WhatsApp Web Advisory: કોમ્પ્યુટર પર વોટ્સએપ વાપરતા હોવ તો સાવધાન, ગૃહ મંત્રાલયે આપી મોટી ચેતવણી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર, 23 નવેમ્બરે WhatsApp Web વાપરતા લોકો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. જાણો તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થવાથી બચાવવા માટે શું ધ્યાન રાખવું.
આ સાથે જ યુઝર્સને વોટ્સએપ વેબને કાયમી ધોરણે લોગ-ઈન રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
WhatsApp Web Advisory: જો તમે ઓફિસ કે ઘરના કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવાર, 23 નવેમ્બરના રોજ વોટ્સએપ યુઝર્સ માટે એક ગંભીર ચેતવણી જારી કરી છે. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે વોટ્સએપ પર કોઈપણ ગોપનીય કે ખાનગી માહિતી મોકલવાનું ટાળો, કારણ કે સાયબર ગુનેગારો તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.
સાયબર સુરક્ષાને લઈને જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે 'ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર' (I4C) ની 'નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ' ના ધ્યાનમાં એક મોટું જોખમ આવ્યું છે. ઘણીવાર વોટ્સએપ વેબનું એક્ટિવ લોગિન સેશન ખોટી રીતે વાપરવામાં આવે છે, જેનાથી કોઈપણ અજાણી વ્યક્તિ તમારી મંજૂરી વિના તમારા એકાઉન્ટમાં ઘૂસીને તમારી પર્સનલ ચેટ અને ઓળખનો દુરુપયોગ કરી શકે છે.
એક્ટિવ સેશનથી સાયબર ગુનેગારો શું-શું કરી શકે છે?
આ એડવાઈઝરીમાં ખાસ કરીને શેર કરવામાં આવતા અથવા બીજા લોકોની પહોંચ હોય તેવા કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબ એક્ટિવ રહેવાના જોખમો જણાવવામાં આવ્યા છે. સત્તાવાર નિવેદન મુજબ, સાયબર ગુનેગારો એક્ટિવ વોટ્સએપ વેબ સેશનનો ઉપયોગ કરીને નીચે મુજબનું નુકસાન પહોંચાડી શકે છે:
તમારી અંગત ચેટ્સ વાંચી શકે છે.
મૂળ એકાઉન્ટ ધારક બનીને તમારા નામે બીજાને મેસેજ મોકલી શકે છે.
તમારી કોન્ટેક્ટ લિસ્ટ અને ગ્રુપ ચેટ્સ સુધી પહોંચ બનાવી શકે છે.
આ ડેટાનો ઉપયોગ છેતરપિંડી, ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ માટે કરી શકે છે.
આ જગ્યાઓ પર વોટ્સએપ વેબ વાપરવાનું ટાળો
એડવાઈઝરીમાં યુઝર્સને ઓફિસના કોમ્પ્યુટર, પબ્લિક સિસ્ટમ, સાયબર કાફે, હોટલ બિઝનેસ સેન્ટર અને એવા અન્ય ડિવાઈસ પર વોટ્સએપ વેબ ચલાવવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે, જ્યાં ત્રીજી વ્યક્તિની પહોંચ હોઈ શકે છે.
આ સાથે જ યુઝર્સને વોટ્સએપ વેબને કાયમી ધોરણે લોગ-ઈન રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એજન્સીએ ખાસ ભાર મૂકીને કહ્યું છે કે દરેક વખતે કામ પૂરું થયા બાદ મેન્યુઅલી લોગ-આઉટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે માત્ર બ્રાઉઝરની ટેબ બંધ કરી દેવાથી સેશન બંધ થતું નથી.
સુરક્ષિત રહેવા માટે સાયબર એજન્સીની ખાસ સલાહ
સાયબર ક્રાઈમ એજન્સીએ યુઝર્સને પોતાનું એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે નીચેના પગલાં લેવા જણાવ્યું છે.
પ્રાઈવેટ બ્રાઉઝિંગ: જો વોટ્સએપ વેબ વાપરવું ખૂબ જ જરૂરી હોય, તો 'ઈન્કોગ્નિટો' કે પ્રાઈવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરો, પરંતુ તે પણ માત્ર ભરોસાપાત્ર કોમ્પ્યુટર પર જ ચલાવો.
શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર: જો તમારા એકાઉન્ટમાંથી અચાનક આપોઆપ મેસેજ જતા હોય અથવા તમારા કોન્ટેક્ટ્સ તરફથી એવા જવાબો આવતા હોય જેનો કોઈ સંદર્ભ તમને સમજાતો ન હોય, તો તરત જ સતર્ક થઈ જાઓ.
સોફ્ટવેર અપડેટ રાખો: તમારા કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સિક્યોરિટી સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો. શંકાસ્પદ ડાઉનલોડ, અજાણી ફાઈલો, ક્રેક્ડ સોફ્ટવેર અને બિન-ભરોસાપાત્ર એપ્સથી દૂર રહો.
સરકારી અને ખાનગી ઓફિસો માટે ખાસ સૂચના
સત્તાવાર અને સંવેદનશીલ માહોલમાં કામ કરતી સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઓફિસના કોમ્પ્યુટર પર વોટ્સએપ વેબના ઉપયોગથી સંપૂર્ણપણે દૂર રહે, અને પ્રાઈવેટ બ્રાઉઝિંગને પણ માત્ર એક વધારાની સાવચેતી તરીકે જ જુએ.