શક્તિપીઠ અંબાજીના મોહનથાળ પ્રસાદને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ, હવે તિરુપતિ લાડુની જેમ મળશે વૈશ્વિક ઓળખ | Moneycontrol Gujarati
Get App

શક્તિપીઠ અંબાજીના મોહનથાળ પ્રસાદને મળ્યો પ્રતિષ્ઠિત GI ટેગ, હવે તિરુપતિ લાડુની જેમ મળશે વૈશ્વિક ઓળખ

Ambaji Mohanthal GI Tag: માઈભક્તો માટે મોટા સમાચાર! અંબાજી મંદિરના પ્રખ્યાત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય રજિસ્ટ્રી દ્વારા સત્તાવાર GI ટેગ અપાયો છે. હવે આ પ્રસાદ તિરુપતિ લાડુની હરોળમાં સામેલ થયો છે. જાણો ક્યારે અપાશે સર્ટિફિકેટ.

અપડેટેડ 10:45:19 AM Oct 09, 2026 પર
Story continues below Advertisement
આ મોટી સિદ્ધિની ઉજવણી કરવા અને સત્તાવાર સર્ટિફિકેટ મેળવવા માટે અંબાજી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Ambaji Mohanthal GI Tag: માઈભક્તો અને સમગ્ર ગુજરાત માટે એક અત્યંત ગૌરવ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પારંપરિક ‘મોહનથાળ’ પ્રસાદને હવે સત્તાવાર રીતે ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ સાથે જ અંબાજી માતાનો આ પવિત્ર પ્રસાદ દેશના સૌથી વિશિષ્ટ અને સુરક્ષિત પ્રસાદોની યાદીમાં ગૌરવભેર સામેલ થઈ ગયો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની મહેનત રંગ લાવી

માતાજીના પ્રસાદની શુદ્ધતા અને ઓળખ જાળવી રાખવા માટે અંબાજી મંદિરનું સંચાલન કરતા ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ' દ્વારા ખાસ અરજી કરવામાં આવી હતી. આ અરજીને માન્ય રાખીને કેન્દ્રીય GI રજિસ્ટ્રી દ્વારા ખાદ્ય પદાર્થોની ક્લાસ 30 (Class-30) શ્રેણી હેઠળ આ મહત્વનો ટેગ એનાયત કરવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અને દસ્તાવેજો અનુસાર, 1 ઓક્ટોબર 2026 ના રોજ આ અંગેનું સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે.

તિરુપતિ લાડુની હરોળમાં મળ્યું સ્થાન

તમને જણાવી દઈએ કે, આ ઐતિહાસિક સન્માન મળ્યા બાદ અંબાજીનો મોહનથાળ હવે દક્ષિણ ભારતના પ્રખ્યાત 'તિરુપતિ લાડુ' અને 'પલાની પંચામૃતમ' જેવા દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોની હરોળમાં ગણાશે.


નવરાત્રિના પ્રથમ દિવસે યોજાશે ખાસ સમારોહ

આ મોટી સિદ્ધિની ઉજવણી કરવા અને સત્તાવાર સર્ટિફિકેટ મેળવવા માટે અંબાજી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે:

* તારીખ અને દિવસ: 11 ઓક્ટોબર (નવરાત્રિનું પ્રથમ નોરતું)

* સમય: સવારે 10 થી 11 વાગ્યા સુધી

* મુખ્ય મહેમાન: આ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તેમજ જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ખાસ ઉપસ્થિત રહેશે અને ટ્રસ્ટને સત્તાવાર રીતે GI સર્ટિફિકેટ અર્પણ કરશે.

GI ટેગ મળવાથી શું ફાયદો થશે?

આ પ્રતિષ્ઠિત ટેગ મળ્યા પછી હવે પ્રસાદને કાનૂની સંરક્ષણ મળી ગયું છે. એટલે કે, હવે કોઈ પણ અન્ય વ્યક્તિ કે સંસ્થા ‘અંબાજી મોહનથાળ'ના નામનો અનધિકૃત ઉપયોગ કરી શકશે નહીં કે તેની ડુપ્લિકેટ નકલ બનાવી શકશે નહીં. આ પગલાંથી ભક્તોને મળતા પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને તેની વર્ષો જૂની પરંપરાગત ઓળખ કાયમ માટે જળવાઈ રહેશે.

આ પણ વાંચો - Gandhinagar Metro derailment: ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જાણો મુસાફરોનું શું થયું?

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2026 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.