પાણીના 2 સેમ્પલ ટેસ્ટમાં ફેલ થતાં બિસલેરીએ આપી સ્પષ્ટતા! લેબ રિપોર્ટમાં વિરોધાભાસ હોવાનો કંપનીનો દાવો | Moneycontrol Gujarati
Get App

પાણીના 2 સેમ્પલ ટેસ્ટમાં ફેલ થતાં બિસલેરીએ આપી સ્પષ્ટતા! લેબ રિપોર્ટમાં વિરોધાભાસ હોવાનો કંપનીનો દાવો

Bisleri FSSAI Case: પેકેજ્ડ વોટર બ્રાન્ડ બિસલેરીના પાણીના સેમ્પલ FSSAI ટેસ્ટમાં ફેલ થયા બાદ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી મળી છે. જાણો આ સમગ્ર વિવાદ પર બિસલેરીએ પોતાના બચાવમાં શું કહ્યું.

અપડેટેડ 11:47:20 AM Nov 23, 2026 પર
Story continues below Advertisement
ગોવા પ્લાન્ટમાંથી લેવાયેલા 6 માંથી 5 સેમ્પલ પાસ થયા હતા

Bisleri FSSAI Case: દેશની જાણીતી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બ્રાન્ડ ‘બિસલેરી’ના પાણીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં બે વખત ફેલ થયા હોવાના સમાચાર બાદ ખળભળાટ મચી ગયો છે. આ મામલે સરકારી સંસ્થા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ કંપની સામે કોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

હવે આ કાયદાકીય કાર્યવાહી અને સેમ્પલ ફેલ થવાના રિપોર્ટ અંગે બિસલેરી ઇન્ટરનેશનલે આજે સોમવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાનો પક્ષ મૂક્યો છે. કંપનીએ બચાવ કરતા જણાવ્યું છે કે આ મામલો લગભગ 14 મહિના જૂનો છે અને અલગ-અલગ લેબના રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો છે.


ગોવા પ્લાન્ટમાંથી લેવાયેલા 6 માંથી 5 સેમ્પલ પાસ થયા હતા

બિસલેરીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આ કેસ 14 મહિના જૂનો છે. ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ FSSAI ની ટીમે કંપનીના ગોવા પ્લાન્ટમાંથી તપાસ માટે કુલ 6 સેમ્પલ લીધા હતા. આ તપાસના પરિણામો નીચે મુજબ રહ્યા હતા:

5 સેમ્પલ પાસ: લેવામાં આવેલા 6 સેમ્પલમાંથી 5 સેમ્પલ ગુણવત્તાના તમામ માપદંડો પર સંપૂર્ણપણે ખરા (પાસ) ઉતર્યા હતા.

છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટનું પ્રમાણ: માત્ર છઠ્ઠા સેમ્પલની પ્રાથમિક તપાસમાં બ્રોમેટ (Bromate) નું પ્રમાણ 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર નોંધાયું હતું, જે નક્કી કરેલી 10 માઇક્રોગ્રામ પ્રતિ લિટરની મર્યાદા કરતાં થોડું વધારે હતું.

રેફરલ લેબના રિપોર્ટમાં જોવા મળ્યો વિરોધાભાસ

કંપનીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક રિપોર્ટ બાદ નવેમ્બર 2025 માં અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સેમ્પલને 'રેફરલ લેબોરેટરી'માં મોકલવામાં આવ્યા હતા. અહીં તપાસ દરમિયાન ચોંકાવનારો વિરોધાભાસ સામે આવ્યો હતો. રેફરલ લેબની તપાસમાં પાણીમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદાની અંદર (સામાન્ય) હોવાનું જણાયું હતું. પરંતુ, આ બીજી લેબના રિપોર્ટમાં પાણીમાં 'પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ' (PAHs) ની હાજરી હોવાનું કહેવામાં આવ્યું હતું.

સ્વતંત્ર લેબના ટેસ્ટમાં પાણી સંપૂર્ણ સુરક્ષિત હોવાનો કંપનીનો દાવો

આ બંને સરકારી લેબોરેટરીના રિપોર્ટમાં અલગ-અલગ તારણો અને તફાવત જોવા મળ્યા બાદ, બિસલેરીએ સત્ય જાણવા માટે FSSAI દ્વારા માન્યતા પ્રાપ્ત એક સ્વતંત્ર (બાહ્ય) લેબોરેટરીમાં ગોવા ફેક્ટરીમાં તૈયાર થયેલા એ જ તારીખ અને એ જ બેચના પાણીના સેમ્પલની ફરીથી તપાસ કરાવી હતી.

કંપનીનો દાવો છે કે આ સ્વતંત્ર લેબના પરીક્ષણમાં પાણી સુરક્ષાના તમામ માપદંડો પર 100% સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું. બિસલેરીએ જણાવ્યું છે કે, "પીવાના પાણીની સુરક્ષા અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. અમે ગુણવત્તા પર સતત કડક નજર રાખીએ છીએ અને આ મામલાને યોગ્ય નિયમનકારી પ્રક્રિયા દ્વારા ઉકેલવા માટે FSSAI ને સંપૂર્ણ સહયોગ આપવાનું ચાલુ રાખીશું."

9 મહિના બાદ FSSAI એ આપી કેસ ચલાવવાની મંજૂરી

ગોવા પ્લાન્ટ સાથે જોડાયેલા આ વિવાદમાં છેલ્લા 9 મહિના સુધી કોઈ મોટી કાર્યવાહી અંગેની વિગતો સામે આવી ન હતી. જોકે, રવિવારે (22 નવેમ્બર 2026) FSSAI એ સત્તાવાર જાહેરાત કરી હતી કે બે અલગ-અલગ લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણોમાં પાણીના સેમ્પલ ફેલ થયા હોવાથી, હવે બિસલેરી કંપની સામે કોર્ટમાં કાયદેસરનો કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો- PM મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહ વચ્ચે ખાસ મુલાકાત! જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2026 11:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.