો પર કરવામાં આવ્યું હતું:
1) સેફ એન્ડ કનેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
2) યુસેજ એન્ડ રીચ
3) પોલીસી અને સપોર્ટ
આ ત્રણ મુખ્ય પાસાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વધુમાં, સુરક્ષિત સાયકલ ટ્રેક, બાઈક પાર્કિંગની સુવિધાઓ, દૈનિક સાયકલ ટ્રિપ્સનું પ્રમાણ અને મહિલાઓનું સાયકલિંગમાં યોગદાન જેવા કુલ 13 અલગ અલગ પેરામીટર્સને પણ આ મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
અમદાવાદ ખરેખર સાયકલ વહન માટે અનુકૂળ?
અમદાવાદનો સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં સમાવેશ થયો હોવાની જાહેરાતથી ખુદ મ્યુનિ. ભાજપના પદાધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમનું કહેવું છે કે, શહેરમાં સ્પષ્ટપણે સાયકલ ટ્રેકનો અભાવ જોવા મળે છે, ત્યારે આ પ્રકારની જાહેરાત કયા આધારે કરવામાં આવી હશે તે એક મોટો પ્રશ્ન છે. આ જાહેરાતથી શહેરીજનોમાં એક વ્યાપક ચર્ચા ચાલી રહી છે કે વાસ્તવિકતા અને દાવા વચ્ચે આટલો મોટો વિરોધાભાસ શા માટે છે, અને જો અમદાવાદ ખરેખર સાયકલ વહન માટે અનુકૂળ બની રહ્યું હોય, તો તે સાબિત કરતા નક્કર સુધારા જમીન સ્તરે શા માટે નથી દેખાતા.