અમેરિકાનું મોટું એક્શન! 1 લાખથી વધુ વિઝા રદ, શું ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોની મુશ્કેલી વધશે? જાણો સંપૂર્ણ વિગત
US Visa Cancellation: અમેરિકાએ કડક વલણ અપનાવતા 1 વર્ષમાં રેકોર્ડબ્રેક 1 લાખથી વધુ વિઝા રદ કર્યા છે. ડ્રંક એન્ડ ડ્રાઈવ અને ઓવરસ્ટે જેવા કારણોસર ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર જોખમ વધ્યું છે. જાણો શું છે નવા નિયમો.
US Visa Cancellation: અમેરિકાએ કડક વલણ અપનાવતા 1 વર્ષમાં રેકોર્ડબ્રેક 1 લાખથી વધુ વિઝા રદ કર્યા છે.
US Visa Cancellation: અમેરિકા જવા ઈચ્છતા અથવા ત્યાં રહેતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ પોતાની વિઝા પોલીસીમાં મોટો ફેરફાર કરીને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ વિભાગ (US State Department)ના આંકડા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફર્યા બાદ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. આ આંકડો એક રેકોર્ડ સમાન છે.
આ નિર્ણયની સીધી અસર માત્ર સામાન્ય પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ ત્યાં ભણતા વિદ્યાર્થીઓ અને નોકરી કરતા પ્રોફેશનલ્સ પર પણ પડી છે. ખાસ કરીને H-1B, L-1B અને O-1 જેવી સ્પેશિયલ વિઝા કેટેગરીમાં પણ મોટા પાયે વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે, જે ચિંતાનો વિષય છે.
વિઝા રદ થવાના મુખ્ય 4 કારણો
સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર, વિઝા રદ કરવા પાછળ મુખ્યત્વે ચાર કારણો જવાબદાર છે:
1) વિઝાની મુદત પૂરી થયા પછી પણ રોકાઈ રહેવું.
2) દારૂ પીને વાહન ચલાવવું.
3) મારામારી કે હુમલો કરવો.
4) ચોરી જેવી ઘટનાઓમાં સંડોવણી.
સરકારી ડેટા મુજબ, અત્યાર સુધીમાં આશરે 8,000 સ્ટુડન્ટ વિઝા અને 2,500 સ્પેશિયલ વિઝા રદ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે સ્પેશિયલ વિઝા ધરાવતા અડધોઅડધ લોકોના વિઝા માત્ર 'દારૂ પીને ગાડી ચલાવવા'ના કારણે રદ થયા છે. આ ઉપરાંત ડ્રગ્સ, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા ગુનાઓમાં સામેલ લોકોને પણ દેશમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર શું અસર?
આ કડક પોલીસીનો મોટો ફટકો ભારતીયોને પડ્યો છે. ભારત સરકારના આંકડા મુજબ:
* વર્ષ 2023માં 617 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા.
* વર્ષ 2024માં આ આંકડો વધીને 1,368 થયો.
* જ્યારે 2025માં અત્યાર સુધીમાં જ 3,155 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી પરત મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમેરિકન એજન્સી ICE દ્વારા 4,736 SEVIS રેકોર્ડ્સ (સ્ટુડન્ટ વિઝા સ્ટેટસ) બંધ કરી દેવાયા છે અને 300થી વધુ સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે હવે નાની ભૂલ પણ ભારે પડી શકે છે.
ભારત પર કોઈ સીધો પ્રતિબંધ નથી, પણ ચેકિંગ વધ્યું
અહીં રાહતની વાત એ છે કે ભારતને કોઈ 'ટ્રાવેલ બેન' (મુસાફરી પ્રતિબંધ) લિસ્ટમાં મૂકવામાં આવ્યું નથી. જોકે, ભારતીયો માટે સ્ક્રિનિંગ અને તપાસની પ્રક્રિયા ખૂબ જ કડક બનાવી દેવામાં આવી છે. H-1B અને H-4 વિઝાના સ્ટેમ્પિંગ વખતે હવે વધારે ઝીણવટભરી તપાસ થઈ રહી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ઓનલાઈન હિસ્ટ્રીનું પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.
વિઝા એ અધિકાર નથી, વિશેષાધિકાર છે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "અમેરિકન વિઝા મેળવવો એ કોઈનો અધિકાર નથી, પરંતુ એક વિશેષાધિકાર છે." સ્ટેટ ડિપાર્ટમેન્ટ આગામી ઓગસ્ટ 2025 સુધીમાં લગભગ 55 મિલિયન (5.5 કરોડ) વિદેશી નાગરિકોના વિઝાની સમીક્ષા કરવા જઈ રહ્યું છે.
નિષ્ણાતોની સલાહ
ઈમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે હવે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગે ખૂબ જ સાવધ રહેવું પડશે. ટ્રાફિકના નિયમો તોડવા કે દારૂ પીને ડ્રાઈવિંગ કરવું હવે માત્ર દંડ ભરીને પતતું નથી, તેનાથી તમારા વિઝા રદ થઈ શકે છે અને કરિયર બરબાદ થઈ શકે છે. તેથી કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે.